
જો તમને તમારું વજન અચાનક વધેલું જણાય, તો જરૂરી નથી કે તે શરીરમાં ચરબી (ફેટ) વધવાનો જ સંકેત હોય. શરીરમાં વધુ પ્રમાણમાં પાણીનો ભરાવો થવાથી પણ વજન વધેલું દેખાઈ શકે છે, જેને તબીબી ભાષામાં ‘વોટર વેટ’ (Water Weight) અથવા ફ્લુઇડ રીટેન્શન કહેવામાં આવે છે. આટલું જ નહીં, તેના કારણે કેટલાક લોકોમાં પેટ ફૂલવું (બ્લોટિંગ), હાથ-પગમાં સોજા આવવા અને આંખો નીચે સોજો (પફીનેસ) જેવી સમસ્યાઓ પણ થઈ શકે છે.
સામાન્ય રીતે સ્થૂળતા કે વજન વધવું એ શરીરમાં વધુ માત્રામાં ચરબી જમા થવાને કારણે હોય છે, પરંતુ તે એકમાત્ર કારણ નથી. વધુ પડતો ખોરાક લેવો તેમજ પાણીનું અસંતુલન પણ તમારા વજન પર અસર કરે છે. ડિહાઇડ્રેશન (શરીરમાં પાણીની અછત), વધુ પડતું મીઠું ખાવું, જીવનશૈલીની ખરાબ આદતો અથવા સ્વાસ્થ્ય સંબંધિત કેટલીક સમસ્યાઓને કારણે શરીરમાં વધારાનું પાણી જમા થવા લાગે છે.
આપણું શરીર આશરે 60 થી 70 ટકા પાણીથી બનેલું હોય છે. જ્યારે શરીરમાં પ્રવાહીનું સંતુલન બગડે છે, ત્યારે શરીર વધારાના પાણીને પકડી રાખવા લાગે છે. જોકે, વોટર વેટ વધવો એ કોઈ ગંભીર બીમારી નથી અને તેને ઘટાડવાથી સીધી ચરબી ઓછી થતી નથી, પરંતુ તેનાથી પેટનું ભારેપણું અને સોજા ચોક્કસપણે ઘટે છે.
શરીરમાં પાણીની અછત સર્જાય ત્યારે શરીર રક્ષણાત્મક રીતે પાણીનો સંગ્રહ કરવા લાગે છે. તેથી દિવસ દરમિયાન યોગ્ય માત્રામાં પાણી પીતા રહો. ઋતુ, શારીરિક શ્રમ અને જરૂરિયાત મુજબ હાઇડ્રેશન જાળવી રાખવું જરૂરી છે.
ખોરાકમાં વધુ પડતું મીઠું (સોડિયમ) અને ખાંડનું સેવન શરીરમાં પાણી જમા થવાની સમસ્યા વધારે છે. તેથી તેનું પ્રમાણ મર્યાદિત રાખો. પોટેશિયમથી ભરપૂર ખોરાક લેવો ફાયદાકારક છે. આ ઉપરાંત લસણ, કોબીજ, લીલાં પાંદડાવાળાં શાકભાજી, લીંબુ અને કાકડી જેવા કુદરતી ખાદ્યપદાર્થોને ડાયેટમાં સામેલ કરો.
નિયમિત શારીરિક કસરત કરવાથી શરીરમાં રક્ત પરિભ્રમણ (બ્લડ સર્ક્યુલેશન) સુધરે છે અને વધારાનું પાણી પરસેવા વાટે બહાર નીકળે છે. હળવા યોગાસનો પણ વોટર વેટ ઘટાડવામાં મદદરૂપ બને છે.
આયુર્વેદમાં ઔષધીય તેલથી કરવામાં આવતી માલિશને ‘અભ્યંગ’ કહેવાય છે. તે શરીરને રિલેક્સ કરવાની સાથે લસિકા તંત્ર (Lymphatic System) ને સક્રિય કરી શરીરમાંથી ઝેરી તત્વો (ટોક્સિન્સ) અને વધારાનું પાણી બહાર કાઢવામાં મદદ કરે છે.
જો શરીરમાં લાંબા સમય સુધી સતત સોજા રહેતા હોય, ખાસ કરીને પગની ઘૂંટીઓ અથવા ચહેરા પર સોજો ઓછો ન થતો હોય, તો તેને સામાન્ય ગણીને અવગણશો નહીં. આ સમસ્યા ક્યારેક કિડની, હૃદય કે લિવર સંબંધિત તકલીફોનો સંકેત પણ હોઈ શકે છે. આવી સ્થિતિમાં તાત્કાલિક યોગ્ય તબીબી તપાસ અને સલાહ લેવી જરૂરી છે.