
સોશિયલ મીડિયા પર રોજબરોજ અવનવા વીડિયો વાયરલ થતાં હોય છે. એવામાં તાજેતરમાં યુએસએના ડલ્લાસ શહેરમાં આવેલા વોલમાર્ટમાંથી એક વીડિયો સામે આવ્યો છે, જેણે ભારતીયોને ચોંકાવી દીધા છે.
વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે, ડલ્લાસમાં વોલમાર્ટના શેલ્ફ પર ઈન્ડિયન ફૂડ્સ અને પેકેજ્ડ ફૂડ્સ જોવા મળી રહ્યા છે. બિસ્કિટ, ફરસાણ, ખાવા માટે તૈયાર પેકેટ, નમકીન અને મસાલા બધું જ જોવા મળી રહ્યું છે. વીડિયોમાં કન્ટેન્ટ ક્રિએટરે પહેલા રોયલ મસૂર દાળ અને મગ દાળ બતાવી, જેની કિંમત 4 ડોલર એટલે કે લગભગ 350 રૂપિયા હતી. બીજીબાજુ નાસ્તા અને આલૂ ભુજિયા પણ એ જ રેન્જમાં જોવા મળ્યા હતા.
આશ્ચર્યજનક વાત એ છે કે, પારલે હાઇડ એન્ડ સીક બિસ્કિટનો ભાવ $4.50 (આશરે રૂ. 400) છે. આ સિવાય શાન બિરયાની મસાલા, તંદૂરી મસાલા, ફ્રાઇડ ફિશ મસાલા અને બટર ચિકન સોસ જેવી વસ્તુઓ પણ જોવા મળી હતી. ‘રેડી ટુ ઈટ’ બિરયાનીનો ભાવ $3 (આશરે રૂ. 260) જેટલો છે.
લોકોએ આ વીડિયો પર ઘણી પ્રતિક્રિયા આપી. કોઈએ લખ્યું, “વાહ, કેટલું મોંઘુ.” બીજા યુઝરે મજાકમાં લખ્યું કે, “અહીંયા તો બધું બમણા ભાવે વેચાઈ રહ્યું છે.” અન્ય એક યુઝરે કહ્યું, “ભારતમાં 500 રૂપિયામાં કંઈ ખાસ મળતું નથી પરંતુ અમેરિકામાં 96 ડોલરથી ઘણું બધું ખરીદી શકાય છે.” કેટલાકે લખ્યું કે, કેનેડાની તુલનામાં આ કિંમતો વધારે લાગી રહી છે.
જણાવી દઈએ કે, અમેરિકા જેવા દેશોમાં લઘુત્તમ વેતન $7.25 (લગભગ રૂ. 580 પ્રતિ કલાક) છે. આવી સ્થિતિમાં, ત્યાં રહેતા લોકો સરળતાથી ઈન્ડિયન સ્નેક્સ ખરીદી શકે છે.