
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વીડનના ગોથેનબર્ગમાં વોલ્વો ગ્રુપ દ્વારા આયોજિત યુરોપિયન સીઈઓ રાઉન્ડટેબલને સંબોધતા ભારત અને યુરોપ વચ્ચે મજબૂત ભાગીદારીની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે આજના અનિશ્ચિત વૈશ્વિક સમયમાં ભારત અને યુરોપ મળીને સ્થિરતા, ટકાઉપણું અને સહિયારી સમૃદ્ધિના મજબૂત સ્તંભ બની શકે છે.
પીએમ મોદીએ કહ્યું કે ભારત આજે વિશ્વનું ત્રીજું સૌથી મોટું સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ ધરાવે છે અને દેશના સ્ટાર્ટઅપ્સ AI, ફિનટેક, અવકાશ, ડ્રોન અને ગતિશીલતા જેવા ક્ષેત્રોમાં વૈશ્વિક ઉકેલો તૈયાર કરી રહ્યા છે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસતી મુખ્ય અર્થવ્યવસ્થા તરીકે આગળ વધી રહ્યું છે. દેશની યુવા વસ્તી, વધતો મધ્યમ વર્ગ અને વિસ્તરતી માળખાકીય સુવિધાઓ વિકાસને નવી ગતિ આપી રહી છે.
“હું તમને ભારત સાથે મળીને કામ કરવા આમંત્રણ આપવા આવ્યો છું. ભારત આજે નવા આત્મવિશ્વાસ સાથે આગળ વધી રહ્યું છે.”
પીએમ મોદીએ વૈશ્વિક સપ્લાય ચેઇન પર વધી રહેલા દબાણ, ટેક્નોલોજી સ્પર્ધા, ઊર્જા સુરક્ષા અને આબોહવા પરિવર્તન જેવા પડકારોનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે આવા સમયમાં ભારત અને યુરોપ વચ્ચેની ભાગીદારી વધુ મહત્વપૂર્ણ બની જાય છે.
તેમણે જણાવ્યું કે બંને પક્ષો ભારત-EU મુક્ત વેપાર કરારના વહેલા અમલીકરણ માટે કામ કરી રહ્યા છે. સાથે જ સુરક્ષા, સંરક્ષણ અને ગતિશીલતા ક્ષેત્રે સહયોગને નવી દિશા મળી રહી છે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારત અને યુરોપ વચ્ચેના સંબંધો હાલમાં એક મહત્વપૂર્ણ વળાંક પર છે. સરકારી સ્તરે બંનેએ વ્યૂહાત્મક અને મહત્વાકાંક્ષી એજન્ડા નક્કી કર્યો છે, જે ભવિષ્યના સહકારને વધુ મજબૂત બનાવશે.
પીએમ મોદીએ જણાવ્યું કે છેલ્લા 12 વર્ષમાં ભારતે “સુધારા, કામગીરી અને પરિવર્તન”ના મંત્ર સાથે આગળ વધ્યું છે. સરકારની રાજકીય ઈચ્છાશક્તિના કારણે આર્થિક અને ઔદ્યોગિક સુધારાઓને ઝડપી ગતિ મળી છે.
સ્વીડનની મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને “રોયલ ઓર્ડર ઓફ ધ પોલર સ્ટાર કમાન્ડર ગ્રાન્ડ ક્રોસ” સન્માનથી નવાજવામાં આવ્યા હતા. આ સ્વીડન દ્વારા વિદેશી રાજ્યના વડાને આપવામાં આવતું સર્વોચ્ચ સન્માન માનવામાં આવે છે.
આ સન્માન કોઈ ભારતીય વડાપ્રધાનને વિદેશી દેશ તરફથી મળેલું 31મું આંતરરાષ્ટ્રીય સન્માન છે.
સ્વીડનની મુલાકાત પૂર્ણ કર્યા બાદ પ્રધાનમંત્રી મોદી આજે નોર્વે માટે રવાના થશે. તેઓ હાલમાં પાંચ દેશોની વિદેશ યાત્રા પર છે.
આ પણ વાંચો- Breaking News : અબુ ધાબીમાં મોટો ડ્રોન અટેક, ન્યુક્લિયર પ્લાન્ટને નિશાન બનાવ્યું
Published On - 8:19 am, Mon, 18 May 26