
વોશિંગ્ટન: યુનાઇટેડ સ્ટેટ્સમાં ટ્રમ્પ વહીવટીતંત્રે ઇમિગ્રેશન (સ્થળાંતર) અંગે અત્યંત કડક નીતિ અપનાવી છે, જેના કારણે હાલના સમયમાં યુ.એસ. વિઝા મેળવવું ખૂબ જ મુશ્કેલ બની ગયું છે. યુ.એસ. સ્ટેટ ડિપાર્ટમેન્ટે વિદેશમાં આવેલી પોતાની દૂતાવાસો અને કોન્સ્યુલેટ્સને સૂચના આપી છે કે તેઓ વિઝા અરજીઓની સખત ચકાસણી કરે. પછી ભલે તે કુશળ વ્યાવસાયિકો હોય, વિદ્યાર્થીઓ હોય કે પરિવારના સભ્યો સાથે જોડાવા માંગતી વ્યક્તિઓ હોય. વિઝા અરજીઓ મોટી સંખ્યામાં નામંજૂર કરવામાં આવી રહી છે. આવી સ્થિતિ વચ્ચે, એક ભારતીય યુવકે વારંવાર રિજેક્શન મળવા છતાં હાર ન માની અને આખરે યુ.એસ. વિઝા મેળવવામાં સફળતા મેળવી.
ઉલ્લેખનીય છે કે, આ ભારતીય યુવકે 14મી વખત પ્રયાસ કરીને સફળતા મેળવી તે પહેલાં, વિવિધ કોન્સ્યુલેટ્સમાં સતત 13 વખત રિજેક્શનનો સામનો કરવો પડ્યો હતો. પ્રશાંત નામના આ વ્યક્તિએ તેને મળેલી વારંવારની નિષ્ફળતા અને વિઝા પ્રક્રિયા દરમિયાન અધિકારીઓ દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નો વિશે વાત કરી છે.
પ્રશાંતે જણાવ્યું કે એક પ્રસંગે તો તેમનો સામનો એ જ અધિકારી સાથે થયો જેમણે અગાઉ તેમના વિઝા નામંજૂર કર્યા હતો. ઘણીવાર તો વિઝા અધિકારીઓ અરજી નામંજૂર કરવાનું કારણ પણ આપતા ન હતા. આવી વારંવારના રિજેક્શન છતાં, તેમણે પછીના ઇન્ટરવ્યુ માટે સ્લોટ બુક કરવાનું ચાલુ રાખ્યું. તેમણે જણાવ્યું કે તેમના છેલ્લા ઇન્ટરવ્યુ દરમિયાન, યુ.એસ. અધિકારીએ તેમને એવો પ્રશ્ન પણ પૂછ્યો કે શું તેઓ અમેરિકા જઈને કોઈ અપરાધ કરવાની યોજના તો નથી બનાવી રહ્યા ને?
પ્રશાંતે જણાવ્યું કે જ્યારે 14માં ઈન્ટરવ્યુ દરમિયાન તેમના વિઝા આખરે મંજૂર થયા, ત્યારે તેઓ તે દિવસના છેલ્લા ઉમેદવાર હતા. આ ઇન્ટરવ્યુ લગભગ 50 મિનિટ સુધી ચાલ્યુ અને ઓફિસમાં હાજર લોકોએ છેલ્લે તેને તાળીઓ પાડીને વધાવ્યો હતો. પ્રશાંતે જણાવ્યું કે તેમનો પહેલુ F-1 વિઝા ઇન્ટરવ્યુ મુંબઈમાં થયુ હતો, જ્યાં તેમને કેટલાક સામાન્ય પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. હૈદરાબાદમાં થયેલા બીજા ઇન્ટરવ્યુમાં, તેમને ફરીથી તેમના અભ્યાસ, કોર્સ અને યુનિવર્સિટી વિશે પ્રશ્નો પૂછવામાં આવ્યા. ત્રીજા ઇન્ટરવ્યુમાં, તેમને પૂછવામાં આવ્યું કે તેમની અગાઉની અરજીઓ શા માટે નામંજૂર કરવામાં આવી હતી.
પ્રશાંતને ખ્યાલ પણ નહોતો કે આ તો માત્ર શરૂઆત હતી. ત્યારબાદ, તેને વારંવાર રિજેક્શનનો સામનો કરવો પડ્યો. કુલ 13 વખત તેઓ રિજેક્ટ થયા. જ્યારે તે 14મી વાર ઇન્ટરવ્યુ માટે હાજર થયો, ત્યારે વિઝા અધિકારીનું ધ્યાન તેના અગાઉના 13 રિજેક્શન પર ગયું અને તેમણે તેની લગન અને દૃઢતાના વખાણ કર્યા. અધિકારીએ તેને 20 માળની રહેણાંક ઇમારતનો પ્લાન તૈયાર કરવાનું કહ્યું, જેમાં દરેક માળ પર પાંચ એપાર્ટમેન્ટ હોય. આ ઇન્ટરવ્યુમાં તે સફળ રહ્યો અને અધિકારીએ તેના વિઝા મંજૂર કર્યા.
Published On - 6:39 pm, Fri, 16 October 26