Ukraine Russia War: યુદ્ધમાં યુક્રેનની તબાહી, 45 લાખ લોકોએ છોડ્યો દેશ, જાણો 10 મોટી વાત
સંયુક્ત રાષ્ટ્રના (United Nations) એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે રશિયન હુમલાને કારણે અત્યાર સુધીમાં 4.5 મિલિયનથી વધુ લોકો યુક્રેન છોડી ચૂક્યા છે. આ યુદ્ધના કારણે વિશ્વ બેંકે (World Bank) આગાહી કરી છે કે આ વર્ષે યુક્રેનની અર્થવ્યવસ્થા અડધી થઈ જશે.
Russia Ukraine War (file photo)
Follow us on
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો (Ukraine Russia War) આજે 47મો દિવસ છે. યુક્રેનના (Ukraine) લોકો પર રશિયન સૈનિકોનો નરસંહાર ઓછો થવાનું નામ નથી લઈ રહ્યો. સંયુક્ત રાષ્ટ્રના (United Nations) એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે રશિયન હુમલાને કારણે અત્યાર સુધીમાં 4.5 મિલિયનથી વધુ લોકો યુક્રેન છોડી ચૂક્યા છે. આ યુદ્ધના કારણે વિશ્વ બેંકે (World Bank) આગાહી કરી છે કે આ વર્ષે યુક્રેનની અર્થવ્યવસ્થા અડધી થઈ જશે. દરમિયાન, યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લોદિમિર ઝેલેન્સકીએ રવિવારે રાત્રે તેમના દેશને ચેતવણી આપી હતી કે આગામી સપ્તાહો યુદ્ધમાં એટલા જ મહત્વપૂર્ણ છે જેટલા અત્યાર સુધીના યુદ્ધમાં દર અઠવાડિયે હતા.
રાષ્ટ્રને સંબોધતા, વ્લોદિમિર ઝેલેન્સકીએ કહ્યું, ‘રશિયન દળો આપણા દેશના પૂર્વમાં વધુ મોટી કાર્યવાહી કરશે.’ ઝેલેન્સકીએ કહ્યું, ‘જ્યારે લોકોમાં તેમની ભૂલ સ્વીકારવાની, માફી માંગવાની, વાસ્તવિકતા સાથે અનુકુળતા કરવાની અને શીખવાની હિંમત નથી હોતી ત્યારે તેઓ રાક્ષસ બની જાય છે અને જ્યારે વિશ્વ તેમને અલગ પાડે છે, ત્યારે આ રાક્ષસો નક્કી કરે છે કે વિશ્વએ તેમની સાથે અનુકુળતા કરવી જોઈએ. યુક્રેન આ બધું બંધ કરશે. તેઓએ સત્ય સ્વીકારવું પડશે.
રશિયા યુક્રેન યુદ્ધ સાથે સંબંધિત 10 મોટા અપડેટ્સ પર એક નજર કરીએ…
લગભગ દોઢ મહિનાથી ચાલી રહેલા યુદ્ધની વચ્ચે યુક્રેનના લગભગ દરેક ક્ષેત્રમાં હવાઈ હુમલાની ચેતવણી આપવામાં આવી છે.
યુક્રેનના ઘણા શહેરોમાં ભયાનક હવાઈ હુમલાના સાયરન વાગે છે. આ શહેરોમાં ટરનોપિલ, વોલિન, જકારપટ્ટીયા, કીવ, ચર્કાસી, સુમી, ઓડેસા અને નિપ્રોનો સમાવેશ થાય છે.
સંયુક્ત રાષ્ટ્રએ તાજેતરના આંકડાઓ દ્વારા જણાવ્યું છે કે રશિયન હુમલાને કારણે અત્યાર સુધીમાં 4.5 મિલિયનથી વધુ લોકો યુક્રેન દેશ છોડી ચૂક્યા છે.
એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે અત્યાર સુધીમાં યુક્રેનના 26 લાખથી વધુ લોકોએ પોલેન્ડમાં શરણ લીધી છે. પોલેન્ડ પછી અનુક્રમે 6,86,000 અને 4,19,000 શરણાર્થીઓ સાથે રોમાનિયા અને હંગેરીમાં આવ્યા છે.
યુક્રેનિયન એરફોર્સે અત્યાર સુધીમાં 11 રશિયન એર બેઝને નષ્ટ કર્યા છે.
ચેચન્યાના નેતા રમઝાન કાદિરોવ કહે છે કે રશિયન દળો ટૂંક સમયમાં કિવ અને અન્ય યુક્રેનિયન શહેરો પર કબજો કરી લેશે.
કાદિરોવે 11 એપ્રિલના રોજ એક ટેલિગ્રામ પોસ્ટમાં જણાવ્યું હતું કે, મેરીયુપોલ, લુહાન્સ્ક અને ડોનેટ્સકમાં રશિયન આક્રમણ શરૂ કરવામાં આવશે, ત્યારબાદ રશિયન દળો કિવ પર કબજો કરશે.
યુક્રેનિયન સશસ્ત્ર દળોના એરફોર્સ કમાન્ડ અનુસાર, રશિયન સૈન્યએ 10 એપ્રિલે ત્રણ યુએવી, ત્રણ મિસાઇલ, એક Su-34 વિમાન અને ચાર હેલિકોપ્ટર ગુમાવ્યા.
વિશ્વ બેંકે આગાહી કરી છે કે યુક્રેનની અર્થવ્યવસ્થા 2022માં લગભગ અડધી થઈ જશે.
વિશ્વ બેંક સંગઠને પણ નાણાકીય પ્રતિબંધોને કારણે રશિયાના 2022 જીડીપી ઉત્પાદનમાં 11.2 % ના ઘટાડાની આગાહી કરી છે.