
ફ્રેન્ચ ભાષા શીખવી હવે માત્ર એક વધારાની કુશળતા રહી નથી, પરંતુ કેનેડામાં કાયમી રહેઠાણ (PR) મેળવવા માટે એક વ્યૂહાત્મક ફાયદો બની ગઈ છે. ખાસ કરીને ભારતીય વિદ્યાર્થીઓ અને વિદેશી કામદારો માટે, ફ્રેન્ચ ભાષાનું જ્ઞાન હવે PR મેળવવાની શક્યતાઓને નોંધપાત્ર રીતે વધારી શકે છે. હાલની ઇમિગ્રેશન નીતિઓમાં ફ્રેન્ચ બોલનારાઓને વિશેષ પ્રાથમિકતા આપવામાં આવી રહી છે, જેના કારણે આ ભાષાનું મહત્વ અગાઉ કરતાં ઘણું વધી ગયું છે.
કેનેડામાં PR મેળવવાનું સ્વપ્ન ઘણા લોકો જુએ છે, પરંતુ આવનારા વર્ષોમાં આ પ્રક્રિયા વધુ કઠિન બનવાની શક્યતા છે. 2026 પછી કેનેડાની ઇમિગ્રેશન નીતિમાં મોટા ફેરફારો થવાના સંકેતો મળી રહ્યા છે. સરકાર કામચલાઉ રહેવાસીઓ, જેમ કે વિદેશી વિદ્યાર્થીઓ અને વર્ક પરમિટ ધારકોની સંખ્યા ઘટાડવા માંગે છે. તેનું મુખ્ય કારણ દેશની માળખાગત સુવિધાઓ પર વધતો દબાણ અને રહેઠાણની અછત છે. આ દિશામાં સરકાર પહેલેથી જ પગલાં લઈ રહી છે.
આ યોજનાના ભાગરૂપે, 2026માં ફક્ત 2.30 લાખ જેટલા કામચલાઉ વર્ક પરમિટ જારી કરવામાં આવશે. 2027 અને 2028માં આ સંખ્યા હજી ઓછી થવાની સંભાવના છે. તેવી જ રીતે, આ વર્ષે માત્ર 1.55 લાખ સ્ટડી પરમિટ જ આપવામાં આવશે, જે ગયા વર્ષ કરતાં લગભગ અડધી સંખ્યા છે. પરિણામે, કેનેડામાં પહેલેથી રહેલા વિદેશી નાગરિકો માટે PR મેળવવું વધુ પડકારજનક બનશે.
જોકે, સરકાર દર વર્ષે આશરે 3.80 લાખ લોકોને કાયમી રહેઠાણ આપવાની યોજના પર અડીખમ છે. પરંતુ આ સ્લોટ માટે સ્પર્ધા ખૂબ જ તીવ્ર રહેશે, કારણ કે હાલ કેનેડામાં રહેલા કામચલાઉ રહેવાસીઓ પણ PR માટે અરજી કરશે. આવી પરિસ્થિતિમાં, ફક્ત મજબૂત પ્રોફાઇલ ધરાવનારાઓને જ સફળતા મળશે. અહીં જ ફ્રેન્ચ ભાષાનું મહત્વ સામે આવે છે.
એક્સપ્રેસ એન્ટ્રી સિસ્ટમમાં કોમ્પ્રિહેન્સિવ રેન્કિંગ સિસ્ટમ (CRS) સ્કોર ભારતીયો માટે સૌથી મોટો અવરોધ છે. સામાન્ય ડ્રોમાં ઘણીવાર 500થી વધુ CRS સ્કોર જરૂરી હોય છે, જેના કારણે ઘણા ઉમેદવારો વર્ષો સુધી રાહ જોતા રહે છે. પરંતુ ફ્રેન્ચ ભાષા જાણવાથી આ સ્થિતિ બદલાઈ શકે છે.
ફ્રેન્ચ ભાષા શીખવાના બે મુખ્ય ફાયદા છે. પ્રથમ, ફ્રેન્ચ ભાષા આધારિત ડ્રોમાં કટ-ઓફ સ્કોર સામાન્ય ડ્રો કરતાં ઘણો ઓછો જોવા મળે છે. 2025 અને ફેબ્રુઆરી 2026 વચ્ચેના ડ્રોના વિશ્લેષણ મુજબ, ડિસેમ્બર 2025માં ફ્રેન્ચ બોલનારાઓ માટે કટ-ઓફ 399 સુધી પહોંચી ગયો હતો, જે એક ઐતિહાસિક નીચો સ્તર હતો. ફેબ્રુઆરી 2026માં, માત્ર 400 CRS સ્કોર ધરાવતા 8,000 ઉમેદવારોને એક જ ડ્રોમાં PR માટે પસંદ કરવામાં આવ્યા હતા.
બીજો મોટો ફાયદો એ છે કે ફ્રેન્ચ ભાષાનું જ્ઞાન હોવાને કારણે CRS સ્કોરમાં સીધો 50 પોઈન્ટ સુધીનો વધારો થઈ શકે છે. ભલે ઉમેદવારને ફ્રેન્ચ ભાષાના ડ્રોમાં આમંત્રણ ન મળે, તો પણ આ વધારાના પોઈન્ટ તેમને સામાન્ય ડ્રોમાં સ્પર્ધાત્મક બનાવી શકે છે.
ઇમિગ્રેશન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, ભારત અને કેનેડામાં મોટી સંખ્યામાં ભારતીયો હવે ફ્રેન્ચ શીખવા તરફ વળી રહ્યા છે. મુખ્ય હેતુ ઝડપથી PR મેળવવાનો છે. અગાઉ માનવામાં આવતું હતું કે ફ્રેન્ચ ભાષા શીખવાથી માત્ર ક્વિબેકમાં જ સ્થાયી થઈ શકાય છે, પરંતુ હવે આ માન્યતા ખોટી સાબિત થઈ છે.
સરકાર ક્વિબેક સિવાયના પ્રાંતોમાં ફ્રેન્ચ બોલતા લોકોને સ્થાયી કરવા માટે ખાસ કાર્યક્રમો ચલાવી રહી છે. હાલ ક્વિબેક બહાર ફ્રેન્ચ બોલનારાઓ માટે PR નો લક્ષ્યાંક 9% નક્કી કરવામાં આવ્યો છે, જે 2029 સુધીમાં વધીને 12% થવાનો છે. વધુમાં, 2026થી એવા પ્રાંતો માટે 5,000 PR સ્લોટ અનામત રાખવામાં આવ્યા છે, જે ફ્રેન્ચ બોલતા ઉમેદવારોને આવકારવા માંગે છે.
માઇગ્રેશન બ્યુરો કેનેડાના મેનેજિંગ પાર્ટનર તલ્હા મોહાનીના જણાવ્યા અનુસાર, કેટેગરી આધારિત ડ્રો શરૂ થયા બાદ ફ્રેન્ચ ભાષાના જ્ઞાનથી એક્સપ્રેસ એન્ટ્રી પ્રોફાઇલમાં નોંધપાત્ર ફાયદો થયો છે. 2024 અને 2025ના ફ્રેન્ચ કેટેગરી ડ્રોમાં CRS સ્કોર સામાન્ય ડ્રો કરતાં 50થી 80 પોઈન્ટ ઓછા રહ્યા છે. આ તફાવત ઘણી વખત વર્ષોની રાહ અને સફળ PR વચ્ચેનો નિર્ણાયક ફેક્ટર સાબિત થાય છે.
કેનેડામાં કેવી રીતે મળશે પહેલી નોકરી? 5 મહત્વની ટિપ્સ જાણો