કોરોના વાયરસ (Coronavirus) સંક્રમણ હજી પણ વિશ્વભરમાં ચિંતાનો વિષય છે. ચીન (China) સહિત મોટાભાગના દેશોમાં કોરોના સંક્રમણના કેસમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. ચીનમાં (Coronavirus in China) પરિસ્થિતિ આના કરતા પણ ખરાબ છે. ચીન સરકાર દ્વારા શાંઘાઈ જેવા શહેરોમાં કડક નિયંત્રણો લાદવામાં આવી રહ્યા છે. પરંતુ હવે કોરોના વાયરસની સાથે સાથે ચીનમાં એક નવો જીવલેણ વાયરસ સામે આવ્યો છે. માનવીઓમાં તેનો પહેલો કેસ પણ ચીનમાં નોંધાયો છે. આ વાયરસનું નામ H3N8 બર્ડ ફ્લૂ છે. તે બર્ડ ફ્લૂનો જીવલેણ પ્રકાર હોવાનું કહેવાય છે.
ચીનના નેશનલ હેલ્થ કમિશન અનુસાર, દેશમાં 4 વર્ષના બાળકમાં આ H3N8 બર્ડ ફ્લૂ વાયરસ જોવા મળ્યો છે. તે મધ્ય હેનાન પ્રાંતમાં રહે છે. બાળકના ઘરમાં કાગડા અને મરઘીઓનો ઉછેર થયો હોવાની માહિતી મળી છે. તેમના સંપર્કમાં આવ્યા બાદ તેને બર્ડ ફ્લૂના આ નવા પ્રકારનો ચેપ લાગ્યો છે. નેશનલ હેલ્થ કમિશને કહ્યું છે કે 5 એપ્રિલે બાળકને તાવ સહિત અન્ય લક્ષણો હતા. આ પછી, તેને બર્ડ ફ્લૂથી ચેપ લાગ્યો હોવાની પુષ્ટિ થઈ છે.
એવી પણ માહિતી આપવામાં આવી છે કે બર્ડ ફ્લૂનો આ પ્રકાર બાળકના નજીકના સંપર્કમાં આવેલા અન્ય લોકોમાં જોવા મળ્યો નથી. તેઓને બર્ડ ફ્લૂનો ચેપ લાગ્યો નથી. એવું કહેવામાં આવી રહ્યું છે કે પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે તે હજી અસરકારક રીતે મનુષ્યોને સંક્રમિત કરી શકતું નથી. આ સાથે બર્ડ ફ્લૂના આ પ્રકારથી મોટા પાયા પર રોગચાળો ફેલાવાની શક્યતા પણ ઓછી છે. અગાઉ H3N8 વેરિયન્ટ ઘોડા, કૂતરા, પક્ષીઓ અને સીલમાં જોવા મળતા હતા. પરંતુ અત્યાર સુધી માનવ સંક્રમિતનો એક પણ કેસ નોંધાયો નથી.
ચીનમાં બર્ડ ફ્લૂના અનેક પ્રકારો નોંધાયા છે. આમાંના કેટલાક પ્રકારોએ પોલ્ટ્રી ફાર્મમાં કામ કરતા લોકોને પણ ચેપ લગાવ્યો છે. ગયા વર્ષે, ચીનમાં બર્ડ ફ્લૂના H10N3 પ્રકારથી મનુષ્યને ચેપ લાગ્યો હોવાનો કેસ સામે આવ્યો હતો. આ સાથે જ ચીનમાં H5N6 પણ સામે આવ્યો છે. ચીનમાં બર્ડ ફ્લૂના વધી રહેલા કેસોએ વિશ્વભરના નિષ્ણાતોને ચિંતામાં મૂક્યા છે.
આ પણ વાંચોઃ
આ પણ વાંચોઃ