તાજેતરના દિવસોમાં ‘યુએસ-વેનેઝુએલા’ તણાવમાં વધારો થયો છે, જેના કારણે વૈશ્વિક કટોકટી સર્જાઈ છે. FAA ની એરસ્પેસના જોખમની ચેતવણી બાદ, ઘણી આંતરરાષ્ટ્રીય એરલાઇન્સે તાત્કાલિક કારાકાસ (Caracas) જતી તેમની ફ્લાઇટ્સ રદ કરી દીધી.
યુનાઇટેડ સ્ટેટ્સ અને વેનેઝુએલા વચ્ચે ચાલી રહેલા પોલિટિકલ-ડિપ્લોમેટિક તણાવ એવા તબક્કે પહોંચી ગયા છે કે, જ્યાં આંતરરાષ્ટ્રીય લેવલે ચિંતા વધી રહી છે. શનિવારે બનેલી એક ઘટનાએ આ સંઘર્ષની આશંકાને વધુ વેગ આપ્યો.
યુએસ ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA) દ્વારા જારી કરાયેલી ચેતવણી બાદ, વિવિધ દેશોની 6 મોટી એરલાઇન્સે વેનેઝુએલા જતી તેમની ફ્લાઇટ્સ રદ કરી છે. આમાં સ્પેનની આઇબેરિયા, પોર્ટુગલની TAP, ચિલીની LATAM, કોલંબિયાની એવિઆન્કા, બ્રાઝિલની GOL અને ત્રિનિદાદ અને ટોબેગોની કેરેબિયન એરલાઇન્સનો સમાવેશ થાય છે.
Flightradar24 અને સિમોન બોલિવર મૈક્વેટીયા ઇન્ટરનેશનલ એરપોર્ટની સત્તાવાર વેબસાઇટ અનુસાર, શનિવારે કારાકાસથી બ્રાઝિલ, કોલંબિયા અને પોર્ટુગલની ફ્લાઇટ્સ ટેકઓફ પહેલા જ રદ કરવામાં આવી હતી. આ નિર્ણય ત્યારે લેવામાં આવ્યો છે, જ્યારે એરસ્પેસની સલામતી અંગે અનિશ્ચિતતા વધી ગઈ.
કોલંબિયાના એરોનોટિકા સિવિલે એક સત્તાવાર નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે, વેનેઝુએલાના હવાઈ ક્ષેત્રમાં ખાસ કરીને મૈક્વેટિયા ક્ષેત્રમાં સ્થિતિ વધારે બગડી રહી છે. બીજું કે, આ વિસ્તારમાં લશ્કરી ગતિવિધિઓમાં (Military Activities) વધારો થવાના સંકેતો છે. સંસ્થાના જણાવ્યા અનુસાર, આવા વાતાવરણમાં ફ્લાઇટ્સનું મેનેજમેન્ટ સંભવિત જોખમને આમંત્રણ આપી રહ્યું છે.
આ જ કારણ છે કે, એર પોર્ટુગલે શનિવાર અને આગામી મંગળવાર માટે બધી ફ્લાઇટ્સ સ્થગિત કરી દીધી છે. રોઇટર્સના જણાવ્યા અનુસાર, આ નિર્ણય US Aviation Officer ની ચેતવણી પર આધારિત છે, જેમાં એરસ્પેસ સલામતી અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી અને કહેવામાં આવ્યું કે, ઊંચાઈ પર ઉડતા વિમાનો માટે જોખમ રહેલું છે.
સ્પેનની ઇબેરિયા એરલાઇન્સે પણ સોમવારથી કારાકાસ માટે તેની ફ્લાઇટ્સ અનિશ્ચિત સમય માટે સ્થગિત કરવાની જાહેરાત કરી હતી. કંપનીએ શનિવારે તેની મેડ્રિડ-કારાકાસ રિટર્ન ફ્લાઇટનું મેનેજમેન્ટ કર્યું હતું પરંતુ વધુ ફ્લાઇટ્સ ફરી શરૂ કરવાનો નિર્ણય પરિસ્થિતિને આધારિત રહેશે. જો કે, કોપા એરલાઇન્સ અને વિંગોએ શનિવારે તેમની સેવાઓ ચાલુ રાખી હતી.
FAA નોટિસ મુજબ, તાજેતરના મહિનાઓમાં વેનેઝુએલાની આસપાસ યુએસ લશ્કરી પ્રવૃત્તિમાં નોંધપાત્ર વધારો થયો છે. અહેવાલો અનુસાર, અમેરિકાએ તેનું સૌથી મોટું Aircraft Carrier ઓછામાં ઓછા 8 વૉરશિપ અને અત્યાધુનિક F-35 ફાઇટર જેટ આ પ્રદેશમાં તૈનાત કર્યા છે. આ દરમિયાન રવિવારે LATAM એરલાઇન્સની બોગોટા જતી ફ્લાઇટ પણ રદ કરવામાં આવી હતી.
રોઇટર્સના અહેવાલ મુજબ યુએસ અધિકારીઓનું કહેવું છે કે, ટ્રમ્પ વહીવટીતંત્ર વેનેઝુએલા સંબંધિત કાર્યવાહીના નવા તબક્કા પર વિચાર કરી રહ્યું છે. જો કે, કોઈ સીધી લશ્કરી કાર્યવાહી કે યુદ્ધની સત્તાવાર ઘોષણા કરવામાં આવી નથી.
સૂત્રોના જણાવ્યા અનુસાર, રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો સામે નવેસરથી દબાણ, ગુપ્ત ઓપેરેશન અથવા રાજકીય રણનીતિનો સમાવેશ થઈ શકે છે. આ પરથી સ્પષ્ટ છે કે, બંને દેશો વચ્ચેના સંબંધોમાં તણાવ પહેલા કરતા વધુ વધ્યો છે અને આવનારા દિવસોમાં પરિસ્થિતિ કઈ દિશામાં જશે તેના પર આખી દુનિયા નજર રાખી રહી છે.
Published On - 5:12 pm, Sun, 23 November 25