
ટેક્નોલોજી અને સ્માર્ટફોનના વધતા ઉપયોગ સાથે યુવાનોમાં ઓનલાઇન ગેમિંગનો ટ્રેન્ડ ઝડપથી વધતો જોવા મળે છે. ઇન્ટરનેટની સરળ ઉપલબ્ધતા અને મોબાઈલ ગેમ્સની લોકપ્રિયતાના કારણે ઘણા યુવાનો પોતાના ખાલી સમયમાં ઓનલાઇન ગેમ રમવાનું પસંદ કરે છે.
મનોરંજન અને સમય પસાર કરવાની એક સરળ રીત તરીકે ગેમિંગ લોકપ્રિય બન્યું છે. પરંતુ તેના વધતા ઉપયોગ એ કેટલીક ચિંતાઓ પણ ઊભી કરી છે.
નિષ્ણાંતોના જણાવ્યા મુજબ લાંબા સમય સુધી ઓનલાઇન ગેમ રમવાથી યુવાનોના માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય પર અસર પડી શકે છે. સતત સ્ક્રીન સામે સમય પસાર કરવાથી આંખોમાં થાક, ઊંઘમાં ઘટાડો અને શારીરિક થાક જેવી સમસ્યાઓ જોવા મળે છે.
માનસિક રીતે પણ ગેમિંગનો અતિરેક યુવાનોમાં ચીડિયાપણું, ધ્યાનમાં ઘટાડો અને અભ્યાસ પ્રત્યે ઉદાસીનતા જેવી પરિસ્થિતિઓ ઊભી કરી શકે છે. કેટલાક કિસ્સાઓ માં યુવાનો ગેમમાં એટલા વધુ મગ્ન થઈ જાય છે કે તેઓ રોજીંદી જવાબદારીઓ થી પણ દૂર થઈ જાય છે.
આજકાલ અનેક મોબાઈલ અને ઓનલાઇન ગેમ્સ યુવાનો ને આકર્ષિત કરે છે. ગેમ્સમાં મળતા લેવેલ્સ, રિવોર્ડ્સ અને સ્પર્ધાત્મક માહોલ યુવાનોને વારંવાર ગેમ રમવા પ્રેરિત કરે છે. મિત્રો સાથે ઓનલાઇન ગેમ રમવાની સુવિધા પણ આ ટ્રેન્ડને વધુ મજબૂત બનાવે છે.
શિક્ષણવિદોના મતે ગેમિંગનો મર્યાદિત ઉપયોગ મનોરંજન અને માનસિક તાજગી માટે લાભદાયી બની શકે છે, પરંતુ તેનો અતિરેક વિધ્યાર્થીઓના અભ્યાસ અને દૈનિક જીવન પર નકારાત્મક અસર કરી શકે છે.
માનસિક સ્વાથ્ય નિષ્ણાંતોના જણાવ્યા મુજબ યુવાનો માટે ગેમિંગ અને અન્ય પ્રવૃતિઓ વચ્ચે સંતુલન જાળવવું ખૂબ જરૂરી છે. માતા-પિતા અને શિક્ષકોને પણ બાળકોના સ્ક્રીન ટાઇમ પર ધ્યાન રાખવું જોઈએ અને તેમને રમતગમત, વાંચન તથા અન્ય સર્જનાત્મક પ્રવૃતિઓમાં જોડાવા પ્રોત્સાહિત કરવું જોઈએ.
એક રીતે જોવામાં આવે તો ઓનલાઇન ગેમિંગ આધુનિક યુગનું લોકપ્રિય મનોરંજન બની ગયું છે, પરંતુ તેનો અતિરેક ઉપયોગ યુવાનોના સ્વાસ્થ્ય માટે અને અભ્યાસ માટે પડકારરૂપ બની શકે છે. યોગ્ય માર્ગદર્શન અને સંયમથી જ તેનો ઉપયોગ યુવાનો માટે લાભદાયક બની શકે છે.