યુરોપમાં 6 દેશોમાં એક જ ટાઈમે ભડકેલી હિંસા, વિરોધ પ્રદર્શનો અને અરાજક્તા પાછળ શું ટ્રમ્પનો હાથ છે? 

યુરોપના એક નહીં, બે નહીં, પરંતુ છ દેશોમાં વિરોધ પ્રદર્શનો, તોડફોડ અને આગચંપીની ઘટનાઓ સામે આવી. ફ્રાન્સથી લઈને ઇટાલી, સ્પેન, બેલ્જિયમ, ગ્રીસ અને અલ્બાનિયા સુધી મોંઘવારી, શિક્ષણના ખર્ચ અને જીવનનિર્વાહના વધતા ખર્ચને લઈને લોકો રસ્તા પર ઉતર્યા. અનેક સ્થળોએ પોલીસ સાથે ઘર્ષણ થયું, દુકાનો, મોટી-મોટી નામાંકિત બ્રાન્ડ્સના શોરૂમમાં લૂંટફાટ થઈ અને જાહેર મિલકતોને નુકસાન પહોંચાડવામાં આવ્યું. આ ઘટનાક્રમ વચ્ચે એક મહત્ત્વનો સવાલ ઊભો થાય છે, શું આ માત્ર સ્થાનિક અસંતોષનું પરિણામ છે કે પછી તેની પાછળ કોઈ મોટી આંતરરાષ્ટ્રીય રાજકીય વ્યૂહરચના કામ કરી રહી છે?

યુરોપમાં 6 દેશોમાં એક જ ટાઈમે ભડકેલી હિંસા, વિરોધ પ્રદર્શનો અને અરાજક્તા પાછળ શું ટ્રમ્પનો હાથ છે? 
| Updated on: Oct 27, 2026 | 9:20 PM

ફ્રાન્સ, ઇટાલી, સ્પેન, બેલ્જિયમ, ગ્રીસ અને અલ્બાનિયામાં અલગ-અલગ કારણો સાથે મોટાપાયે લોકો રસ્તા પર ઉતર્યા અને ઉગ્ર વિરોધ પ્રદર્શનો થયાની ઘટનાઓ સામે આવી છે. ક્યાંક મોંઘવારીનો મુદ્દો હતો, ક્યાંક શિક્ષણનો વધતો ખર્ચ તો ક્યાંક રહેઠાણની સમસ્યા. પરંતુ આર્થિક મુદ્દાઓને લઈને શરૂ થયેલા વિરોધ દરમિયાન તોડફોડ, આગચંપી અને લૂંટફાટની ઘટનાઓએ સમગ્ર ઘટનાક્રમને અલગ જ દિશા આપી.

ફ્રાન્સમાં પોલીસ સાથે ઘર્ષણ, જાહેર મિલકતોને આગચંપી અને મોટા બ્રાન્ડના શોરૂમમાં લૂંટફાટની ઘટનાઓ ચર્ચામાં આવી. ઇટાલીના મિલાન સહિતનાં શહેરોમાં પણ તોડફોડના અહેવાલો સામે આવ્યા. બેલ્જિયમ અને ગ્રીસમાં વિરોધ પ્રદર્શનો દરમિયાન ઘર્ષણની સ્થિતિ સર્જાઈ હોવાની વાત કરવામાં આવી, જ્યારે સ્પેનમાં રહેઠાણ અને જીવનનિર્વાહના ખર્ચ જેવા મુદ્દાઓને લઈને અસંતોષ જોવા મળ્યો.

અહીં સવાલ એ છે કે મોંઘવારી, શિક્ષણનો ખર્ચ અને મકાનનું ભાડું જેવી સમસ્યાઓ આજે અચાનક ઊભી થઈ નથી. યુરોપના દેશોમાં આ મુદ્દાઓ લાંબા સમયથી ચર્ચામાં છે. તો પછી આ જ પ્રકારના આર્થિક અસંતોષ વચ્ચે હિંસક ઘટનાઓ અને અરાજકતાના દૃશ્યોને લઈને આટલી ચર્ચા કેમ થઈ રહી છે? શું આ પરિસ્થિતિનો કોઈ રાજકીય પક્ષ પોતાના હિતમાં ઉપયોગ કરી રહ્યો છે? અને સૌથી મહત્ત્વનું, અમેરિકામાં મિડ ટર્મ ચૂંટણીની તૈયારી વચ્ચે આ ઘટનાઓનો ટ્રમ્પની રાજનીતિ સાથે શું સંબંધ છે?

ટ્રમ્પની માઇગ્રેશન નીતિ અને યુરોપને ઉદાહરણ બનાવવાની રણનીતિ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની રાજનીતિમાં ‘અમેરિકા ફર્સ્ટ’ અને માઇગ્રેશન પર કડક નિયંત્રણના મુદ્દા કેન્દ્રસ્થાને રહ્યા છે. ટ્રમ્પની હંમેશા દલીલ રહી છે કે અમેરિકાની સરહદો સુરક્ષિત હોવી જોઈએ અને ગેરકાયદે રીતે પ્રવેશતા લોકોને રોકવા જોઈએ. તેમની સરકાર આ નીતિને રાષ્ટ્રીય સુરક્ષા અને અમેરિકન નાગરિકોના હિત સાથે જોડીને રજૂ કરે છે.

પરંતુ હવે યુરોપમાં સર્જાયેલી અસ્થિરતાને પણ આ જ રાજકીય ચર્ચા સાથે જોડીને જોવામાં આવી રહી છે. ટ્રમ્પ અને તેમના સમર્થકો માટે યુરોપ એક ઉદાહરણ બની શકે છે. યુરોપના દેશોમાં જો સામાજિક તણાવ, હિંસા અથવા કાયદો-વ્યવસ્થાની સમસ્યાઓ સામે આવે, તો તેને અમેરિકામાં માઇગ્રેશન પર કડક નિયંત્રણોની તરફેણમાં રજૂ કરી શકાય છે.

આ દલીલનો રાજકીય અર્થ સ્પષ્ટ છે: અમેરિકાના મતદારોને એવો સંદેશ આપવો કે જો સરહદો પર નિયંત્રણ નહીં રાખવામાં આવે તો અમેરિકામાં પણ યુરોપ જેવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે. એટલે યુરોપમાં થતી દરેક હિંસક ઘટના અમેરિકાની આંતરિક રાજકીય ચર્ચામાં ઉપયોગી બની શકે છે.આ જ કારણથી યુરોપની ઘટનાઓને માત્ર સ્થાનિક વિરોધ તરીકે નહીં, પરંતુ ટ્રમ્પની રાજકીય વ્યૂહરચનાના સંદર્ભમાં પણ જોવામાં આવી રહી છે.

મિડ ટર્મ ચૂંટણી પહેલાં ટ્રમ્પને યુરોપની અરાજકતાથી શું ફાયદો?

અમેરિકામાં મિડ ટર્મ ચૂંટણીનો સમય ટ્રમ્પ માટે રાજકીય રીતે મહત્ત્વપૂર્ણ છે. ઈરાન સાથેના યુદ્ધના અવિચારી નિર્ણયથી પહેલેથી જ તે બેકફુટ પર છે. આ ચૂંટણીમાં તેમની પાર્ટીનું પ્રદર્શન સરકારની નીતિઓ પ્રત્યે મતદારોના વલણનો સંકેત આપી શકે છે. આવી સ્થિતિમાં મોંઘવારી, રોજગાર, વિદેશ નીતિ અને માઇગ્રેશન જેવા મુદ્દાઓ મતદારોને પ્રભાવિત કરી શકે છે.

ટ્રમ્પની લોકપ્રિયતા અંગે સવાલો ઊભા થતા હોય અને તેમની સરકારને ઘરઆંગણે પડકારોનો સામનો કરવો પડતો હોય, ત્યારે માઇગ્રેશનનો મુદ્દો ફરી કેન્દ્રસ્થાને લાવવો રાજકીય રીતે ઉપયોગી બની શકે છે. યુરોપમાં થયેલી હિંસા અને તોડફોડના વીડિયો અમેરિકન મતદારો સુધી પહોંચે ત્યારે ટ્રમ્પના સમર્થકો તેને પોતાની નીતિઓની સફળતાના ઉદાહરણ તરીકે રજૂ કરી શકે છે.

અર્થાત્, યુરોપમાં શું થઈ રહ્યું છે તેનાથી પણ વધુ મહત્ત્વનું એ બની શકે છે કે અમેરિકામાં આ ઘટનાઓને કઈ રીતે રજૂ કરવામાં આવે છે. જો યુરોપની દરેક સમસ્યાને માઇગ્રેશન સાથે જોડીને રજૂ કરવામાં આવે, તો ટ્રમ્પની ‘અમેરિકા ફર્સ્ટ’ નીતિને સમર્થન આપતા મતદારોમાં પોતાનો નિર્ણય યોગ્ય હોવાની લાગણી મજબૂત થઈ શકે છે.

આ જ છે આ સમગ્ર ઘટનાક્રમનો રાજકીય એંગલ. યુરોપની અરાજકતા ટ્રમ્પ માટે એક એવી સરખામણી બની શકે છે, જેના આધારે તેઓ અમેરિકામાં પોતાની નીતિઓને વધુ અસરકારક અને વિરોધીઓની નીતિઓને નિષ્ફળ સાબિત કરવાનો પ્રયાસ કરી શકે છે.

બાંગ્લાદેશ અને નેપાળનો ઘટનાક્રમ

બાંગ્લાદેશમાં વિદ્યાર્થીઓના આંદોલન બાદ શેખ હસીનાની સરકારનું પતન થયું હતું. નેપાળમાં પણ જનરેશન-ઝેડના વિરોધ પ્રદર્શનો બાદ કે.પી. શર્મા ઓલીની સરકારને સત્તા છોડવી પડી હતી.

આ બંને દેશોમાં યુવાનોના આંદોલન, સરકાર સામેનો અસંતોષ અને રાજકીય પરિવર્તન ચર્ચાના કેન્દ્રમાં રહ્યાં હતાં. આ ઘટનાઓને આધારે કેટલાક વિશ્લેષકો સવાલ કરે છે કે શું આંતરરાષ્ટ્રીય શક્તિઓ સ્થાનિક અસંતોષનો ઉપયોગ કરીને રાજકીય પરિવર્તનને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરે છે?

યુરોપના વર્તમાન ઘટનાક્રમને પણ આ જ દૃષ્ટિકોણથી જોવામાં આવી રહ્યો છે. જ્યારે અનેક દેશોમાં અલગ-અલગ આર્થિક સમસ્યાઓ વચ્ચે વિરોધ પ્રદર્શનો થાય અને તેમાંથી કેટલીક જગ્યાએ હિંસા ફેલાય, ત્યારે તેની પાછળ કોઈ સંગઠિત વ્યૂહરચના હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવે છે.

યુરોપની અસ્થિરતા અને ટ્રમ્પની સુપિરિયોરિટીનો દાવો

આ સમગ્ર ઘટનાક્રમનો સૌથી મહત્ત્વનો મુદ્દો એ છે કે યુરોપની સમસ્યાઓને ટ્રમ્પની નીતિઓની સરખામણીમાં કેવી રીતે રજૂ કરવામાં આવે છે. જો યુરોપમાં મોંઘવારી, માઇગ્રેશન અને સામાજિક તણાવની સમસ્યાઓ સતત ચર્ચામાં રહે, તો ટ્રમ્પ પોતાના સમર્થકો સમક્ષ એવો દાવો કરી શકે છે કે તેમની કડક નીતિઓએ અમેરિકાને આવી પરિસ્થિતિથી બચાવ્યું છે.

આ રીતે યુરોપ માત્ર વિદેશ નીતિનો મુદ્દો રહેતું નથી, પરંતુ અમેરિકાની આંતરિક ચૂંટણીનો રાજકીય હાથો છે. મિડ ટર્મ ચૂંટણી પહેલાં યુરોપની ઘટનાઓને સતત માઇગ્રેશન સાથે જોડીને રજૂ કરવામાં આવે તો તે ટ્રમ્પના સમર્થકોના વોટ મેળવવા આસાન થઈ શકે.

આખરે, યુરોપના છ દેશોમાં થયેલા વિરોધ પ્રદર્શનો, તોડફોડ અને અરાજકતાને લઈને ઊભા થયેલા સવાલો માત્ર મોંઘવારી કે માઇગ્રેશન પૂરતા મર્યાદિત નથી. તેની સાથે અમેરિકાની ચૂંટણી, ટ્રમ્પની રાજકીય વ્યૂહરચના અને વૈશ્વિક રાજકારણમાં પ્રભાવ સ્થાપિત કરવાની સ્પર્ધા પણ જોડાયેલી છે. ટ્રમ્પ આ ઘટનાઓનો ઉપયોગ પોતાની નીતિઓને શ્રેષ્ઠ સાબિત કરવા માટે કરી શકે છે, પરંતુ આ અરાજકતા પાછળ અમેરિકાનું સીધું આયોજન હતું કે નહીં, તે સાબિત કરવા માટે હજી નક્કર પુરાવાની જરૂર છે.

હવે પેટ્રોલના બદલે E100 ઈંધણથી દોડશે ગાડીઓ, સરકારે E100 ફ્યૂલની ગાડીઓનો માર્ગ કર્યો મોકળો, જાણો કઈ ગાડીઓમાં ચાલશે?

Follow Us
Loading...
Unable to load recommendations.