ચીનમાં હ્યુમન મેટાપ્ન્યુમોવાયરસ (HMPV)ના વધતા જતા કેસોને જોતા ભારત દરેક પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યું છે. આ ઉપરાંત WHO ને પણ સમય સમય પર અપડેટેડ માહિતી શેર કરવા વિનંતી કરવામાં આવી છે. શનિવારે માહિતી આપતાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે ભારત શ્વસન સંબંધી રોગોનો સામનો કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.
વાસ્તવમાં ચીનમાં છેલ્લા કેટલાક સપ્તાહમાં શ્વસન સંબંધી રોગોના વધી રહેલા કેસોને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જોઈન્ટ મોનિટરિંગ ગ્રુપની બેઠક બોલાવી હતી. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે સાવચેતીના પગલા તરીકે, HMPV કેસોનું પરીક્ષણ કરતી લેબની સંખ્યામાં વધારો કરવામાં આવશે અને ભારતીય તબીબી સંશોધન પરિષદ (ICMR) સમગ્ર વર્ષ દરમિયાન HMPV પર નજર રાખશે. હાલમાં, મોનિટરિંગમાં કોઈ અસામાન્ય વધારો જોવા મળ્યો નથી.
મંત્રાલયે કહ્યું કે ચર્ચા બાદ અને હાલમાં ઉપલબ્ધ માહિતીના આધારે, એ વાત પર સહમતિ બની હતી કે ચીનમાં ફ્લૂની ચાલુ સિઝનને ધ્યાનમાં રાખીને પરિસ્થિતિ અસામાન્ય નથી. તેમાં કહેવામાં આવ્યું છે કે રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે શ્વસન રોગોમાં વધારો ઈન્ફલ્યુએન્ઝા વાયરસ, આરએસવી અને એચએમપીવીને કારણે છે, જે આ સિઝનના સામાન્ય વાયરસ છે.
મંત્રાલયે કહ્યું કે સરકાર તમામ સ્થિતિઓ પર નજીકથી નજર રાખી રહી છે અને WHOને ચીનની સ્થિતિ વિશે સમયસર ડેટા શેર કરવાની અપીલ પણ કરી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે HMPV અંગે ચર્ચા કરવા માટે આરોગ્ય સેવાઓના મહાનિર્દેશાલયની અધ્યક્ષતામાં જોઈન્ટ મોનિટરિંગ ગ્રૂપ (JMG) ની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. WHO, IDSP, NCDC, ICMR, EMR અને AIIMS-દિલ્હી સહિતની હોસ્પિટલોના નિષ્ણાતોએ બેઠકમાં ભાગ લીધો હતો.