રશિયાના (Russia) વિપક્ષી નેતા એલેક્સી નવાલની (Alexei Navalny) છેતરપિંડી અને અદાલતની અવમાનના માટે દોષી ઠેરવવામાં આવ્યા હતા. રશિયાની એક કોર્ટે મંગળવારે તેને નવ વર્ષની જેલની સજા સંભળાવી. એલેક્સી નવાલની રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના (Vladimir Putin) કટ્ટર ટીકાકાર તરીકે ઓળખાય છે. યુટ્યુબ પર પોતાના વીડિયો દ્વારા નવાલનીએ પુતિન વિશે ઘણા ચોંકાવનારા ખુલાસા કર્યા છે. તેમાં કાળા સમુદ્રના કિનારે એક મહેલ વિશેની જાહેરાત પણ સામેલ હતી. જો કે ગયા વર્ષે રશિયા પરત ફરતી વખતે તેની ધરપકડ કરવામાં આવી હતી અને જેલમાં ધકેલી દેવામાં આવ્યો હતો.
ન્યાયાધીશે નવાલનીને 1.2 મિલિયન રુબલ (લગભગ 11,500 ડોલર)નો દંડ પણ ફટકાર્યો. નવાલની હાલમાં મોસ્કોની પૂર્વમાં આવેલી જેલમાં બીજા કેસમાં અઢી વર્ષની જેલની સજા ભોગવી રહ્યા છે. અઢી વર્ષની જેલના કેસમાં તેમના પર તેમની સંસ્થા દ્વારા નાણાંની ઉચાપત કરવાનો આરોપ હતો.
આ સાથે અગાઉના કેસ દરમિયાન પણ તેમના પર જજનું અપમાન કરવાનો આરોપ લાગ્યો હતો. તેમના સાથીદારોનું કહેવું છે કે નવી ટ્રાયલ આ હેતુથી હાથ ધરવામાં આવી હતી, કારણ કે રાષ્ટ્રપતિ પુતિનની સરકાર નવાલનીને બને તેટલા લાંબા સમય સુધી જેલમાં રાખવા માંગે છે. નવાલનીએ તેમના પર લાગેલા આરોપોને નકારી કાઢ્યા છે.
નવાલની સામે એક મહિના પહેલા ટ્રાયલ શરૂ કરવામાં આવી હતી. જેલની અંદર જ અસ્થાયી કોર્ટમાં સુનાવણી શરૂ થઈ. નવાલનીના સમર્થકોએ મોસ્કોમાં કોર્ટહાઉસમાંથી કાર્યવાહીને જેલમાં સ્થાનાંતરિત કરવાના અધિકારીઓના નિર્ણયની ટીકા કરી હતી. સમર્થકોનું કહેવું છે કે મીડિયા અને સમર્થકો માટે કાર્યવાહીમાં પ્રવેશ મર્યાદિત કરવા માટે આવું કરવામાં આવ્યું હતું. 45 વર્ષીય નવાલની જેલના પોશાકમાં સુનાવણી માટે આવ્યા હતા અને ટ્રાયલ દરમિયાન ઘણા વિસ્તૃત ભાષણો આપ્યા હતા.
તેમણે પોતાના પર લાગેલા આરોપોને ખોટા ગણાવ્યા. જાન્યુઆરી 2021માં જર્મનીથી પરત ફર્યા બાદ નવાલનીની ધરપકડ કરવામાં આવી હતી. નવાલની જર્મનીમાં તેમની સારવાર કરાવી રહ્યા હતા, કારણ કે તેમને ઝેર આપવામાં આવ્યું હતું. એલેક્સી નવાલનીએ કહ્યું કે ઝેરની પાછળ ક્રેમલિનનો હાથ હતો. જોકે, રશિયાએ નવાલનીના આરોપોને નકારી કાઢ્યા હતા.
તેમની ધરપકડના થોડા સમય બાદ, કોર્ટે તેમને છેતરપિંડીના એક કેસમાં 2014ની સસ્પેન્ડ કરેલી સજા દરમિયાન પેરોલનું ઉલ્લંઘન કરવા બદલ અઢી વર્ષની જેલની સજા ફટકારી હતી. નવાલનીએ કહ્યું હતું કે આ સજા રાજકીય રીતે પ્રેરિત છે. નવાલનીના જેલવાસ પછી, અધિકારીઓએ તેના સહયોગીઓ અને સમર્થકો સામે મોટા પાયે પગલાં લીધાં.
આ પણ વાંચો : રાજકીય ઉથલ પાથલથી અકળાયા પાકિસ્તાની મંત્રી, દેશમા જે કાંઈ થઈ રહ્યુ છે તેના માટે ભારતને ગણાવ્યુ જવાબદાર