કોરોનાની પ્રથમ અને બીજી લહેર ભારત પર ખુબ ભારે રહી છે. દેશે પ્રથમ કરતા બીજી લહેર સમયે મોટી તબાહી જોઈ. કોરોના સંક્રમણથી બચવા માટે હાલમાં એક જ વિકલ્પ છે અને એક છે વેક્સિન. બીજી લહેર દરમિયાન ત્રીજી લહેરની સંભાવના વિશે ઘણા અહેવાલ અને રિપોર્ટ આવ્યા હતા. જેમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે ત્રીજી લહેર બાળકો પર વધુ અસર કરશે. એક તરફ બાળકોની વેક્સિન હજુ આવવાની બાકી છે તો બીજી તરફ બાળકોમાં કોરોનાના કેસ આવવાના ઘણા અહેવાલ સામે આવી રહ્યા છે.
બાળકોને કોરોનાને લઈને સૌ કોઈ ચિંતામાં છે. આ વચ્ચે બાળકોમાં કોરોના હોય તો એના શું લક્ષણો હોય તેવા પ્રશ્નો પર લોકોના મનમાં ઉદ્દભવી રહ્યા છે. ત્યારે આવા સવાલોના જવાબ લોકો સુધી પહોંચી રહે તે માટે ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા સોશિયલ મીડિયાની અલગ અલગ સાઈટ્સ પર માહિતી આપવામાં આવે છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા વિડીયો સ્વરૂપે સવાલના જવાબ રજુ કરાયા છે. ચાલો આજે આપણે જાણીએ એ કે,
18 વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં કોરોનાના લક્ષણો શું છે?
આ પ્રશ્નનો જવાબ વિડીયોમાં ડો.પ્રવીણ કુમાર આપી રહ્યા છે. જેઓ નવી દિલ્હીમાં બાળરોગ વિભાગ, લેડી હાર્ડીન્જ મેડિકલ કોલેજ અને સંલગ્ન કલાવતી સરન ચિલ્ડ્રન્સ હોસ્પિટલના ડિરેક્ટર – પ્રોફેસર છે. તેઓ કહે છે, ‘બાળકોમાં કોરોનાના લક્ષણ ઉંમર પર આધાર રાખે છે. નાના બાળકોમાં 5 વર્ષથી નાના બાળકોની વાત કરીએ તો તાવ, શરદી, કફ અને ડાયેરિયાના લક્ષણો મુખ્યત્વે જોવા મળે છે. તેનાથી વધુ વર્ષના બાળકો કોરોનાના અન્ય લક્ષણો જેવા કે માથું દુખવું, ટેસ્ટ ના આવવો અને સ્મેલ ના આવવી જેવી ફરિયાદ કરતા હોય છે.’
ડો.પ્રવીણ કુમાર કહે છે કે નાના બાળકો આવી ફરિયાદ કરી શકતા નથી જ્યારે વધુ ઉંમરના બાળકોમાં સમજણ હોવાથી આ ફરિયાદ કરી શકે છે. પ્રાથમિક લક્ષણો બાળકોમાં તાવ, શરદી, કફ, લૂસ મોશન, ઉલટી, માથાનો દુખાવો, ટેસ્ટના આવવો, સ્મેલ ના આવવી અને ડાયેરિયા હોઈ શકે છે.
જાહેર છે કે બાળકોમાં ફેલાઈ રહેલા કોરોનાના કારણે ભય ખુબ વધ્યો છે. અને આનાથી બચવા માટે સાવચેતી ખુબ જ જરૂરી છે. બાળકોને લઈને માતા પિતા વધુ ચિંતામાં છે. જેમણે હવે કોરોનાથી બાળકને બચાવવા વધુ સાવધાન રહેવાની જરૂર છે. બીજી લહેરની તબાહી જોયા બાદ પણ લોકો બેફીકર થઈને બહાર ફરી રહ્યા છે. અને ભીડમાં જોવા મળી રહ્યા છે. આ સમયે વેક્સિન લીધા બાદ પણ માસ્કનો યોગ્ય ઉપયોગ, સામાજિક અંતર, કોરોના ગાઈડલાઈનનું પાલન ખુબ જરૂરી છે.
આ પણ વાંચો: કોરોના જ્ઞાનશાળા: વેક્સિન લીધા બાદ પણ કેમ થાય છે કોરોના? જાણો તમારા આ સવાલનો સચોટ જવાબ
આ પણ વાંચો: મહારાષ્ટ્ર સમગ્ર દેશમાં કોરોના વેક્સિન આપવામાં નંબર વન રાજ્ય બન્યું