પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા ઈન્ટર-સર્વિસીસ ઈન્ટેલિજન્સ (ISI)ના પૂર્વ ચીફ લેફ્ટનન્ટ જનરલ ફૈઝ હમીદની પાકિસ્તાનની સેનાએ ધરપકડ કરી છે. પાકિસ્તાની સેનાની પ્રચાર શાખા ઇન્ટર સર્વિસ પબ્લિક રિલેશન્સ (ISPR) દ્વારા ફૈઝ હમીદની ધરપકડની પુષ્ટિ કરવામાં આવી છે. તેઓ પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનના નજીકના માનવામાં આવે છે.
ઈમરાન ખાનની સરકાર દરમિયાન, ફૈઝ હામિદને આગામી આર્મી ચીફ બનાવવાની વાત પણ થઈ હતી, જો કે, તેમના તખ્તાપલટને કારણે આ યોજના સફળ થઈ શકી ન હતી. ફૈઝ હમીદ પર અફઘાનિસ્તાનની નાગરિક સરકારને અસ્થિર કરવાનો અને તાલિબાનને કાબુલ પર કબજો કરવામાં મદદ કરવાનો પણ આરોપ હતો.
ISPRએ જણાવ્યું હતું કે, પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટના આદેશને પગલે, પાકિસ્તાની સેના દ્વારા લેફ્ટનન્ટ જનરલ (નિવૃત્ત) ફૈઝ હમીદ વિરુદ્ધ ટોપ સિટી કેસમાં કરવામાં આવેલી ફરિયાદોની સત્યતા જાણવા માટે વિગતવાર તપાસ હાથ ધરવામાં આવી હતી. આઈએસપીઆરએ એમ પણ કહ્યું કે પાકિસ્તાન આર્મી એક્ટની જોગવાઈઓ હેઠળ જાસૂસી સંસ્થાના ભૂતપૂર્વ વડા વિરુદ્ધ યોગ્ય અનુશાસનાત્મક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
તેમાં કહેવામાં આવ્યું છે કે ભૂતપૂર્વ જનરલ સામે નિવૃત્તિ પછી પાકિસ્તાન આર્મી એક્ટના ઉલ્લંઘનના ઘણા કેસ પણ દાખલ કરવામાં આવ્યા છે. ફૈઝ હમીદે પેશાવર કોર્પ્સ કમાન્ડર તરીકે પણ સેવા આપી હતી.
ISPRએ રિલીઝમાં જણાવ્યું હતું કે, ફીલ્ડ જનરલ કોર્ટ માર્શલની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને લેફ્ટનન્ટ જનરલ (નિવૃત્ત) ફૈઝ હમીદને સૈન્ય કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. કોર્ટ માર્શલ થતાં જ ફૈઝ હમીદને સેનામાંથી બરતરફ કરી દેવામાં આવશે અને તેમને ઉપલબ્ધ તમામ સરકારી સુવિધાઓ બંધ કરી દેવામાં આવશે.
એવું માનવામાં આવે છે કે પાકિસ્તાની સેનાનું આ પગલું સશસ્ત્ર દળો તરફથી ઈમરાન ખાનના સમર્થકોને સંદેશ આપવા માટે લેવામાં આવ્યું છે. એવા અહેવાલો છે કે પાકિસ્તાની સેનાના કેટલાક અધિકારીઓ ઈમરાન ખાન પ્રત્યે સહાનુભૂતિ ધરાવે છે અને તેમની પાર્ટી પીટીઆઈને આંતરિક રીતે સમર્થન આપી રહ્યા છે.