
પ્રથમ ઘટના બ્રુકલિન પાર્ક વિસ્તારમાં બની, જ્યાં સ્ટેટ રિપ્રેઝન્ટેટિવ મેલિસા હોર્ટમેન અને તેમના પતિ માર્ક પર ગોળીબાર થયો. બંનેએ ઘટનાસ્થળે જ જીવ ગુમાવ્યો.
બીજી ઘટના ચેમ્પલિન વિસ્તારમાં ઘટી, જ્યાં સ્ટેટ સેનેટર જોન હોફમેન અને તેમની પત્ની યવેટ પર હુમલો થયો. બંનેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા અને સર્જરી કરાઈ. ડોકટરોના જણાવ્યા મુજબ બંને હાલત હાલ સ્થિર છે અને તબિયત સુધરવાની આશા છે.
મિનેસોટાના ગવર્નર ટિમ વોલ્ઝે આ સમગ્ર મામલે નિવેદન આપતાં જણાવ્યું કે હુમલાઓ રાજકીય દુશ્મનાવટના અનુસંધાનમાં થયેલા હોવાની શક્યતા છે. બંને હુમલાના સ્થળો ચેમ્પલિન અને કલિન પાર્ક એકબીજાથી માત્ર થોડાં માઈલ દૂર છે.
પોલીસે જણાવ્યુ કે સેનેટર હોફમેનને ઓછામાં ઓછી બે અને તેમની પત્નીને ત્રણ ગોળીઓ વાગી. તેઓ તેમની પુત્રી હોપ સાથે રહે છે, જો કે ઘટના સમયે પુત્રી ઘરમાં હાજર હતી કે નહીં તે અંગે માહિતી જાહેર કરાઈ નથી.
બ્રુકલિન પાર્કમાં હોર્ટમેન દંપતી પર હુમલા બાદ સ્થાનિક પોલીસએ તાત્કાલિક તૈનાત થઈ શંકાસ્પદને શોધી રહી છે. સ્થાનિક લોકોને ઘરથી બહાર ન નીકળવા અને અજાણ્યા વ્યકિતને દરવાજો ન ખોલવા અનુરોધ કરાયો છે. પોલીસની સૂચના મુજબ જો કોઈ એક જ અધિકારી દરવાજા પાસે આવે તો પણ દરવાજો ન ખોલવા અને પહેલાં 911 પર સંપર્ક કરવા માટે કહેવામાં આવ્યું છે.
આ સમગ્ર ઘટનાના રાજકીય સંબંધ હોવાની આશંકા વચ્ચે પોલીસ વિવિધ દિશામાં તપાસ ચલાવી રહી છે. હાલ સમગ્ર વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા કડક બનાવાઈ છે.