
શારજાહ નજીક સમુદ્રમાં ક્રૂડ ઓઇલ ટેન્કર પર ડ્રોન હુમલો થયાના સમાચાર સામે આવ્યા છે. તેમાં બાવીસ ભારતીય ખલાસીઓ સવાર હતા. રાહતની વાત છે કે હુમલા બાદ તમામ ભારતીય ક્રૂ સભ્યો સુરક્ષિત છે. કેન્દ્રીય બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલે આ માહિતી આપી છે. મંત્રીના જણાવ્યા અનુસાર, આ ઘટના 9 ઓક્ટોબરના રોજ શારજાહ એન્કોરેજ નજીક બની હતી. હુમલાનું લક્ષ્ય પનામા-ધ્વજવાળા ક્રૂડ ઓઇલ ટેન્કર MT GEM નંબર 2 હતું. બોર્ડ પર સવાર તમામ 22 ભારતીય ખલાસીઓની સલામતીની પુષ્ટિ કરવામાં આવી છે.
સર્બાનંદ સોનોવાલે સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે સરકાર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહી છે. તેમણે રાહત વ્યક્ત કરી હતી કે તમામ 22 ભારતીય ખલાસીઓ સુરક્ષિત છે. જોકે, તેમના નિવેદનમાં હુમલા પાછળ કોણ હતું અને જહાજને કેટલું નુકસાન થયું હતું તેની વિગતો આપવામાં આવી નથી.
સમુદ્રમાર્ગે વિશ્વના અનેક દેશો વચ્ચે તેલ, ખાદ્યસામગ્રી અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓનો વેપાર થાય છે. આવી સ્થિતિમાં જહાજો પર હુમલા થવાથી નાવિકોના જીવ જોખમમાં મુકાય છે અને માલસામાનની સપ્લાય પણ પ્રભાવિત થઈ શકે છે. ભારત માટે પણ આ મુદ્દો ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે, કારણ કે મોટી સંખ્યામાં ભારતીય નાગરિકો આંતરરાષ્ટ્રીય વેપારી જહાજો પર કામ કરે છે. તેથી દરિયાઈ માર્ગોને સુરક્ષિત રાખવા એ નાવિકોના જીવનની સુરક્ષા અને વૈશ્વિક વેપાર બંને માટે અત્યંત જરૂરી છે.
Published On - 8:25 am, Sat, 10 October 26