Breaking News : કેનેડામાં પણ ગરબાના પાસના નામે છેતરપિંડી, ઓનલાઈન ટિકિટ ખરીદનારાઓને કડવો અનુભવ
કેનેડામાં ગરબા ઇવેન્ટની ઓનલાઈન ટિકિટોમાં મોટાપાયે છેતરપિંડી સામે આવી છે. Ticketmeo પરથી ખરીદેલા નકલી પાસને કારણે હજારો લોકો ઇવેન્ટ સ્થળે પ્રવેશથી વંચિત રહ્યા.

કેનેડામાં ગરબા ઈવેન્ટની ઓનલાઈન ટિકિટ ખરીદનારા અનેક લોકો સાથે છેતરપિંડી થઈ હોવાનો મામલો સામે આવ્યો છે. ગરબાના પાસ ખરીદીને લોકો જ્યારે ઈવેન્ટ સ્થળે પહોંચ્યા ત્યારે તેમના પાસ નકલી હોવાનું સામે આવ્યું હતું. જેના કારણે લોકોને ઈવેન્ટમાં પ્રવેશ આપવામાં આવ્યો નહોતો અને સ્થળ પર હોબાળો સર્જાયો હતો.
મળતી માહિતી મુજબ, લોકોએ ગરબાના પાસ માટે ઊંચી કિંમત ચૂકવીને ઓનલાઈન ટિકિટ ખરીદી હતી. કેટલાક લોકો તો દૂર-દૂરથી ગરબા ઈવેન્ટમાં ભાગ લેવા માટે પહોંચ્યા હતા. જોકે, સ્થળ પર પહોંચ્યા બાદ પાસ અમાન્ય હોવાનું જણાવવામાં આવતા તેમને નિરાશ થઈને પરત ફરવાનો વારો આવ્યો હતો. આ સમગ્ર ઘટનામાં લગભગ એક હજારથી વધુ લોકો ભોગ બન્યા હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે.
આયોજકોએ લોકોને કરી ચેતવણી
છેતરપિંડીની ઘટના સામે આવ્યા બાદ ગરબા ઈવેન્ટના આયોજકોએ લોકોને સાવચેત રહેવાની અપીલ કરી છે. આયોજકો દ્વારા Ticketmeoને અનધિકૃત ટિકિટિંગ પાર્ટનર ગણાવવામાં આવ્યું છે અને Ticketmeo પરથી ખરીદવામાં આવેલા પાસ માન્ય નહીં રહે તેવી સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે.
આયોજકોએ લોકોને માત્ર અધિકૃત પ્લેટફોર્મ ‘All Events’ પરથી જ ગરબાની ટિકિટ અથવા પાસ ખરીદવાની અપીલ કરી છે. સાથે જ, ભવિષ્યમાં આવી છેતરપિંડીથી બચવા માટે કોઈપણ ટિકિટ ખરીદતા પહેલાં તે અધિકૃત વેબસાઈટ અથવા સત્તાવાર ટિકિટિંગ પાર્ટનર મારફતે જ ખરીદવામાં આવી છે કે નહીં, તેની ખાતરી કરવા પણ સૂચના આપવામાં આવી છે.
GST કાયદામાં મોટા ફેરફારની શક્યતા, વેપારીઓને મળશે રાહત, જુઓ Video
