
વિદેશમાં અભ્યાસ કરવાનું સપનું જોતા ભારતીય વિદ્યાર્થીઓ માટે ઓસ્ટ્રેલિયા હંમેશાં પસંદગીના દેશોમાં સામેલ રહ્યું છે. અહીંની પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓ, ઉચ્ચ શિક્ષણની ગુણવત્તા અને રોજગારની તકોને કારણે દર વર્ષે મોટી સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસ માટે ઓસ્ટ્રેલિયા જવાનું પસંદ કરે છે. જોકે, છેલ્લા કેટલાક સમયથી વિદ્યાર્થી વિઝા મેળવવાની પ્રક્રિયા વધુ મુશ્કેલ બની રહી છે. ખાસ કરીને વિઝા મંજૂરીના ઘટતા દરે ભારતીય વિદ્યાર્થીઓની ચિંતામાં વધારો કર્યો છે.
જો તમે પણ 2027માં ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ કરવાની યોજના બનાવી રહ્યા છો, તો તમારા માટે એક મહત્વપૂર્ણ સમાચાર છે. ઓસ્ટ્રેલિયાની સરકારે 2027 માટે 2,95,000 નવા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાનું આયોજન કર્યું છે. જોકે, આ આંકડો હોવા છતાં દરેક વિદ્યાર્થી માટે પ્રવેશ અને વિઝા મેળવવો સરળ રહેશે તેવું નથી. ઉપલબ્ધ સરકારી આંકડા મુજબ, 20 નવેમ્બર 2026 સુધીમાં આગામી શૈક્ષણિક વર્ષ માટે માત્ર 44,900 વિદ્યાર્થીઓ પાસે જ વિદ્યાર્થી વિઝા હતા.
ભારતીય વિદ્યાર્થીઓ માટે સૌથી ચિંતાજનક બાબત વિઝા મંજૂરીના દરમાં થયેલો ઘટાડો છે. જુલાઈથી સપ્ટેમ્બર 2026 દરમિયાન ભારતમાંથી અરજી કરનારા વિદ્યાર્થીઓનો ઓસ્ટ્રેલિયન વિદ્યાર્થી વિઝા મંજૂરી દર ઘટીને માત્ર 49.1 ટકા રહ્યો છે. તેની સરખામણીમાં વર્ષ 2025ના સમાન સમયગાળામાં આ દર 84.9 ટકા હતો. એટલે કે, એક જ વર્ષમાં વિઝા મંજૂરીના દરમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.
આ આંકડા દર્શાવે છે કે ઓસ્ટ્રેલિયાની યુનિવર્સિટીઓમાં પ્રવેશ મેળવ્યા બાદ પણ ભારતીય વિદ્યાર્થીઓ માટે વિઝા મેળવવો મોટો પડકાર બની રહ્યો છે. માત્ર યુનિવર્સિટીનો ઓફર લેટર મળવાથી ઓસ્ટ્રેલિયા જવાનો માર્ગ સરળ બની જતો નથી.
ઓસ્ટ્રેલિયા દ્વારા નક્કી કરવામાં આવેલું 2,95,000 વિદ્યાર્થીઓનું નેશનલ પ્લાનિંગ લેવલ (NPL) પ્રવેશ માટેની કડક મર્યાદા નથી, પરંતુ સમગ્ર વર્ષ દરમિયાન આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના પ્રવેશને નિયંત્રિત કરવા માટેનું આયોજન છે. આ આંકડો 2026ના સ્તર જેટલો જ રાખવામાં આવ્યો છે. ઓસ્ટ્રેલિયામાં વિદ્યાર્થી વિઝાની પ્રક્રિયા યુનિવર્સિટીની ફાળવણી અને તેની પ્રાથમિકતા પર પણ આધારિત છે. મંત્રી નિર્દેશ 115 હેઠળ યુનિવર્સિટીઓને ત્રણ પ્રાથમિકતા શ્રેણીઓમાં વહેંચવામાં આવી છે.
પ્રાથમિકતા 1માં 80 ટકા સુધીની ફાળવણીનો ઉપયોગ કરનારી યુનિવર્સિટીઓનો સમાવેશ થાય છે. આ સંસ્થાઓના વિદ્યાર્થીઓની વિઝા અરજીઓની પ્રક્રિયા સૌથી ઝડપી થાય છે. 20 નવેમ્બર સુધીમાં સરકારી યુનિવર્સિટીઓએ સામૂહિક રીતે પોતાની ફાળવણીના આશરે 19 ટકા જેટલા પ્રવેશનો ઉપયોગ કર્યો હતો.
પ્રાથમિકતા 2માં 80થી 115 ટકા સુધીની ફાળવણીનો ઉપયોગ કરનારી યુનિવર્સિટીઓનો સમાવેશ થાય છે. આ શ્રેણીમાં વિઝા પ્રક્રિયા પ્રમાણમાં ધીમી થઈ શકે છે. અત્યાર સુધીમાં આઠ યુનિવર્સિટીઓ આ શ્રેણીમાં પહોંચી ચૂકી છે. જ્યારે 115 ટકાથી વધુ ફાળવણીનો ઉપયોગ કરનારી યુનિવર્સિટીઓને પ્રાથમિકતા 3માં મૂકવામાં આવે છે, જ્યાં વિઝા પ્રક્રિયા સૌથી ધીમી રહે છે. અત્યાર સુધીમાં ત્રણ યુનિવર્સિટીઓ આ શ્રેણીમાં પહોંચી છે.
વિઝા મંજૂરીના આંકડાઓમાં અરજીના સ્થળ પ્રમાણે પણ મોટો તફાવત જોવા મળ્યો છે. જુલાઈથી સપ્ટેમ્બર 2026 દરમિયાન ઓસ્ટ્રેલિયાની બહારથી એટલે કે ભારતમાંથી અરજી કરનારા ભારતીય વિદ્યાર્થીઓનો વિઝા મંજૂરી દર 49.1 ટકા રહ્યો હતો. બીજી તરફ, ઓસ્ટ્રેલિયાની અંદરથી અરજી કરનારા ભારતીય વિદ્યાર્થીઓ માટે આ દર 86.4 ટકા નોંધાયો હતો.
જોકે, આ બંને આંકડા અલગ-અલગ અરજદારોના જૂથને દર્શાવે છે અને માત્ર અરજીના સ્થળના આધારે વિઝા મળવાની ખાતરી આપી શકાય નહીં. તેથી 2027માં ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ કરવા ઇચ્છતા ભારતીય વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીની પસંદગી કરતી વખતે તેની પ્રાથમિકતા સ્થિતિ, પ્રવેશની શરતો અને વિઝા માટેની જરૂરી પ્રક્રિયાઓ અંગે અગાઉથી સંપૂર્ણ માહિતી મેળવવી જરૂરી છે.
Breaking News: ઈટાલીની શાળાઓમાં બુરખો પહેરવા પર સદંતર પ્રતિબંધ