25 એપ્રિલ વિશ્વ મેલેરિયા દિવસ (World Malaria Day 2022) તરીકે મનાવવામાં આવે છે. ત્યારે ભારત સરકારના (Government of India) માર્ગદર્શન અને સહયોગથી વર્ષ 2030 સુધીમાં મેલેરિયા મુક્ત ગુજરાત (Malaria free Gujarat) નિર્માણનો લક્ષ્ય પ્રાપ્ત કરવાનો નિર્ધાર રાજ્ય સરકારે કર્યો છે. આ વર્ષની થીમ ‘વૈશ્વિક મેલેરિયા રોગનું પ્રમાણ ઘટાડવા અને જીવન બચાવવા માટે નવીનતમ સંવાદ હાથ ધરીએ” નિયત કરાઈ છે. મેલેરિયા અંગે જાગૃતિ કેળવી સૌના સહિયારા પ્રયાસથી મેલેરિયા મુક્ત રાજ્ય બને તેવો રાજ્ય સરકારનો નિર્ધાર છે.
દર વર્ષે 25 એપ્રિલ વિશ્વ મેલેરિયા દિવસ તરીકે ઉજવાય છે. રાજયમાં મેલેરિયાના રોગ પ્રત્યે વધુને વધુ જાગૃતિ આવે અને “મેલેરિયા મુક્ત ગુજરાત”ના નિર્માણ માટે રાજયનું આરોગ્ય વિભાગ સંપૂર્ણ સુસજ્જ છે. ભારત સરકારના માર્ગદર્શન અને સહયોગથી વર્ષ 2030 સુધી મેલેરિયા મુક્ત ગુજરાત નિર્માણનો લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે આરોગ્ય વિભાગ દ્વારા સઘન આયોજન હાથ ધરાયું છે.
મેલેરિયા મુક્ત ગુજરાત માટે આરોગ્ય વિભાગ દ્વારા શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ દ્વારા સઘન ઈન્ટ્રા અને પેરીડોમેસ્ટિક કામગીરી, પોરાનાશક કામગીરી, ફિવર સર્વેલન્સ અને IPC દ્વારા લાર્વાનું લાઈવ ડેમોસ્ટ્રેશન કરાશે તથા બાંધકામ સાઈટની તપાસ, મજૂરોનું બ્લડ સ્ક્રીનીંગ કરાશે. તેમજ જનજાગૃતિ ફેલાય તે માટે શેરી નાટક, રેલી, માઈકીંગ અને પપેટ શોનું આયોજન કરાશે, સોશિયલ મીડિયાના માધ્યમથી પણ જનજાગૃતિનો પ્રયાસ કરાશે. શહેરમાં LED ડિસ્પ્લે પર જાગૃતિ લાવવા વીડિયો પ્રસારણ કરાશે.
બીજા વિશ્વયુદ્ધ પછી જાહેર આરોગ્ય સેવાઓમાં મેલેરિયા નિયંત્રણ માટે ડી.ડી.ટીનો ઉપયોગ થવા લાગ્યો. આપણા દેશના ગ્રામીણ વિસ્તારોમાં ડી.ડી.ટીના છંટકાવના સારા પરિણામ મળવા લાગ્યા જેના કારણે મેલેરિયાના કેસોના પ્રમાણમાં પણ ચમત્કારિક રીતે ઘટાડો નોંધાયો. તેની સાથે સાથે હવે ભારતમાં કૃષિ અને વિવિધ ક્ષેત્રના ઉત્પાદન વૃદ્ધિ થતી જણાઈ હતી. આ પરિણામને લક્ષ્યમાં લઈને વિશ્વ આરોગ્ય સંસ્થાએ 1955માં ભારતમાં મેલેરિયા નાબુદી કાર્યક્રમ માટે ભલામણ કરી હતી.
મેલેરિયા એનોફિલીસ નામના મચ્છર દ્વારા એક વ્યકિતમાંથી બીજી વ્યકિતમાં ફેલાતો રોગ છે. તેના લક્ષણોની વાત કરીએ તો મેલેરિયાના દર્દીને સખત ઠંડી લાગે છે. ધ્રુજારી આવે જે અડધો કલાકથી બે કલાક ચાલે છે, ત્યારબાદ 8 થી 12 કલાક તીવ્ર તાવ આવે છે. તાવ એક દિવસના આંતરે આવે અથવા દરરોજ આવે. માથું દુઃખે, શરીર દુઃખે, કળતર થાય, ઉલટી થાય, ઉબકા આવે, તાવ ઉતરે ત્યારે ખુબ પરસેવો વળે છે.
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો