
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા એન્ટિ-ડમ્પિંગ નિયમોની સમીક્ષાને કારણે ઇટાલિયન પાસ્તા મેકરને 107 ટકા સુધીના ભારે ટેરિફનો ભય છે. યુએસ કોમર્સ વિભાગે પહેલાથી જ લાદવામાં આવેલા 15 ટકા ટેરિફ ઉપરાંત વધારાની 92 ટકા ઇમ્પોર્ટ ડ્યુટી લાદવાની ધમકી આપી છે.
ઇટાલિયન પાસ્તા ઉત્પાદકો સ્થાનિક ભાવ કરતાં ઓછા ભાવે અમેરિકન બજારમાં તેમના ઉત્પાદનો વેચીને અમેરિકન કંપનીઓને નબળી પાડવાનો પ્રયાસ કરી રહ્યા છે, તેવા આરોપો વચ્ચે આ કાર્યવાહી થઈ શકે છે.
કોમર્સ વિભાગે વર્ષ 2024 માં તપાસ શરૂ કરી હતી, જ્યારે Missouri બેઝ્ડ પાસ્તા મેકર 8th Avenue Food and Provisions એ ફરિયાદ કરી હતી કે, ઇટાલીની કંપનીઓ બજારને પ્રભાવિત કરી રહી છે.
વિભાગે ઇટાલીના બે સૌથી મોટા એક્સપોર્ટર્સની તપાસ કરી હતી અને જણાવ્યું હતું કે, જો તેઓ અમેરિકામાં પોતાના પ્રોડક્ટ્સને ખર્ચથી ઓછા ભાવમાં અથવા સ્થાનિક બજાર કરતા ઓછી કિંમતે વેચતા જોવા મળશે, તો તેને ‘ડમ્પિંગ’ માનવામાં આવશે.
વ્હાઇટ હાઉસના પ્રવક્તા કુશ દેસાઈએ જણાવ્યું હતું કે, ઇટાલીની કંપનીઓને ત્રણ વખત ગાઈડલાઇન મોકલવા છતાં તેઓ યોગ્ય જવાબ આપવામાં નિષ્ફળ ગયા, જેના કારણે કાર્યવાહીનો માર્ગ મોકળો થયો.
આ સંભવિત ટેરિફને કારણે ઇટાલીના બજારમાં ભારે હલચલ મચી ગઈ છે, કારણ કે લગભગ 13 ઇટાલિયન પાસ્તા ઉત્પાદકો તેના પ્રભાવ હેઠળ આવશે. અમેરિકા, જર્મની પછી ‘ઇટાલિયન’ પાસ્તા માટે બીજા ક્રમનું સૌથી મોટું નિકાસ બજાર છે.
ઇટાલિયન ખેડૂત સંગઠન Coldiretti ના ડેટા અનુસાર, ઇટાલીના પાસ્તા નિકાસમાં અમેરિકાનો હિસ્સો આશરે 15 ટકા છે, જે $4.65 બિલિયન છે. નિષ્ણાતો કહે છે કે, જો ટેરિફ લાગુ કરવામાં આવે તો, ઇટાલિયન પાસ્તા યુએસ બજારમાં અત્યંત મોંઘા થઈ જશે, જેના વેચાણ પર ગંભીર અસર પડશે.