કોકપિટમાં સંઘર્ષથી સુરક્ષિત લેન્ડિંગ સુધી… 30 હજાર ફૂટની ઊંચાઈએ ભારતીય પાયલટ સહિત 5 હીરોએ બચાવી 174 લોકોની જિંદગી?

ફ્લાયદુબઈની ફ્લાઇટ FZ1073માં 30 હજાર ફૂટની ઊંચાઈએ કો-પાયલટે કોકપિટનો કંટ્રોલ લેવાનો પ્રયાસ કરતાં 174 મુસાફરોના જીવ જોખમમાં મુકાયા હતા.

કોકપિટમાં સંઘર્ષથી સુરક્ષિત લેન્ડિંગ સુધી... 30 હજાર ફૂટની ઊંચાઈએ ભારતીય પાયલટ સહિત 5 હીરોએ બચાવી 174 લોકોની જિંદગી?
| Updated on: Oct 01, 2026 | 10:21 PM

ફ્લાયદુબઈની ફ્લાઇટ FZ1073 સાથે જોડાયેલી ઘટનાએ સૌને ચોંકાવી દીધા છે. ઇઝરાયેલ જઈ રહેલી આ ફ્લાઇટમાં 30 હજાર ફૂટની ઊંચાઈએ એવી પરિસ્થિતિ ઊભી થઈ હતી કે થોડા સમય માટે 174 મુસાફરોના જીવ જોખમમાં મુકાયા હતા. જોકે, ભારતીય પાયલટ સહિત પાંચ લોકોની સમયસરની હિંમત અને ઝડપી કાર્યવાહીને કારણે પરિસ્થિતિ કાબૂમાં આવી અને વિમાનને સુરક્ષિત રીતે લેન્ડ કરાવવામાં આવ્યું.

આ સમગ્ર ઘટનામાં પાંચ લોકોને મહત્વની ભૂમિકા ભજવવા બદલ હીરો તરીકે જોવામાં આવી રહ્યા છે. તેમાં ભારતીય પાયલટ સ્મિત મચ્છર ઉપરાંત ચાર ઇઝરાયેલી નાગરિકો યાનિવ હાયુન, ડૉ. શોટા મુસાયેવ, આસફ રઝુઆન અને ઝ્વિકા માનેન્સનો સમાવેશ થાય છે. આ લોકોની હિંમતની ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ પણ પ્રશંસા કરી છે. ચાર ઇઝરાયેલી નાગરિકોને વીરતા પુરસ્કાર આપવાની તૈયારી ચાલી રહી હોવાનું જણાવાયું છે. બીજી તરફ, ભારતીય પાયલટ સ્મિત મચ્છરને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ હીરો ગણાવ્યા છે.

ડૉ. શોટા મુસાયેવે જણાવી આંખે જોયેલી ઘટના

આ ઘટનાના સાક્ષી રહેલા ડૉ. શોટા મુસાયેવે ઇઝરાયેલી ચેનલ 15 સાથે વાત કરતાં સમગ્ર ઘટનાની વિગતો જણાવી હતી. તેઓ ફ્લાયદુબઈની આ ફ્લાઇટમાં મુસાફરી કરી રહ્યા હતા. તેમના જણાવ્યા મુજબ, ફ્લાઇટ દરમિયાન કો-પાયલટે કોકપિટનો કંટ્રોલ પોતાના હાથમાં લેવાનો પ્રયાસ કર્યો હતો.

ડૉ. મુસાયેવના જણાવ્યા પ્રમાણે, જો સમયસર આ સ્થિતિને કાબૂમાં લેવામાં આવી ન હોત તો આ ઘટના મોટા હવાઈ અકસ્માતમાં ફેરવાઈ શકતી હતી. તેમણે આ ઘટનાને અસાધારણ ઘટનાઓની એક શ્રેણી ગણાવી હતી, જેમાં અનેક લોકોની તાત્કાલિક પ્રતિક્રિયાએ મોટી દુર્ઘટના ટાળવામાં મદદ કરી.

ગંભીર રીતે ઘાયલ થયા છતાં સ્મિત મચ્છરે હિંમત ન હારી

આ સમગ્ર ઘટનામાં ભારતીય પાયલટ સ્મિત મચ્છરની ભૂમિકા સૌથી મહત્વની હોવાનું સામે આવ્યું છે. ગંભીર રીતે ઘાયલ થયા બાદ પણ તેમણે હિંમત ન હારી અને કોકપિટના દરવાજા સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો.

સ્મિત મચ્છર કોકપિટનો દરવાજો ખોલવામાં સફળ રહ્યા હતા. આ પછી મુસાફરોને કોકપિટમાં પ્રવેશ કરીને પરિસ્થિતિ કાબૂમાં લેવાની તક મળી. અહેવાલો અનુસાર, ગંભીર ઇજાઓ અને ભારે રક્તસ્ત્રાવ છતાં સ્મિત મચ્છરે આ મહત્વપૂર્ણ પગલું ભર્યું હતું.

કોકપિટનો દરવાજો ન ખુલ્યો હોત તો શું થાત?

આ ઘટનામાં કોકપિટનો દરવાજો ખૂલવો એક મહત્વપૂર્ણ વળાંક સાબિત થયો. સામાન્ય રીતે વિમાનના કોકપિટના દરવાજા એવી રીતે ડિઝાઇન કરવામાં આવે છે કે પેસેન્જર કેબિનમાંથી કોઈ વ્યક્તિ પરવાનગી વિના અંદર પ્રવેશી ન શકે.

ઇઝરાયેલી પ્લમ્બર યાનિવ હાયુનના જણાવ્યા પ્રમાણે, સ્મિત મચ્છર બેભાન થાય તે પહેલાં કોકપિટનો દરવાજો ખોલવામાં સફળ રહ્યા હતા. ત્યારબાદ મુસાફરોને અંદર પહોંચીને કો-પાયલટને કાબૂમાં લેવાની તક મળી. જો દરવાજો બંધ જ રહ્યો હોત, તો મુસાફરો માટે કોકપિટમાં દખલ કરવું મુશ્કેલ બની શક્યું હોત.

યાનિવ હાયુને વિમાનને કાબૂમાં રાખવામાં મદદ કરી

કોકપિટમાં પ્રવેશ્યા બાદ કો-પાયલટને કાબૂમાં લેવાની કામગીરીમાં યાનિવ હાયુનની પણ મહત્વની ભૂમિકા રહી. અહેવાલો અનુસાર, તેમણે કંટ્રોલ લીવર સંભાળવામાં મદદ કરી, જેથી વિમાનનો કાબૂ જળવાઈ રહ્યો.

તે સમયે અન્ય મુસાફરો પણ મદદ માટે આગળ આવ્યા હતા. અચાનક ઊભી થયેલી ગંભીર પરિસ્થિતિમાં તેમણે વિમાનમાં ઉપલબ્ધ હેડફોનના કેબલનો ઉપયોગ કરીને કો-પાયલટને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો.

ડૉક્ટરે પણ ભારતીય પાયલટની સારવારમાં મદદ કરી

જ્યારે મુસાફરો કો-પાયલટને કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહ્યા હતા, ત્યારે ડૉ. શોટા મુસાયેવે ઘાયલ ભારતીય પાયલટની મદદ કરી હતી. ગંભીર ઈજા બાદ સ્મિત મચ્છરને તબીબી સહાયની જરૂર હતી અને ડૉક્ટર તરીકે મુસાયેવની સમયસરની મદદ મહત્વપૂર્ણ બની હતી.

આ રીતે કોકપિટનો દરવાજો ખોલવાથી લઈને કો-પાયલટને કાબૂમાં લેવા અને ઘાયલ પાયલટને મદદ કરવા સુધી અનેક લોકોની એકસાથે કરવામાં આવેલી કાર્યવાહીએ પરિસ્થિતિને વધુ ગંભીર બનતી અટકાવી.

મોટાભાગના મુસાફરો સાઉદી અરેબિયાથી પરત ફરી રહ્યા હતા

આ ફ્લાઇટમાં સવાર મોટાભાગના મુસાફરો સાઉદી અરેબિયામાં રજાઓ ગાળીને ઇઝરાયેલ પરત ફરી રહ્યા હોવાનું જણાવાયું છે. આ દરમિયાન લગભગ 30 હજાર ફૂટની ઊંચાઈએ ફ્લાઇટમાં અચાનક ગંભીર સ્થિતિ ઊભી થઈ હતી.

મુસાફરોની ઝડપી પ્રતિક્રિયા અને કેટલાક ઓફ-ડ્યૂટી પાયલટ્સની મદદથી પણ વિમાનને ફરી નિયંત્રણમાં લેવામાં મદદ મળી હતી. અંતે ફ્લાઇટને સુરક્ષિત રીતે લેન્ડ કરવામાં આવી અને મોટી દુર્ઘટના ટળી.

કોણ છે આરોપી કો-પાયલટ?

ફ્લાયદુબઈએ આ ઘટનાને લઈને નિવેદન જાહેર કરીને કહ્યું છે કે ઘટનાનું મૂળ કારણ હજુ સ્પષ્ટ નથી. એરલાઇને કોઈપણ ઉતાવળિયા તારણ પર પહોંચવાથી બચવાની અપીલ કરી છે.

એક ઇઝરાયેલી અધિકારીના જણાવ્યા પ્રમાણે, કો-પાયલટ ઓમાનનો નાગરિક હોવાનું સામે આવ્યું છે. જોકે, ઓમાન તરફથી આ મામલે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી. અહેવાલો અનુસાર, ઓમાની મૂળનો પાયલટ હાલમાં સાઉદી અરેબિયામાં કસ્ટડીમાં છે.

ફ્લાયદુબઈ અને સાઉદી અરેબિયાની સત્તાવાર એજન્સીઓએ પણ આરોપી પાયલટ વિશે સંપૂર્ણ વિગતો જાહેર કરી નથી. તેથી ઘટનાનું ચોક્કસ કારણ અને કો-પાયલટના ઇરાદા અંગે તપાસ પૂર્ણ થયા બાદ જ વધુ સ્પષ્ટતા થઈ શકશે.

આ સમગ્ર ઘટનામાં એક વાત ચોક્કસ છે કે 30 હજાર ફૂટની ઊંચાઈએ ઊભી થયેલી ગંભીર પરિસ્થિતિ દરમિયાન ભારતીય પાયલટ સ્મિત મચ્છર સહિત અનેક મુસાફરો અને અન્ય લોકોની તાત્કાલિક હિંમતભરી કાર્યવાહીથી મોટી દુર્ઘટના ટળી અને 174 લોકો સુરક્ષિત રીતે બચી શક્યા.

Flydubaiની ફ્લાઈટના 74 મુસાફરોના જીવ બચાવનાર સ્મિત મચ્છરનુ વિશિષ્ટ ગુજરાત ગરિમા એવોર્ડથી સન્માન કરાશે

Follow Us
Loading...
Unable to load recommendations.