
શું તમે ક્યારેય વિચાર્યું છે કે દુનિયાની સૌથી શક્તિશાળી કરન્સી એટલે કે અમેરિકન ડૉલરનો ચહેરો બદલાઈ શકે? અમેરિકાના ઈતિહાસમાં એક એવો વળાંક આવ્યો છે જેણે સમગ્ર વિશ્વના અર્થતંત્રમાં ખળભળાટ મચાવી દીધો છે. છેલ્લા 165 વર્ષથી ચાલી આવતી એક અતૂટ પરંપરાને તોડીને હવે યુએસ ટ્રેઝરી વિભાગે એક એવો નિર્ણય લીધો છે જેની કલ્પના પણ કોઈએ કરી ન હતી.
આ ઉનાળાથી, જ્યારે તમે અમેરિકન ડૉલર જોશો, ત્યારે તમને તેના પર એક એવું નામ જોવા મળશે જે અત્યારે આખી દુનિયામાં ચર્ચામાં છે – ડોનાલ્ડ ટ્રમ્પ. હા, અમેરિકાના ઈતિહાસમાં 1861 પછી આ પ્રથમ વખત બનવા જઈ રહ્યું છે કે કોઈ કાર્યરત રાષ્ટ્રપતિની સહી કરન્સી નોટ પર છાપવામાં આવશે. અત્યાર સુધીની પરંપરા મુજબ નોટો પર માત્ર યુએસ ટ્રેઝરી સેક્રેટરી અને ટ્રેઝરરની સહીઓ રહેતી હતી, પરંતુ હવે લિન્ના માલેરબા (છેલ્લા ટ્રેઝરર) ની સહીનો યુગ સમાપ્ત થયો છે.
અમેરિકા તેની આઝાદીના 250 વર્ષની ઉજવણી કરવા જઈ રહ્યું છે. ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટના જણાવ્યા અનુસાર, ટ્રમ્પના બીજા કાર્યકાળમાં અમેરિકાએ જે આર્થિક ગતિ હાંસલ કરી છે, તે એક ઐતિહાસિક સિદ્ધિ છે. આ સિદ્ધિને અમર બનાવવા માટે જૂન મહિનાથી નવી $100ની નોટો છાપવામાં આવશે, જેના પર ટ્રમ્પ અને સ્કોટ બેસેન્ટની જોડીની સહી હશે.
અહીં જ સસ્પેન્સ છે! અમેરિકાના કાયદા મુજબ કોઈપણ જીવિત વ્યક્તિનો ફોટો સિક્કા કે નોટ પર છાપી શકાતો નથી. તેથી, ઈમેજ તો જૂની જ રહેશે, પરંતુ ‘પાવર ઓફ સિગ્નેચર’ બદલાઈ જશે. ‘In God We Trust’ શબ્દો યથાવત રહેશે, પણ સહી બદલાતા જ આ નોટો હવે ‘કલેક્ટર આઈટમ’ બની જશે. જો બાઈડેનના સમયની જૂની નોટો ધીમે ધીમે ચલણમાંથી ઓછી થશે અને બજારમાં ટ્રમ્પની છાપવાળી નવી નોટોનો દબદબો જોવા મળશે. આ માત્ર આર્થિક ફેરફાર નથી, પણ એક મોટો રાજકીય સંદેશ પણ છે!
ભારતમાં ચલણી નોટો પર મહાત્મા ગાંધીનો ફોટો આદર અને દેશની ઓળખ તરીકે છે. તેવી જ રીતે, અમેરિકાના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટનું માનવું છે કે ટ્રમ્પના બીજા કાર્યકાળમાં અમેરિકાએ જે આર્થિક ઉંચાઈઓ સર કરી છે, તે દેશના ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે. આથી જ, અમેરિકાની આઝાદીના ઉજવણીના ભાગરૂપે ટ્રમ્પની સહીને કરન્સી પર સ્થાન આપવામાં આવ્યું છે.
Published On - 11:23 am, Fri, 27 March 26