
‘ફ્લાયદુબઈ’ (Flydubai)ની ફ્લાઇટ પર હવામાં થયેલા ગંભીર હુમલા બાદ, ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ ભારતીય પાયલટ કેપ્ટન સ્મિત મચ્છર સાથે વિશેષ વાતચીત કરી હતી. વાતચીત દરમિયાન, નેતન્યાહુએ સંકટના સમયે કેપ્ટન મચ્છરની અદમ્ય હિંમત અને સૂઝબૂઝના ખૂબ વખાણ કર્યા હતા. તેમણે કેપ્ટન મચ્છર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી બંનેને ઇઝરાયેલના આગામી સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં હાજરી આપવા માટે વીડિયો મેસેજ દ્વારા સત્તાવાર આમંત્રણ પણ આપ્યું હતું. શનિવારે રાત્રે (3 ઓક્ટોબર) વડાપ્રધાન નેતન્યાહુ સાથે ફોન પર વાત કરતા કેપ્ટન મચ્છરે જણાવ્યું હતું કે હુમલા પહેલાં, સહ-પાયલટે પ્રાર્થના કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી; તેમની આ ઈચ્છાના સન્માનમાં તેમણે પોતાનું માથું બીજી તરફ ફેરવ્યું હતું.
મચ્છરે વર્ણન કર્યું કે થોડી મિનિટો પછી, તેમને માથાના પાછલા ભાગમાં જોરદાર ફટકો અનુભવાયો અને ત્યારબાદ સતત હુમલાઓ થયા. નેતન્યાહુએ તેમની હિંમત અને આવી મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ સંયમ જાળવી રાખવાની ક્ષમતા જોઈને આશ્ચર્ય અને પ્રશંસા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું, “તમે ઘણા લોકોના જીવ બચાવ્યા… તમે વિશ્વની આત્માને બચાવી છે.”
તેમણે ઉમેર્યું, “હું તમને (સ્મિથ) અને મારા પ્રિય મિત્ર, વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અમારા આગામી સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં વિધિવત મશાલ પ્રગટાવવા માટે આમંત્રિત કરવા માંગુ છું. સ્મિથ તમે ભારત અને ઇઝરાયેલના બહાદુર લોકો માટે સાચા હીરો છો. તમે સમગ્ર વિશ્વ માટે હીરો છો. હું તમારા ઝડપી અને સંપૂર્ણ સ્વસ્થ થવાની કામના કરું છું.”
Breaking: “You are a hero of Israel. You are a hero of India. You are a hero of the world,” says Israeli Prime Minister Netanyahu to Captain Smit Machchhar https://t.co/1vr1sXTlSE
— Shashank Mattoo (@MattooShashank) October 3, 2026
નેતન્યાહુએ વધુમાં કહ્યું કે , “સામાન્ય રીતે, આ સન્માન ઇઝરાયેલના નાગરિકો માટે અનામત હોય છે. જોકે, મને વિશ્વાસ છે કે આ કિસ્સામાં, ઇઝરાયેલના તમામ નાગરિકો તમારું સ્વાગત કરશે. અમને આશા છે કે તમે ટૂંક સમયમાં ઇઝરાયેલની મુલાકાત લેશો… હું તમને અહીં ફરીથી મળવા આતુર છું. સંજોગોને જોતા, મને વિશ્વાસ છે કે આ મુલાકાત યાદગાર અને ઐતિહાસિક બની રહેશે.” કોકપિટમાં અચાનક હુમલો
ફ્લાયદુબઈની ફ્લાઇટ સામાન્ય રીતે આગળ વધી રહી હતી ત્યારે તેમના સહ-પાયલટે પ્રાર્થના કરવાની પરવાનગી માંગી હતી. મચ્છરે નોંધ્યું કે સ્થાનિક ક્રૂ સભ્યો માટે આ એક સામાન્ય બાબત હતી, તેથી તેમણે વ્યાવસાયિક અભિગમ જાળવી રાખ્યો અને ફ્લાઇટ પર ધ્યાન કેન્દ્રિત કર્યું. જોકે, લગભગ ચાર કે પાંચ મિનિટ પછી, તેમના માથાના પાછળના ભાગે જોરદાર પ્રહાર કરવામાં આવ્યો.
તેમણે કહ્યું કે શરૂઆતમાં તેમને લાગ્યું કે કદાચ વિમાનમાં કોઈ ગંભીર તકનીકી ખામી સર્જાઈ છે. પરંતુ ટૂંક સમયમાં જ તેમને અહેસાસ થયો કે કોકપિટની અંદર જ તેમના પર હુમલો થઈ રહ્યો છે. પ્રહાર બાદ તેમની દ્રષ્ટિ ધૂંધળી થવા લાગી અને તેઓ ગંભીર રીતે ભ્રમિત થઈ ગયા. તે જ સમયે, વિમાન ઝડપથી નીચે ઉતરવા લાગ્યું. તેઓ કોકપિટના ફ્લોર પર પડ્યા હોવા છતાં, તેમના પર સતત પ્રહારો થતા રહ્યા.
કેપ્ટન મચ્છરે સમજાવ્યું કે તેમને અહેસાસ થયો કે વિમાનને બચાવવાનો એકમાત્ર રસ્તો કોકપિટનો દરવાજો ખોલવાનો હતો. તેમણે પોતાની બાકીની શક્તિ એકત્ર કરી અને દરવાજા તરફ આગળ વધવાનો નિર્ણય કર્યો. તેમણે કહ્યું, “મારી પાસે લડવા માટે માત્ર એક છેલ્લો સંઘર્ષ બાકી હતો. તેને વ્યક્તિગત લડાઈ કહો કે લોકો માટેની લડાઈ. પરંતુ મેં વિચાર્યું કે જો હું આમ નહીં કરું, તો હું મરી જઈશ. તેથી, મેં મારી તમામ શક્તિ એકત્ર કરી, દરવાજા તરફ આગળ વધ્યો અને તેને ખોલ્યો.”
વાતચીત દરમિયાન, વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ કેપ્ટન મચ્છરને પૂછ્યું કે આવી ગંભીર પરિસ્થિતિમાં તેઓ સુરક્ષિત કોકપિટનો દરવાજો ખોલવામાં કેવી રીતે સફળ થયા. જવાબમાં, મચ્છરે કોકપિટના દરવાજાની કાર્યપદ્ધતિ સમજાવી અને જણાવ્યું કે બહારથી કોકપિટમાં પ્રવેશવા માટે સુરક્ષા કોડની જરૂર પડે છે.
સ્મિતે ઉલ્લેખ કર્યો કે તે સમયે વિમાનના ક્રૂ સભ્યોને અંદર પ્રવેશતા અટકાવવામાં આવ્યા હતા. જોકે, કોકપિટની અંદરથી સામાન્ય મેન્યુઅલ ટર્ન-નોબ (ફેરવી શકાય તેવું નોબ)નો ઉપયોગ કરીને દરવાજો ખોલી શકાય છે. આ પદ્ધતિનો લાભ લઈને, કેપ્ટન મચ્છરે પોતાનો જીવ જોખમમાં મૂકીને દરવાજો ખોલ્યો અને વિમાનને સંભવિત મોટી દુર્ઘટનામાંથી બચાવવાનો પ્રયાસ કર્યો.
આ ચર્ચા ‘ફ્લાયદુબઈ’ (Flydubai) ફ્લાઇટમાં બનેલી ભયાનક ઘટના બાદ થઈ રહી છે, જેમાં કેપ્ટન મચ્છરે કોકપિટની અંદર હિંસા હોવા છતાં નિયંત્રણ જાળવી રાખ્યું હતું અને મુસાફરોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે અંતિમ ક્ષણ સુધી સંઘર્ષ કર્યો હતો. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) એ કેપ્ટન સ્મિત મચ્છર માટે ‘અશોક ચક્ર’ની માંગ કરી છે.
Published On - 9:35 am, Sun, 4 October 26