ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને મંગળવારે 34 વર્ષીય શિક્ષણ મંત્રી ગેબ્રિયલ અટલને તેમના નવા વડાપ્રધાન તરીકે નિયુક્ત કર્યા છે. ગેબ્રિયલ અટલની ગણતરી મેક્રોનના નજીકના સહયોગીઓમાં થાય છે. કોરોનાકાળ દરમિયાન ગેબ્રિયલ અટલ સરકારના પ્રવક્તા તરીકે ઉભરી આવ્યા હતા, ત્યારબાદ તેમને શિક્ષણ પ્રધાન બનાવવામાં આવ્યા હતા. સૌથી નાની વયના વડાપ્રધાન હોવાની સાથે ગેબ્રિયલ અટલ ફ્રાંસના પ્રથમ ગે વડાપ્રધાન પણ હશે.
ગેબ્રિયલ હવે વડાપ્રધાન એલિઝાબેથ બોર્નનું સ્થાન લેશે. તાજેતરના ઓપિનિયન પોલ્સમાં દેશના સૌથી લોકપ્રિય રાજકારણીઓમાંના એક અટલે એક સમજદાર મંત્રી તરીકે પોતાનું નામ બનાવ્યું છે. તો મેક્રોને પણ ગેબ્રિયલને વડાપ્રધાન તરીકે નિયુક્ત કરીને પોતાનો રાજકીય આધાર મજબૂત કર્યો છે.
એલિઝાબેથ બોર્ને વિવાદાસ્પદ ઇમિગ્રેશન કાયદા અને કેટલાક વિદેશીઓને દેશનિકાલ કરવાની સરકારની સત્તામાં વધારો કરવાના અન્ય પગલાઓ અંગેના તાજેતરના રાજકીય તણાવને પગલે રાજીનામું આપ્યું હતું. આ કાયદાને રાષ્ટ્રપતિ મેક્રોનનું સમર્થન છે. મેક્રોને બીજી વખત સત્તામાં આવ્યા પછી મે-2022માં બોર્નને વડાપ્રધાન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેઓ ફ્રાન્સના બીજા મહિલા વડાપ્રધાન હતા.
ગેબ્રિયલ અટલની વડાપ્રધાન તરીકે નિમણૂકને લઈને એવું કહેવામાં આવી રહ્યું છે કે ફ્રાન્સના રાષ્ટ્રપતિ યુરોપિયન સંસદની ચૂંટણી પહેલા પોતાની પાર્ટીમાં નવો પ્રાણ ફૂંકવા માંગે છે. મેક્રોન હવે સરકારમાં નવા પ્રાણ પુરવા માટે અટલ સાથે હાથ મિલાવી શકે છે. 2022માં સંપૂર્ણ બહુમતી ગુમાવ્યા પછી, મેક્રોન એક એવા નેતાની શોધમાં હતા જે સરકાર સાથે વધુ સારું સંકલન જાળવીને તેમના પક્ષને મજબૂત બનાવે.