ઓપરેશન સિંદૂરમાં મોત જોઈ ગયેલા હાફિઝ-મસુદ ભૂગર્ભમાં, હવે પાકિસ્તાનમાં કારી યાકુબ ચલાવશે આતંકની ફેકટરી !

એક સમયે લશ્કર એ તૈયબાનો આતંકી રહી ચૂકેલ કારી મોહમ્મદ યાકુબે પાકિસ્તાનમાં એક નવી પાર્ટી બનાવી છે. કારી મોહમ્મદ યાકુબ પર 2012 માં અમેરિકાએ ઈનામની જાહેરાત કરી હતી. કારીએ નવી પાર્ટીની રચના એવા સમયે કરી છે, જ્યારે આતંકવાદી મસૂદ અઝહર અને હાફિઝ સઈદ ઓપરેશન સિંદૂરમાં મોત જોઈ ગયા બાદ બન્ને એકસાથે ભૂગર્ભમાં ઉતરી ગયા છે.

ઓપરેશન સિંદૂરમાં મોત જોઈ ગયેલા હાફિઝ-મસુદ ભૂગર્ભમાં, હવે પાકિસ્તાનમાં કારી યાકુબ ચલાવશે આતંકની ફેકટરી !
| Edited By: | Updated on: Dec 29, 2025 | 2:50 PM

ઓપરેશન સિંદૂર દરમિયાન, હાફિઝ સઈદ અને મસૂદ અઝહર જેવા રાજકીય ઓથ ધરાવતા આતંકવાદીઓ પાકિસ્તાનમાં ભૂગર્ભમાં ઉતરી ગયા છે. આ બન્ને છેલ્લા સાત મહિનાથી જાહેરમાં આવ્યા નથી. મોતના ડરે બહાર ના આવી રહેલા હાફિઝ સઈદ અને મસૂદ અઝહર જેવા કામ કરવા માટે પાકિસ્તાને એક નવો આતંકવાદી નેતા સર્જ્યો છે. આ નવો આતંકવાદી નેતા કારી મોહમ્મદ યાકુબ શેખ છે. લશ્કર એ તૈયબા પાસેથી એક સમયે તાલીમ મેળવી ચૂકેલા, યાકુબે હવે પોતાનું નવું સંગઠન બનાવ્યું છે.

આતરરાષ્ટ્રીય મીડિયા અહેવાલ અનુસાર, કારી યાકુબે રચેના નવા સંગઠનને સેન્ટ્રલ મુસ્લિમ લીગ નામ આપવામાં આવ્યું છે. આ સંગઠન પાકિસ્તાનમાં એક રાજકીય પક્ષ તરીકે સૂચિબદ્ધ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ સંગઠનને પાકિસ્તાન આર્મીના પણ છુપા આર્શિવાદ છે.

કોણ છે કારી યાકુબ શેખ ?

કારી યાકુબ શેખનો જન્મ 1972માં પાકિસ્તાનના બહાવલપુરમાં થયો હતો. મદરેસામાં પ્રારંભિક શિક્ષણ પૂર્ણ કર્યા પછી, તે ધાર્મિક ઉપદેશક બન્યો. તેના ઉપદેશો સ્થાનિક સ્તરે વાયરલ થાય હતા. 2012માં, કારીને સૌપ્રથમ યુનાઇટેડ સ્ટેટ્સ દ્વારા આતંકવાદી જાહેર કરવામાં આવ્યો હતો.

કારી પર લશ્કર-એ-તૈયબા માટે કામ કરવાનો આરોપ હતો. કારી યાકુબ અને મસૂદ અઝહર સાથે ગાઢ સંબંધો હોવાનું પણ કહેવાય છે. 2017માં, કારીએ દિફા-એ-પાકિસ્તાન કાઉન્સિલના પ્રતીક પર ચૂંટણી લડી હતી, પરંતુ તે જીતવામાં નિષ્ફળ ગયો હતો.

2025ની શરૂઆતમાં, જ્યારે અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો, ત્યારે કારીએ તાલિબાન શાસન વિરુદ્ધ ફતવો બહાર પાડ્યો હતો. એવું કહેવાય છે કે આના કારણે કારીના પાકિસ્તાની સૈન્ય સાથે સંબંધો ગાઢ બન્યા.

મોતના ડરથી હાફિઝ અને મસૂદ ભૂગર્ભમાં ઉતરી ગયા

મસૂદ અઝહર અને હાફિઝ સઈદ ભારતના ઓપરેશન સિંદૂર પછી ભૂગર્ભમાં ઉતરી ગયા છે. ઓપરેશન સિંદૂરમાં મસૂદના પરિવારના 14 સભ્યો માર્યા ગયા. હાફિઝનો અડ્ડો પણ ઓપરેશન સિંદૂરમાં ભારતે કરેલ મિસાઈલ હુમલાથી નાશ પામ્યો હતો. હાફિઝ અને મસૂદ હાલમાં પાકિસ્તાન સેનાની દેખરેખ હેઠળ ભૂગર્ભમાં ઉતરી ગયેલા છે. ઓપરેશન સિંદૂર પછી મીડિયામાં બંનેમાંથી કોઈના સમાચાર છપાયા નથી કે નથી કોઈ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાંના ફોટા છપાયા.

નવા આતંકવાદી સંગઠનની જરૂર કેમ?

પાકિસ્તાન હાલમાં તહરીક-એ-તાલિબાન અને બલૂચ લિબરેશન આર્મી તરફથી પડકારોનો સામનો કરી રહ્યું છે. પાકિસ્તાન સૈન્ય, આ બંને આતંકવાદી સંગઠનોને ખતમ કરવામાં અસમર્થ છે. ટીટીપીએ તેની લડાઈને જેહાદ તરીકે ઓળખાવી છે. ટીટીપીને નાગરિકોનો પણ ટેકો મળે છે. આ કારણે, પાકિસ્તાની સેનાને આ સંગઠન દ્વારા દરેક મોરચે પરાજિત કરવામાં આવી રહી છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે, પાકિસ્તાને ટીટીપી અને બીએલએ જેવા આતંકવાદી સંગઠનો સામે લડવા માટે આતંકવાદની ફોર્મ્યુલા અપનાવવાનું નક્કી કર્યું છે. જેના ભાગરૂપે, કારી યાકુબને આગળ કરવામાં આવ્યો છે, કારણ કે હાફિઝ સઈદ અને મસૂદ અઝહર જેવા આતંકવાદી માફિયાઓ, ભારત તરફથી મળનારા આકસ્મિક મોતના ડરથી હાલમાં પાકિસ્તાન માટે ઉપયોગી સાબિત નથી થઈ રહ્યાં.

દેશ વિદેશના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો