Breaking News: ડોનાલ્ડ ટ્રમ્પનું સપનું રોળાયુ, નોબેલ કમિટીએ વેનેઝુએલાની આ લોખંડી મહિલાને એનાયત કર્યુ શાંતિ માટેનું નોબેલ સન્માન

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું શાંતિ માટેનો નોબેલ પુરસ્કાર મેળવવાનું સ્વપ્ન ચકનાચૂર થઈ ગયું છે. તેઓ લાંબા સમયથી નોબેલ પુરસ્કાર માટે દાવો કરી રહ્યા હતા. જો કે નોર્વેનિયન નોબેલ કમિટીએ વેનેઝુએલાના રાજકારણી મારિયા કોરિના મચાડોને આ વર્ષનો શાંતિ માટેનો નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે.

Breaking News: ડોનાલ્ડ ટ્રમ્પનું સપનું રોળાયુ, નોબેલ કમિટીએ વેનેઝુએલાની આ લોખંડી મહિલાને એનાયત કર્યુ શાંતિ માટેનું નોબેલ સન્માન
| Updated on: Oct 10, 2025 | 3:24 PM

નોર્વેની રાજધાની ઓસ્લોમાં શાંતિ માટેના નોબેલ પુરસ્કારની જાહેરાત કરવામાં આવી. આ વખતે પુરસ્કાર માટે 338 ઉમેદવારો હતા. તેમાંથી અમેરિકન રાષ્ટ્રપતિનું નામ સૌથી વધુ ચર્ચામાં હતું. તેમણે પોતે વારંવાર નોબેલ પુરસ્કારનો દાવો કર્યો હતો. તાજેતરમાં, તેમણે કહ્યું હતું કે તેમને આ પુરસ્કાર મળવો જોઈએ કારણ કે તેમણે ભારત-પાકિસ્તાન સહિત સાત યુદ્ધો અટકાવ્યા હતા. જોકે, અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું આ સ્વપ્ન હવે ચકનાચૂર થઈ ગયું છે. તેમના બદલે મારિયા કોરિના મચાડોને નોબેલ શાંતિ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. વેનેઝુએલામાં લોકશાહી અધિકારોને પ્રોત્સાહન આપવાના તેમના અથાક પ્રયાસો બદલ મચાડોને આ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે.

નોબેલ પુરસ્કારની જાહેરાત કરતી વખતે, નોબેલ કમિટીએ જણાવ્યું હતું કે, “અમે હંમેશા હિંમતવાન વ્યક્તિઓનું સન્માન કર્યું છે, જેઓ જુલમ સામે ઉભા રહ્યા છે અને સ્વતંત્રતાની આશા રાખી છે.” કમિટીએ નોંધ્યું હતું કે મચાડોને ગયા વર્ષે જીવ બચાવવા માટે છુપાઈને રહેવાની ફરજ પડી હતી. પરંતુ છતા પણ તેમણે તેમના દેશમાં રહેવાનું પસંદ કર્યુ હતુ.

મારિયા કોરિના મચાડોનો જન્મ 7 ઓક્ટોબર, 1967 ના રોજ વેનેઝુએલાની રાજધાની કરાકસમાં થયો હતો. તેમણે એન્ડ્રેસ બેલો કેથોલિક યુનિવર્સિટીમાંથી ઔદ્યોગિક એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યોઅને ઇન્સ્ટિટ્યુટો ડી એસ્ટુડિયોસ સુપિરિયર્સ ડી એડમિનિસ્ટ્રેશનમાંથી ફાઇનાન્સમાં સ્નાતક થયા છે.

ટ્રમ્પને 8 દેશો દ્વારા કરાયા હતા નોમિનેટ

ટ્રમ્પને આઠ દેશો દ્વારા નોબેલ પુરસ્કાર માટે નોમિનેટ કરવામાં આવ્યા હતા. આમાં પાકિસ્તાન અને ઇઝરાયલ ઉપરાંત યુનાઇટેડ સ્ટેટ્સ, આર્મેનિયા, અઝરબૈજાન, માલ્ટા અને કંબોડિયાનો સમાવેશ થાય છે. નોબેલ પુરસ્કાર માટે નામાંકન પ્રક્રિયા દર વર્ષે 1 ફેબ્રુઆરીથી શરૂ થાય છે. આ તારીખ સુધીમાં પ્રાપ્ત થયેલા નામાંકનો જ માન્ય રહેશે. 2025 ના નોબેલ શાંતિ પુરસ્કાર માટે નામાંકન માટેની અંતિમ તારીખ 31 જાન્યુઆરી, 2025 હતી.

સાહસ અને સંકલ્પનું પ્રતિક

નોબેલ કમિટીએ માચાડોની બહાદુરીની પ્રશંસા કરતા કહ્યું કે જ્યારે સરમુખત્યારશાહી શક્તિઓ સત્તા કબજે કરે છે, ત્યારે સ્વતંત્રતાના હિંમતવાન રક્ષકોને ઓળખવા મહત્વપૂર્ણ છે જેઓ તેમની સામે ઉભા થાય છે અને વિરોધ કરે છે.

સમિતિએ જણાવ્યું હતું કે, “લોકશાહી એવા લોકો પર નિર્ભર છે જેઓ ચૂપ રહેવાનો ઇનકાર કરે છે, જેઓ ગંભીર જોખમો છતાં આગળ વધવાની હિંમત કરે છે, અને જેઓ આપણને યાદ અપાવે છે કે સ્વતંત્રતાને ક્યારેય હળવાશથી લેવી જોઈએ નહીં, પરંતુ હંમેશા શબ્દો, હિંમત અને દૃઢ નિશ્ચયથી બચાવવી જોઈએ.

ઉમેદવારી રોકવામાં આવી પરંતુ હિંમત ન હારી

2024 ની ચૂંટણી પહેલા માચાડો વિપક્ષના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર હતા, પરંતુ સરકારે તેમની ઉમેદવારી રદ કરી. ત્યારબાદ તેમણે બીજા વિપક્ષી ઉમેદવાર, એડમંડો ગોન્ઝાલેઝ ઉરુટિયાને ટેકો આપ્યો. રાજકીય સીમાઓ પાર કરીને સેંકડો સ્વયંસેવકોએ ચૂંટણીમાં પારદર્શિતા સુનિશ્ચિત કરવા માટે અથાક મહેનત કરી.

ધમકીઓ, ધરપકડો અને યાતના આપવાના જોખમો છતાં, લોકોએ મતદાન મથકો પર દેખરેખ રાખી જેથી સુનિશ્ચિત કરી શકાય કે પરિણામો સાથે છેડછાડ ન થાય. જોકે, સરકારે ચૂંટણી પરિણામો સ્વીકારવાનો ઇનકાર કર્યો અને સત્તા છોડવાનો ઇનકાર કર્યો. મચાડોને છેલ્લા એક વર્ષથી છુપાઈ રહેવાની ફરજ પડી હતી, પરંતુ ગંભીર ધમકીઓ છતાં, તેણીએ દેશ છોડ્યો નહીં.

નોબેલ કમિટીએ તેના નિવેદનમાં જણાવ્યું કે, “વેનેઝુએલા, જે એક સમયે પ્રમાણમાં સારો એવો લોકશાહી અને સમૃદ્ધ દેશ હતો, તે હવે એક નિર્દયી સરમુખત્યારશાહી રાજ્યમાં પરિવર્તિત થઈ ગયો છે. આજે, મોટાભાગના વેનેઝુએલાવાસી ભારે ગરીબીમાં જીવી રહ્યા છે, જ્યારે સત્તાના સુકાન પર બેઠેલા કેટલાક લોકો દેશની સંપત્તિ લૂંટી રહ્યા છે. રાજ્યનું હિંસક તંત્ર હવે તેના પોતાના નાગરિકો પર દમન કરે છે. લગભગ 8 મિલિયન લોકો દેશ છોડીને ભાગી ગયા છે, અને ચૂંટણીમાં છેતરપિંડી,ધાંધલીઓ કાનૂની ધમકીઓ અને જેલ દ્વારા વિપક્ષને દબાવવામાં આવી રહ્યો છે.”

 

Published On - 2:45 pm, Fri, 10 October 25