સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC) અનુસાર, યુ.એસ. અને યુ.કે.ના 19 રાજ્યોમાં ગંદા પાણીમાં XFG કોવિડ-19 વેરિયન્ટનું સ્તર વધુ જોવા મળી રહ્યું છે. આ વેરિયન્ટનું પ્રમાણ નેવાડા, ઉટાહ, કનેક્ટિકટ અને ડેલવેરમાં સૌથી વધુ જોવા મળી રહ્યું છે. જણાવી દઈએ કે, આ વેરિયન્ટને ‘સ્ટ્રેટસ’ તરીકે ઓળખવામાં આવે છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, ‘સ્ટ્રેટસ વેરિયન્ટ’ અને ‘NB.1.8.1’ જેને ‘નિમ્બસ’ તરીકે ઓળખવામાં આવે છે.
મીડિયા રિપોર્ટસ અનુસાર, નવા કેસો હોવા છતાં પણ નિષ્ણાતો આ ફેલાવા અંગે ચિંતિત નથી. નિષ્ણાતોના મતે, આ વાયરસ સામાન્ય છે. યુકે હેલ્થ સિક્યુરિટી એજન્સી (UKHSA) ના નિષ્ણાત ડૉ. એલેક્સ એલને જણાવ્યું હતું કે, “સમય જતાં વાયરસમાં બદલાવ આવવો એક સામાન્ય પ્રક્રિયા છે.”
10 સપ્ટેમ્બર સુધીમાં, UKHSA માં પાછલા અઠવાડિયાની તુલનામાં સમગ્ર ઇંગ્લેન્ડમાં કોરોના વાયરસના કેસોમાં 7.6 ટકાનો વધારો જોવા મળ્યો છે. જો કે, કેટલા XFG વેરિયન્ટ સાથે જોડાયેલા છે તેનો હજુ કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.
સ્ટ્રેટસના બે મુખ્ય (XFG અને XFG.3.) વેરિયન્ટ છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને (WHO) XFG ને “વેરિયન્ટ અંડર મોનિટરિંગ” તરીકે નિયુક્ત કર્યું છે અને કહ્યું છે કે, વૈશ્વિક સ્તરે XFG નું જોખમ હાલ ઓછું છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, XFG અગાઉના ઓમિક્રોન વેરિયન્ટ કરતાં વધુ ગંભીર રોગ નથી. આ વેરિયન્ટમાં ગળામાં દુખાવો, ઉધરસ, તાવ અથવા શરદી, શ્વાસ લેવામાં તકલીફ, થાક, માથાનો દુખાવો, સ્નાયુઓમાં દુખાવો, ઉબકા, ઉલટી અથવા ઝાડા થવાના લક્ષણો દેખાઈ આવે છે.