
ઓમાનના એક કો-પાયલટે દુબઈથી તેલ અવીન જઈ રહેલી ‘ફ્લાઈદુબઈ’ ની ફ્લાઈટને હાઈજેક કરી ક્રેશ કરવાના મામલે UAE એ મોટી કાર્યવાહી કરી છે. UAE પોલીસે ‘ફ્લાઈદુબઈ’ ઍરલાઈન માં કામ કરનારા માલદિવના બે પાયલટની ધરપકડ કરી છે.
આ બંને પાયલટને ઍરલાઈનમાં માલદિવથી તાજેતરમાં જ ભર્તી કરવામાં આવ્યા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર બંને પાયલટની 3 ઓક્ટોબરે જ ધરપકડ કરી લેવામાં આવી હતી.
UAE સ્થિત માલદીવના દૂતાવાસે જણાવ્યુ કે તેમના પરિવારોને આ ધરપકડ અંગે સૂચના આપી દેવાઈ છે. જો કે માલદિવના અધિકારીઓએ બંને પાયલટની ધરપકડ અંગે કોઈપણ ટિપ્પણી કરવાનો ઈનકાર કર્યો છે.
નોંધનિય છે કે 30 સપ્ટેમ્બરે ફ્લાઈદુબઈના ઓમાની કો-પાયલટ હમ્મામ અલ- હમ્મામી પર ફ્લાઈટના મુખ્ય પાયલટ સ્મિત મચ્છર પર કુહાડી વડે હુમલો કરી ફ્લાઈટને હાઈજેક કરવાનો પ્રયાસ કરવાનો આરોપ છે.
સ્થાનિક મીડિયા રિપોર્ટ અનુસાર પકડાયેલા બંને માલદિવના પાયલટ કામ દરમિયાન અલ હમ્મામી ના સંપર્કમાં હતા અને એ જ બિલ્ડિંગમાં રહેતા હતા જ્યાં હમ્મામી રહેતો હતો. જો કે અધિકારીઓએ હજુ સુધી એ વાતની સ્પષ્ટતા નથી કરી કે આ ઘટનામાં તેનું કનેક્શન શું છે અને તેની વિરુદ્ધ શું પુરાવા મળ્યા છે.
યુએઈની આ ઘટનાને આતંકવાદી હુમલાની કોશિશ કરાર દેવામાં આવ્યો છે અને કહેવાયુ છે કે આરોપી કો-પાયલટ સામે કટ્ટરવાદી વિચારધારાનું સમર્થન કરવાની શંકા છે. આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે. અને ભારતની તપાસ એજન્સી NIA પણ આ તપાસમાં જોડાઈ છે.
UAE પ્રશાસને આ હુમલાને આતંકવાદી ષડયંત્ર ગણાવ્યું છે. આરોપી કો-પાયલટ કટ્ટરપંથી વિચારધારાથી પ્રભાવિત હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. આ આંતરરાષ્ટ્રીય કાવતરા પાછળનો પર્દાફાશ કરવા માટે ભારતીય તપાસ એજન્સી NIA દ્વારા પણ ગુનો નોંધીને ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી દેવામાં આવી છે.