
આજના સમયમાં લોકો પોતાની ફિટનેસને લઈને ખૂબ જ જાગૃત થઈ ગયા છે. વજન ઘટાડવા અને બોડી બનાવવા માટે યુવાનો જિમ અને યોગનો સહારો લઈ રહ્યા છે. પરંતુ જિમમાં ભારે કસરત (વર્કઆઉટ) કર્યા પછી મોટાભાગના લોકો એક મોટી ભૂલ કરે છે. તેઓ સ્નાયુઓના દુખાવા અને થાકથી તાત્કાલિક રાહત મેળવવા માટે બજારમાં મળતા મોંઘા એનર્જી ડ્રિંક્સ અને ટોનિક ગટગટાવી જાય છે.
આયુર્વેદ અનુસાર, આવી ક્ષણિક રાહત આપતી વસ્તુઓ લાંબા ગાળે શરીરને નુકસાન કરે છે. આ આર્ટિફિશિયલ ડ્રિંક્સમાં અતિશય ખાંડ, કેમિકલ અને આર્ટિફિશિયલ કલર હોય છે. તેના બદલે જો ઘરગથ્થુ અને આયુર્વેદિક ડ્રિંક્સ પીવામાં આવે તો સ્નાયુઓ કુદરતી રીતે મજબૂત બને છે.
આયુર્વેદિકના જણાવ્યા અનુસાર, જ્યારે આપણે કોઈ પણ પ્રકારની ભારે કસરત કરીએ છીએ, ત્યારે શરીરમાં ‘પિત્ત’ વધી જાય છે. આ પિત્ત વધવાના કારણે જ કસરત પછી સ્નાયુઓમાં જકડન, અતિશય થાક, સાંધાનો દુખાવો કે નબળાઈ અનુભવાય છે. કેમિકલવાળા ડ્રિંક્સ પચવામાં ભારે હોય છે, જ્યારે નેચરલ ડ્રિંક્સ શરીરને તરત હાઇડ્રેટ કરીને પાચનતંત્ર સુધારે છે અને સ્નાયુઓની અંદરની ઈજાને ઝડપથી રૂઝવે છે.
બજારના એનર્જી ડ્રિંક્સ પીવાથી શરીરને તરત જ એનર્જી મળી ગઈ હોવાનો ભાસ થાય છે, પરંતુ તે માત્ર થોડી મિનિટો પૂરતો જ હોય છે. ત્યારબાદ તે પાચનક્રિયા પર નકારાત્મક અસર કરે છે. આયુર્વેદ હંમેશા તાજા રસ અને ઘરે બનાવેલા પીણાંનો આગ્રહ રાખે છે.
તંદુરસ્ત રિકવરી માટે માત્ર યોગ્ય ખાનપાન જ નહીં, પરંતુ પૂરતી ઊંઘ, માનસિક તણાવથી મુક્તિ, હળવું સ્ટ્રેચિંગ, યોગ અને તેલ માલિશ (અભ્યંગ) પણ એટલા જ મહત્વના ભાગ ભજવે છે.
Disclaimer: આ સમાચાર સામાન્ય માહિતી પર આધારિત છે. વધુ માહિતી માટે તમારા ડૉક્ટરની સલાહ લો.