
શેખ હસીનાએ રાજીનામું આપીને બાંગ્લાદેશથી ભાગી ગયા પછી દેશની અંદર હિંદુઓ પર અત્યાચાર શરૂ થઈ ગયા છે. બાંગ્લાદેશમાં વિવિધ સ્થળોએ હિંદુ મંદિરો અને હિંદુ સમુદાય પર હુમલાના અહેવાલો છે. બાંગ્લાદેશથી આવી રહેલા અહેવાલો દર્શાવે છે કે હિંદુ ઘરો અને મંદિરોને નિશાન બનાવવામાં આવ્યા છે. ઈસ્કોન અને કાલી મંદિર પર હુમલા થયા છે, ત્યારબાદ હિંદુઓએ પોતાનો જીવ બચાવવા માટે છુપાઈ જવું પડ્યું છે.
રંગપુરના હિંદુ કાઉન્સિલર કાજલ રોયની બદમાશોએ હત્યા કરી નાખી. આ દરમિયાન બાંગ્લાદેશની સેના હિન્દુ લઘુમતીઓની સુરક્ષા માટે આગળ આવી છે. સેનાએ હિંદુ પરિવારો, મંદિરો અને અન્ય પૂજા સ્થાનોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે હેલ્પલાઇન નંબર જાહેર કર્યા છે.
દેશમાં ઘણી જગ્યાએ હિંદુ સમુદાય પર હુમલાના અહેવાલો સામે આવ્યા બાદ આ હેલ્પલાઈન નંબરો જાહેર કરવામાં આવ્યા હતા. શેખ હસીનાની પાર્ટી અવામી લીગના નેતાઓ પર હુમલાની સાથે બદમાશોએ લઘુમતીઓને પણ નિશાન બનાવવાનું શરૂ કરી દીધું છે. રાજધાની ઢાકા સ્થિત ભારતીય સાંસ્કૃતિક કેન્દ્રમાં તોડફોડ કરવામાં આવી છે. ઓછામાં ઓછા બે હિન્દુ કાઉન્સિલરની હત્યાના અહેવાલ છે. કાજલ રોય ઉપરાંત અવામી લીગના હરધન રોયની રંગપુર જિલ્લામાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.
હિંદુ બૌદ્ધ ખ્રિસ્તી એકતા પરિષદના કાજલ દેબનાથે કહ્યું છે કે તણાવ વચ્ચે સમુદાય ડરી ગયો છે. ઇસ્કોન ઇન્ડિયાના પ્રવક્તા, યુધિષ્ઠિર ગોવિંદ દાસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર જણાવ્યું હતું કે સંસ્થાના મંદિર પર હુમલો કરવામાં આવ્યો હતો અને મૂર્તિઓ તોડી નાખવામાં આવી હતી. તેણે કહ્યું કે મંદિરોમાં હાજર ત્રણ લોકો પોતાનો જીવ બચાવવા ભાગ્યા.
તેમણે કહ્યું, મને મળેલી માહિતી મુજબ, મેહેરપુર (ખુલના વિભાગ)માં અમારા એક કેન્દ્રમાં ભગવાન જગન્નાથ, બલદેવ અને સુભદ્રા દેવીની મૂર્તિઓ સાથે બાળી નાખવામાં આવી હતી. મંદિરમાં રોકાયેલા ત્રણેય ભક્તો પોતાનો જીવ બચાવવામાં સફળ રહ્યા હતા.
નેધરલેન્ડના નેતા ગીર્ડ વાઈલ્ડરે બાંગ્લાદેશમાં હિંદુઓ પર થતા હુમલાઓને તાત્કાલિક રોકવાની માંગ કરી છે. તેણે X પર લખ્યું, ‘બાંગ્લાદેશમાં હિંદુઓ વિરુદ્ધ હિંસા ભયાનક છે. તેઓની હત્યા કરવામાં આવી રહી છે અને અસંસ્કારી ઇસ્લામિક ટોળાઓ દ્વારા તેમના ઘરો અને મંદિરોને બાળવામાં આવી રહ્યા છે. આ તાત્કાલિક બંધ કરવું જોઈએ’
નોંધ -ઉપર દર્શાવેલા વીડિયોની TV9 ગુજરાતી પુષ્ટી કરતું નથી
Published On - 6:19 pm, Tue, 6 August 24