પાકિસ્તાન (Pakistan)માં પણ કોરોનાના નવા વેરિએન્ટ ઓમીક્રોને (Omicron) એન્ટ્રી કરી લીધી છે. કરાચીમાં એક દર્દી ઓમીક્રોનથી સંક્રમિત મળ્યો છે. આગા ખાન યુનિવર્સિટી હોસ્પિટલે સોમવારે જણાવ્યું કે જીનોમ સિક્વન્સિંગના માધ્યમથી એક દર્દીમાં નવા કોરોના વાઈરસના વેરિએન્ટની જાણ થઈ છે. આ જાણકારી સ્થાનિક મીડિયા દ્વારા સામે આવી છે.
ત્યારબાદ નેશનલ કમાન્ડ એન્ડ ઓપરેશન સેન્ટરે એક ટ્વીટ કરી કહ્યું ‘ઈસ્લામાબાદના નેશનલ ઈન્સ્ટીટ્યૂટ ઓફ હેલ્થ’ આ વાતની પુષ્ટી કરવામાં સક્ષમ છે કે કરાચીથી તાજેતરમાં જ શંકાસ્પદ સેમ્પલ વાસ્તવમાં Sars-cov2નું ઓમીક્રોન વેરિએન્ટ છે. આ પ્રથમ કેસની પુષ્ટી થઈ છે પણ કેસની ઓળખ કરવા માટે સેમ્પલ પર સતત નજર રાખવામાં આવી રહી છે.
અગાઉ, પાકિસ્તાનમાં પ્રાંતીય સિંધ આરોગ્ય વિભાગ અને આગા ખાન યુનિવર્સિટી હોસ્પિટલના અધિકારીઓએ કરાચીમાં COVID-19ના ઓમિક્રોન પ્રકારનો ‘અત્યંત શંકાસ્પદ’ કેસ શોધવાની જાહેરાત કરી હતી. સિંધ પ્રાંતની સ્વાસ્થ્ય મંત્રી ડૉ. અજરા ફઝલ પુચુહોએ કહ્યું હતું કે દર્દીની ઉંમર 57 વર્ષ છે પણ સ્થાનિક સમાચાર ચેનલોએ જણાવ્યું કે સારવાર માટે એક ખાનગી હોસ્પિટલ ગયેલી મહિલાની ઉંમર લગભગ 65 વર્ષ છે.
સ્વાસ્થ્ય અધિકારીઓએ જણાવ્યું હતું કે દર્દીમાં સંક્રમણના કોઈ લક્ષણ નથી અને તેને ઘરમાં અલગ રહેવા માટે કહેવામાં આવ્યું છે. સ્વાસ્થ્ય મંત્રીએ જણાવ્યું કે ઓમીક્રોન ખુબ જ ચેપી છે પણ દક્ષિણ આફ્રિકાથી આવી રહેલા હાલના સમાચારોમાં કોઈ મોત કે ગંભીર રૂપથી બિમાર થવાની જાણકારી નથી. દુર્ભાગ્યપૂર્ણ બાબત એ છે કે આ મહિલાએ કોરોનાની રસી લીધી નથી. આ કેસ એ સમયે સામે આવ્યો છે કે જ્યારે દુનિયાભરમાં મોટી સંખ્યામાં ઓમીક્રોનના કેસ સામે આવી રહ્યા છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનને આશા છે કે આ સંખ્યા વધતી રહેશે.
હાલમાં જ જિનેવામાં WHOના ડાયરેક્ટર-જનરલ ટેડ્રોસ ઘેબ્રેયસસે ઓમિક્રોનના વધતા કેસ વિશે જણાવ્યું કે અન્ય પ્રકારોની તુલનામાં વૃદ્ધિનો ચોક્કસ દર નક્કી કરવો મુશ્કેલ છે. દક્ષિણ આફ્રિકાના કેટલાક ડેટા ઓમિક્રોન સાથે ફરીથી ચેપ લાગવાનું જોખમ સૂચવે છે તેમ છતાં, હજુ પણ વધુ ડેટાની જરૂર છે. નિષ્ણાંતોનું માનવું છે કે ડેલ્ટાની તુલનામાં વેરિએન્ટ પણ હળવા રોગનું કારણ બની શકે છે, પરંતુ હજુ સુધી કોઈ ચોક્કસ જવાબ મળ્યો નથી.
આ પણ વાંચો: Iran: ઈરાન ટૂંક સમયમાં સ્પેસ મિશન શરૂ કરશે, નિષ્ણાતો અને સેટેલાઇટ ફોટા દ્વારા મળ્યા સંકેત
Published On - 5:48 pm, Mon, 13 December 21