
બાંગ્લાદેશમાં મતદાન પહેલા વધુ એક હિન્દુ યુવકની હત્યા કરવામાં આવી છે. મૃતકનો મૃતદેહ 11 ફેબ્રુઆરીની રાત્રે બાંગ્લાદેશના મૌલવી બજારમાં મળી આવ્યો હતો. એક ચાના બગીચામાંથી આ યુવકની લાશ મળી છે. આ ઘટના ચૂંટણીના ઠીક એક દિવસ પહેલા બની છે. મૃતકની ઓળખ 28 વર્ષીય રતન શુભકર તરીકે થઈ છે.
આ ઘટના કમલગંજ ઉપજિલ્લાના ચમ્પારા ચાના બગીચામાં બોરો લાઇન સેક્શનમાં બની હતી. પોલીસ અને સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, 11 ફેબ્રુઆરીની રાત્રે મૃતદેહ મળી આવ્યો હતો. મૃતદેહના હાથ-પગ દોરડાથી બાંધેલા હતા, શરીર પર ઊંડા જખમ હતા અને તે લોહીલુહાણ હાલતમાં હતો. પોલીસે આ મામલે હત્યાની તપાસ શરૂ કરી છે.
રતન પોતે આ જ ચાના બગીચામાં મજૂર હતો અને તેના પિતા શુકતા શુભકર પણ અહીં જ કામ કરે છે. સ્થાનિક લોકોએ મૃતદેહ જોયા બાદ પોલીસને જાણ કરી હતી. આ ઘટના લઘુમતી (હિન્દુ) સમુદાય સાથે જોડાયેલી હોવાનું કહેવામાં આવી રહ્યું છે, કારણ કે રતન હિન્દુ હતો અને ચૂંટણી પહેલા લઘુમતીઓ પર હુમલાના અનેક અહેવાલો આવી રહ્યા છે. જો કે, હજુ સુધી સત્તાવાર રીતે કોઈ રાજકીય કે સાંપ્રદાયિક હેતુની પુષ્ટિ થઈ નથી.
ઉલ્લેખનીય છે કે, 9 ફેબ્રુઆરીએ પણ એક વ્યક્તિનો મૃતદેહ મળ્યો હતો. મૃતકની ઓળખ 62 વર્ષીય સુશેન ચંદ્ર સરકાર તરીકે થઈ હતી, જેઓ મયમનસિંહ જિલ્લાના ત્રિશાલ ઉપજિલ્લામાં ચોખાના વેપારી હતા. તેમની ‘ભાઈ ભાઈ એન્ટરપ્રાઈઝ’ નામની દુકાન બોગાર બજાર ચોક પર આવેલી હતી.
અજ્ઞાત હુમલાખોરોએ રાત્રે લગભગ 11 વાગ્યે દુકાનમાં ઘૂસીને તેમના પર ધારદાર હથિયારથી હુમલો કરી તેમની હત્યા કરી નાખી હતી. હત્યારાઓએ લૂંટફાટ પણ કરી હતી અને લાખો ટકા (બાંગ્લાદેશી ચલણ) સાથે લઈ ગયા હતા.
હત્યારાઓએ મૃતદેહને દુકાનની અંદર છોડીને બહારથી શટર બંધ કરી તાળું મારી દીધું અને ફરાર થઈ ગયા હતા. પરિવારના સભ્યોને જ્યારે તેઓ મોડે સુધી ઘરે ન પહોંચ્યા ત્યારે શંકા ગઈ અને દુકાન ખોલીને જોતા લોહીથી લથપથ મૃતદેહ મળી આવ્યો હતો. તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. ઘણા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે, આ હત્યામાં કુહાડીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
Published On - 1:55 pm, Thu, 12 February 26