
અમેરિકાના ઇલિનોઇસ રાજ્યના પેલેટાઇન વિસ્તારના રહેવાસી એલેક્ઝાન્ડ્રોસ પાપોરાકિસની ધરપકડ કરવામાં આવી છે. તપાસ દરમિયાન તેની પાસેથી ભારતીય મૂળના લોકો સામે હિંસાનો ઉલ્લેખ ધરાવતું એક મેનિફેસ્ટો મળી આવ્યું હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું. આ દસ્તાવેજ કથિત સામૂહિક ગોળીબારના કાવતરા અંગેની તપાસ દરમિયાન મળી આવ્યો હતો. આ ધરપકડ એવા સમયે થઈ છે જ્યારે હિન્દુઓના પવિત્ર તહેવાર નવરાત્રિની શરૂઆત થઈ છે.
પોલીસે સ્પષ્ટ કર્યું છે કે કયા મંદિરમાં હુમલો કરવાની યોજના બનાવવામાં આવી હતી, તેની હજુ સુધી પુષ્ટિ થઈ નથી. પેલેટાઇન પોલીસના જણાવ્યા અનુસાર, 11 ઓક્ટોબરે માઉન્ટ પ્રોસ્પેક્ટ પોલીસ તરફથી સંભવિત સામૂહિક ગોળીબાર અંગેની માહિતી મળી હતી. એક વ્યક્તિએ પોલીસને જણાવ્યું હતું કે તેને પાપોરાકિસ તરફથી કેટલાક ચિંતાજનક ઇલેક્ટ્રોનિક સંદેશાઓ મળ્યા હતા. તપાસમાં સામે આવ્યું કે આરોપીએ કથિત રીતે સામૂહિક ગોળીબારની યોજના સાથે જોડાયેલો એક દસ્તાવેજ અને રાઇફલ, મેગેઝિન, બોડી આર્મર સહિતનાં અન્ય હથિયારો તથા વ્યૂહાત્મક સાધનોનાં ચિત્રો શેર કર્યાં હતાં.
માહિતી મળ્યા બાદ પેલેટાઇન અને માઉન્ટ પ્રોસ્પેક્ટ પોલીસે સંયુક્ત કાર્યવાહી હાથ ધરી હતી. 11 ઓક્ટોબરની સાંજે આરોપી પોતાના ઘરેથી બહાર નીકળી રહ્યો હતો ત્યારે તેને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. ત્યારબાદ તેના ઘરની તલાશી લેવામાં આવી હતી. જ્યાંથી એક રાઇફલ, અનેક ભરેલાં મેગેઝિન, સેંકડો કારતૂસ, વ્યૂહાત્મક સાધનો અને બોડી આર્મર ધરાવતું એક વેસ્ટ મળી આવ્યું હતું. આ વેસ્ટ પર શ્વેત સર્વોપરિતાવાદી ઉગ્રવાદ સાથે સંકળાયેલી છબી ધરાવતું પેચ પણ મળી આવ્યું હતું.
તપાસ દરમિયાન પોલીસને આરોપી દ્વારા લખવામાં આવેલો એક દસ્તાવેજ મળ્યો હતો, જેનું શીર્ષક હતું, ‘મેં શા માટે લડત આપી: A.K.A.: (ઓરોરા શૂટરનો મેનિફેસ્ટો)’. પોલીસના જણાવ્યા અનુસાર, આ દસ્તાવેજમાં શ્વેત સર્વોપરિતાવાદી અને ઉગ્રવાદી વિચારધારાઓ સાથે દક્ષિણ એશિયાઈ મૂળના લોકો, ખાસ કરીને ભારતીયો સામે હિંસાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
આ કેસની તપાસમાં FBIની શિકાગો કચેરી પણ સામેલ છે. પોલીસે આરોપી સામે આતંકવાદી ધમકી આપવા અને નિર્ધારિત મર્યાદા કરતાં ઓછી લંબાઈની બેરલ ધરાવતી રાઇફલ ગેરકાયદેસર રીતે રાખવાના આરોપો મૂક્યા છે. 14 ઓક્ટોબરે સુનાવણી બાદ અદાલતે આરોપીને કસ્ટડીમાં રાખવાનો આદેશ આપ્યો હતો. તેની આગામી સુનાવણી 30 ઓક્ટોબરે નિર્ધારિત કરવામાં આવી છે.
ઓરોરા પોલીસે વિસ્તારનાં હિન્દુ ધાર્મિક સ્થળોને સંભવિત ખતરા અંગે જાણ કરીને સતર્ક કર્યા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, હાલમાં આ કેસને લગતો સામાન્ય લોકો માટે કોઈ સક્રિય ખતરો સામે આવ્યો નથી. તપાસ ચાલુ છે અને આરોપી સામે વધારાના આરોપો પણ મૂકવામાં આવી શકે છે.