
અમેરિકા દ્વારા તાઇવાનને રેકોર્ડ $11.1 બિલિયનના મૂલ્યના શસ્ત્રો વેચવાના નિર્ણય બાદ ચીનમાં ભારે ગુસ્સો જોવા મળ્યો છે. આ પગલાના જવાબમાં ચીને 20 અમેરિકન સંરક્ષણ કંપનીઓ પર પ્રતિબંધ મૂક્યો છે અને ખુલ્લી ચેતવણી આપી છે કે તાઇવાન મુદ્દો તેની માટે “લાલ રેખા” છે, જેને ઓળંગવાનો પ્રયાસ કડક પરિણામો લાવી શકે છે.
ચીનના આ નિર્ણયને કારણે અમેરિકા અને ચીન વચ્ચેનો તણાવ વધુ વધ્યો છે. ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા તાઇવાનને અત્યાર સુધીનું સૌથી મોટું શસ્ત્ર વેચાણ પેકેજ મંજૂર કરાયું છે, જેને ચીને પોતાની સાર્વભૌમત્વ અને રાષ્ટ્રીય સુરક્ષા માટે સીધો ખતરો ગણાવ્યો છે.
ચીનના વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે તાઇવાનને શસ્ત્રો પૂરા પાડવામાં સંકળાયેલી 20 અમેરિકન લશ્કરી સંબંધિત કંપનીઓ અને 10 વરિષ્ઠ અધિકારીઓ સામે પ્રતિબંધાત્મક પગલાં લેવામાં આવ્યા છે. મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે તાઇવાન મુદ્દો ચીનના મહત્વપૂર્ણ હિતોના કેન્દ્રમાં છે અને ચીન-અમેરિકા સંબંધોમાં આ સૌથી મહત્વની “લાલ રેખા” છે, જેને કોઈપણ સંજોગોમાં પાર ન કરવી જોઈએ.
ચીને ચેતવણી આપી છે કે જો કોઈ દેશ તાઇવાન મુદ્દે ઉશ્કેરણી કરવાનો પ્રયાસ કરશે, તો તેને ચીન તરફથી કડક પ્રતિક્રિયાનો સામનો કરવો પડશે.
બેઇજિંગે અમેરિકાને એક-ચીન સિદ્ધાંતનું પાલન કરવા અપીલ કરી છે. સાથે જ તાઇવાનને સશસ્ત્ર બનાવવાના “ખતરનાક પગલાં” બંધ કરવા, તાઇવાન સ્ટ્રેટમાં શાંતિ અને સ્થિરતાને ખતરો પહોંચાડતા પગલાં અટકાવવા અને “તાઇવાન સ્વતંત્રતા” સમર્થક તાકાતોને ખોટા સંકેતો આપવાનું બંધ કરવા જણાવ્યું છે.
ચીનનું કહેવું છે કે તે પોતાની સાર્વભૌમત્વ, રાષ્ટ્રીય સુરક્ષા અને પ્રાદેશિક અખંડિતતાનું રક્ષણ કરવા માટે કડક પગલાં લેવાનું ચાલુ રાખશે.
વિશ્લેષકો મુજબ, ચીન દ્વારા લગાવવામાં આવેલા આ પ્રતિબંધો મોટાભાગે પ્રતિકાત્મક છે, કારણ કે ઘણી અમેરિકન સંરક્ષણ કંપનીઓની ચીનમાં સીધી વ્યવસાયિક પ્રવૃત્તિ નથી. તેમ છતાં, આ પગલું રાજનૈતિક રીતે મહત્વપૂર્ણ માનવામાં આવે છે અને બંને દેશો વચ્ચે વધતા તણાવને દર્શાવે છે.
તાજેતરમાં અમેરિકાએ તાઇવાનને $11.1 બિલિયનથી વધુ મૂલ્યના શસ્ત્રો વેચાણને મંજૂરી આપી છે. આ સોદામાં મિસાઇલો, તોપખાના સિસ્ટમ્સ, HIMARS લોન્ચર્સ અને ડ્રોનનો સમાવેશ થાય છે. ચીનનું કહેવું છે કે આ સોદો તેની સાર્વભૌમત્વ સામે છે અને તાઇવાન સ્ટ્રેટમાં અસ્થીરતા વધારી શકે છે.
મુકેશ અંબાણીએ વધાર્યું જગત જમાદાર ટ્રમ્પનું ટેન્શન, જાણવા માટે અહીં ક્લિક કરો..