Breaking News : રશિયા-યુક્રેન યુદ્ધને લઈ સૌથી મોટા સમાચાર, ઝેલેન્સકી સાથે બેઠક બાદ ટ્રમ્પનું ચોંકાવનારું નિવેદન, જાણો

દાવોસમાં ટ્રમ્પ અને ઝેલેન્સ્કીની મુલાકાત બાદ ટ્રમ્પે રશિયા-યુક્રેન યુદ્ધ સમાપ્તિમાં સમય લાગશે તેમ જણાવ્યું. તેમણે શાંતિ માટે અમેરિકાના પ્રયાસો પર ભાર મૂક્યો.

Breaking News : રશિયા-યુક્રેન યુદ્ધને લઈ સૌથી મોટા સમાચાર, ઝેલેન્સકી સાથે બેઠક બાદ ટ્રમ્પનું ચોંકાવનારું નિવેદન, જાણો
| Updated on: Jan 22, 2026 | 9:20 PM

દાવોસમાં યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સ્કી સાથે થયેલી મુલાકાત બાદ અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ એ જણાવ્યું હતું કે રશિયા-યુક્રેન યુદ્ધનો અંત લાવવામાં હજુ સમય લાગશે. તેમણે આ સંઘર્ષને અત્યંત જટિલ ગણાવતા કહ્યું કે તેનો ઉકેલ તરત શક્ય નથી. ટ્રમ્પે સ્પષ્ટ કર્યું કે અમેરિકા શાંતિ માટે તમામ સંભવિત પ્રયત્નો કરશે અને જીવ બચાવવું તેની સર્વોચ્ચ પ્રાથમિકતા રહેશે.

ઝેલેન્સ્કી સાથે બંધબારણે બેઠક

દાવોસમાં પત્રકારો સાથે વાત કરતા ટ્રમ્પે કહ્યું કે યુદ્ધને સમાપ્ત કરવાની તાતી જરૂર છે, કારણ કે તેમાં અનેક નિર્દોષ લોકોના જીવ જઈ રહ્યા છે. તેમણે ઉમેર્યું કે વિશ્વના લગભગ બધા દેશો ઈચ્છે છે કે રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલું યુદ્ધ બંધ થાય. જોકે, ઝેલેન્સ્કી સાથે થયેલી બંધબારણે બેઠક વિશે તેમણે વધુ વિગતો આપવાનું ટાળ્યું.

દાવોસમાં ટ્રમ્પ અને ઝેલેન્સ્કી વચ્ચે લગભગ એક કલાક સુધી બેઠક યોજાઈ હતી. ટ્રમ્પે જણાવ્યું હતું કે આ બેઠક દરમિયાન કોઈ ઔપચારિક શાંતિ બોર્ડ અંગે ચર્ચા કરવામાં આવી નથી અને સમગ્ર પ્રક્રિયા હજી ચાલુ છે. તેમણે કહ્યું કે આગામી પગલાં શું હશે તે આવનારો સમય જ નક્કી કરશે. આ દરમિયાન ટ્રમ્પે દાવોસમાં ગાઝા શાંતિ બોર્ડનું ઉદ્ઘાટન પણ કર્યું હતું, જેમાં 20 દેશોના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.

યુક્રેન માટે હવાઈ સંરક્ષણ વ્યવસ્થાની ચર્ચા

ઝેલેન્સ્કીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર બેઠક અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે ટ્રમ્પ સાથે તેમની મુલાકાત સારી અને ઉત્પાદક રહી. તેમણે બંને દેશોની ટીમો વચ્ચેના સહકાર, દસ્તાવેજોની તૈયારી અને યુક્રેન માટે હવાઈ સંરક્ષણ વ્યવસ્થાની ચર્ચાનો ઉલ્લેખ કર્યો. ઝેલેન્સ્કીએ અગાઉ મળેલા હવાઈ સંરક્ષણ મિસાઇલ પેકેજ માટે આભાર વ્યક્ત કરી, નવા પેકેજની માંગ પણ કરી હતી.

ટ્રમ્પે જણાવ્યું હતું કે અમેરિકા હવે રશિયા સાથે સીધી વાટાઘાટોમાં જોડાશે. તેમના જણાવ્યા મુજબ, યુએસનું પ્રતિનિધિમંડળ ટૂંક સમયમાં રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત કરશે. આ બેઠકનો મુખ્ય હેતુ યુદ્ધવિરામ અને સંભવિત શાંતિ કરાર પર ચર્ચા કરવાનો રહેશે. ટ્રમ્પના ખાસ દૂત સ્ટીવ વિટકોફ અને તેમના જમાઈ જેરેડ કુશનર મોસ્કોમાં પુતિન સાથે મુલાકાત કરવાની તૈયારીમાં છે.

યુક્રેનને પશ્ચિમી દેશોથી મજબૂત સુરક્ષા ગેરંટીની ઈચ્છા

અમેરિકી અધિકારીઓના જણાવ્યા અનુસાર, હાલ બંને પક્ષો વચ્ચે જમીન સોદા પર ચર્ચા ચાલી રહી છે, જે અત્યાર સુધી શાંતિ કરાર માટેનો સૌથી મોટો અવરોધ રહ્યો છે. રશિયાની માંગ છે કે યુક્રેન તેનો પૂર્વીય ડોનબાસ વિસ્તાર સોંપે, જ્યારે યુક્રેન પશ્ચિમી દેશોથી મજબૂત સુરક્ષા ગેરંટી ઈચ્છે છે. તેમ છતાં, અમેરિકા બંને દેશોને કરારની નજીક લાવવાનો પ્રયાસ કરી રહ્યું છે અને ટૂંક સમયમાં કોઈ સકારાત્મક પ્રગતિ થવાની આશા વ્યક્ત કરી છે.

આખી દુનિયાની સામે ડોનાલ્ડ ટ્રમ્પે ચીન પર કાઢી ભડાશ, જાણવા માટે અહીં ક્લિક કરો..