
ફરી એકવાર, પાકિસ્તાનમાં લઘુમતી હિન્દુઓની આસ્થા પર હુમલો થયો છે. કરાચીમાં, એક ઐતિહાસિક ઈમારતની દિવાલોમાં કોતરવામાં આવેલી હિન્દુ દેવતાઓની મૂર્તિઓનું અપમાન કરવામાં આવ્યું છે. આ કૃત્યથી લઘુમતી સમુદાયમાં ભારે રોષ ફેલાયો છે; જોકે, પાકિસ્તાનની ઇસ્લામિક સરકારે આ બાબતે સંપૂર્ણ મૌન જાળવી રાખ્યું છે. વધુમાં, પોલીસે હજુ સુધી આ ઘટના અંગે કોઈ કાર્યવાહી કરી નથી. પાકિસ્તાનમાં હિન્દુ મંદિરો, ધાર્મિક પ્રતીકો અને મૂર્તિઓને નિશાન બનાવીને હુમલાઓ કરવા એ આ પ્રથમ ઘટના નથી. આ દેશમાં દર વર્ષે, મોટી સંખ્યામાં લઘુમતી હિંદુઓની દીકરીઓનું અપહરણ કરીને તેમની સાથે બળજબરીથી લગ્ન કરવામાં આવે છે.
પાકિસ્તાનના પંજાબ પ્રાંતના બહાવલપુર જિલ્લામાં લઘુમતી અધિકાર સંગઠનના અધ્યક્ષ શિવ કાછીએ X પર લખ્યું: “કરાચીના ઐતિહાસિક ‘સાગન મેન્શન’ ઈમારતમાંમાં ભગવાન કૃષ્ણ અને ગોપીઓની મૂર્તિઓને ખંડિત કરવાનું કૃત્ય અત્યંત નિંદનીય છે. આ ફક્ત કોઈ ઇમારતને નુકસાન નથી પહોંચાડવામાં આવ્યુ; પરંતુ પાકિસ્તાનના બહુસાંસ્કૃતિક વારસા, ધાર્મિક સંવાદિતા અને તેના લઘુમતી સમુદાયોની લાગણીઓ પર હુમલો છે.”
તેમણે કહ્યું, “અમે આ શરમજનક કૃત્યની સખત નિંદા કરીએ છીએ. કરાચીમાં એમ.એ. જિન્ના રોડ પર સ્થિત, આ ઐતિહાસિક ઇમારત 1937 માં બનાવવામાં આવી હતી અને હિન્દુ ધાર્મિક પ્રતીકવાદની સમૃદ્ધ હાજરીનો પુરાવો આપે છે. ભગવાન કૃષ્ણ અને ગોપીઓની મૂર્તિઓનું શિરચ્છેદ કરવાનું કૃત્ય માત્ર ધાર્મિક અપમાનનું કૃત્ય નથી પણ આપણા સહિયારા વારસાનો વિનાશ પણ છે.” પાકિસ્તાનના ટોચના રાજકીય નેતાઓને ટેગ કરીને તેમણે લખ્યું, “અમે માંગ કરીએ છીએ કે સંબંધિત અધિકારીઓ આ બાબતને તાત્કાલિક સંજ્ઞાનમાં લે. ગુનેગારોની ધરપકડ કરી તેમને કડકમાં કડક સજા આપવામાં આવે. વધુમાં, આ ઐતિહાસિક ઇમારતનું તાત્કાલિક પુનઃસ્થાપન અને સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવે.”
પાકિસ્તાનમાં લઘુમતી હિન્દુ સમુદાયો પર સતત અત્યાચાર કરવામાં આવી રહ્યા છે. તેમને સમાન નાગરિક પણ ગણવામાં આવતા નથી. હિન્દુ પરિવારોની દીકરીઓનું અપહરણ કરવામાં આવે છે અને બળજબરીથી લગ્ન કરાવવામાં આવે છે. વધુમાં, તેમના મંદિરો અને અન્ય ધાર્મિક સ્થળો પર હુમલો કરવામાં આવે છે, અને દેવતાઓની મૂર્તિઓને બર્બરતાથી ખંડિત કરવામાં આવે છે. જો કે સૌથી મોટી ચોંકાવનારી બાબત એ છે કે પાકિસ્તાની પોલીસ અને ન્યાયતંત્ર પણ હિન્દુઓ સાથે સંકળાયેલા કેસોને કંઈ વિશેષ ધ્યાને લેતી નથી.