Breaking News: પાકિસ્તાનમાં લાગ્યુ લોકડાઉન, શાળાઓ અને ઓફિસોમાં ફરજિયાત વર્ક ફ્રોમ હોમનો આદેશ, ઈંધણની કટોકટી વચ્ચે લેવાયો નિર્ણય

પાકિસ્તાનમાં આર્થિક કટોકટી એટલી હદે વકરી છે કે હવે સરકાર પાસે વાહનો ચલાવવા માટે ઈંધણ બચાવવા સિવાય કોઈ રસ્તો નથી. શહબાઝ શરીફ સરકારે દેશભરની શાળાઓને 2 અઠવાડિયા માટે બંધ રાખવાનો આદેશ આપ્યો છે અને સરકારી કર્મચારીઓ માટે વર્ક ફ્રોમ હોમ અનિવાર્ય કરી દીધું છે.

Breaking News: પાકિસ્તાનમાં લાગ્યુ લોકડાઉન, શાળાઓ અને ઓફિસોમાં ફરજિયાત વર્ક ફ્રોમ હોમનો આદેશ, ઈંધણની કટોકટી વચ્ચે લેવાયો નિર્ણય
Image Credit source: TV9 Network
| Updated on: Mar 29, 2026 | 5:53 PM

પાકિસ્તાનની જનતા પર આર્થિક સંકટની સાથે હવે ઈંધણ સંકટની મોટી આફત આવી પડી છે. પાકિસ્તાન સરકાર પાસે વિદેશી હૂંડિયામણની અછતને કારણે પેટ્રોલ અને ડીઝલની આયાત કરવી મુશ્કેલ બની ગઈ છે. આ સ્થિતિને પહોંચી વળવા માટે શહબાઝ શરીફ સરકારે એક મોટો અને કડક નિર્ણય લેતા તમામ શાળાઓને આગામી 2 અઠવાડિયા સુધી બંધ રાખવાની જાહેરાત કરી છે.

શિક્ષણ સંસ્થાઓની સાથે સાથે ઓફિસોમાં જનારા કર્મચારીઓના પરિવહનમાં વપરાતા ઈંધણને બચાવવા માટે વર્ક ફ્રોમ હોમ (WFH) ને પણ ફરજિયાત બનાવી દેવામાં આવ્યું છે. સિંધ પ્રાંતના લોકલ ગવર્મેન્ટ મિનિસ્ટર નાસિર હુસૈન શાહે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે સરકાર હાલમાં સ્માર્ટ લોકડાઉન પર વિચાર કરી રહી છે. આ લોકડાઉન દ્વારા બિનજરૂરી પરિવહન પર રોક લગાવીને દેશમાં ઈંધણનો જથ્થો જાળવી રાખવાનો પ્રયાસ કરવામાં આવશે. પાકિસ્તાનમાં મોંઘવારી આકાશે આંબી રહી છે અને ઈંધણના ભાવમાં સતત વધારો થતા સામાન્ય નાગરિકોની હાલત કફોડી બની ગઈ છે.

પાકિસ્તાન એરલાઇન્સ પણ સંકટમાં

પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સ (PIA) પર મોટું સંકટ આવી પડ્યું છે. PIA કન્સોર્ટિયમના ચેરમેન આરિફ હબીબે જણાવ્યું છે કે જો જેટ ફ્યુઅલની કિંમતો આ જ રીતે વધતી રહેશે તો એરલાઇન બંધ કરવાની ફરજ પડી શકે છે. છેલ્લા કેટલાક દિવસોમાં જેટ ફ્યુઅલ (JP-1) ની કિંમતમાં ખૂબ જ ઝડપથી વધારો થયો છે. 21 માર્ચથી તેની કિંમત 388 રૂપિયા પ્રતિ લિટરથી વધીને 472 રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ છે એટલે કે 84 રૂપિયા અથવા અંદાજે 21.65 ટકાનો વધારો થયો છે.

1 માર્ચથી અત્યાર સુધીમાં જેટ ફ્યુઅલની કિંમતમાં લગભગ 150 ટકા સુધીનો વધારો થઈ ચૂક્યો છે જે અગાઉ 190 રૂપિયા પ્રતિ લિટર હતી. એવું જણાવવામાં આવી રહ્યું છે કે આ વધારો કોઈ પણ સત્તાવાર જાહેરાત વગર થયો છે. તેનું મુખ્ય કારણ અમેરિકા ઈરાન યુદ્ધને લીધે વૈશ્વિક સપ્લાયમાં આવેલી અનિશ્ચિતતા છે. આનાથી PIA ના ખર્ચમાં જંગી વધારો થયો છે અને એરલાઇનનું સંચાલન કરવું મુશ્કેલ બની શકે છે.

જરૂરી સેવાઓ ચાલુ રહેશે

પાકિસ્તાનમાં હોસ્પિટલો, દવાની દુકાનો અને અન્ય જરૂરી સરકારી સેવાઓ ખુલ્લી રહેશે. આ સિવાય એરપોર્ટ, બંદર અને રેલવે સ્ટેશન પણ કાર્યરત રહેશે, જેથી જરૂરી મુસાફરી અને સેવાઓ પ્રભાવિત ન થાય. સરકારે એવું પણ નક્કી કર્યું છે કે લોકડાઉન દરમિયાન શહેરો વચ્ચે જતા રસ્તાઓ, હાઈવે અને મોટરવે બંધ રહેશે અને સામાન્ય ગાડીઓની અવરજવર થશે નહીં. જોકે, પબ્લિક બસોને છૂટ આપવામાં આવી છે, જેથી લોકોની જરૂરી મુસાફરી ચાલુ રહી શકે.

આ સાથે જ પ્રાંતીય સરકારોને નિર્દેશ આપવામાં આવ્યા છે કે તેઓ ટુ વ્હીલર અને થ્રી વ્હીલર વાહનોનું વહેલી તકે રજિસ્ટ્રેશન કરે. આનાથી સરકાર જરૂરિયાતમંદ લોકોને સીધી સબસિડી આપી શકશે. સરકારનું કહેવું છે કે આ પગલાં તેલની અછતને પહોંચી વળવા અને દેશમાં જરૂરી સંસાધનો બચાવવા માટે લેવામાં આવ્યા છે.

આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..

Published On - 5:22 pm, Sun, 29 March 26

Follow Us