
પાઈનેપલ જેને ‘અનાનસ’ પણ કહેવામાં આવે છે, તે સ્વાસ્થ્યમાં શ્રેષ્ઠ હોવાની સાથે-સાથે તબિયત માટે પણ કોઈ વરદાનથી ઓછું નથી. તે ખાવામાં ખાટા-મીઠા લાગે છે. સૌથી ખાસ વાત એ છે કે, અનાનસનો છોડ બહુ વધારે લાંબો હોતો નથી. એક છોડમાં ફક્ત એક જ ફળ નીકળે છે પરંતુ તેના ફાયદા અદ્ભુત છે.
ડાયાબિટીસના દર્દીઓ માટે પણ તે ફાયદાકારક છે. તે સુગર લેવલને ખૂબ ઝડપથી વધારતું નથી. પ્રખ્યાત હૃદયરોગ નિષ્ણાતના મતે, અનાનાસમાં રહેલા પોષક તત્વો શરીરને અનેક પ્રકારની બીમારીઓથી બચાવવા અને સ્વાસ્થ્ય સુધારવામાં ખૂબ જ મદદરૂપ થાય છે.
અનાનસ વિટામિન C નો ઉત્તમ સ્ત્રોત છે. વિટામિન C શરીરની રોગ પ્રતિકારક શક્તિને મજબૂત કરે છે. આનાથી શરદી, ઉધરસ અને વાયરલ ઇન્ફેક્શન જેવી સમસ્યાઓથી બચી શકાય છે. તેમાં રહેલા એન્ટી-ઓક્સિડન્ટ્સ કોષો (સેલ્સ) ને નુકસાનથી બચાવે છે.
અનાનાસમાં ‘બ્રોમેલેઈન’ નામનું એક ખાસ ઉત્સેચક (એન્ઝાઈમ) મળી આવે છે. હેલ્થ એક્સપર્ટના જણાવ્યા મુજબ, બ્રોમેલેઈન પ્રોટીનને સરળતાથી તોડવામાં મદદ કરે છે, જેનાથી પાચન તંત્ર સારું રહે છે. પેટમાં ભારેપણું, ગેસ કે કબજિયાત જેવી સમસ્યા હોય, તો તેમના માટે અનાનસ ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે.
અનાનસમાં પોટેશિયમ અને ફાઇબર હોય છે. પોટેશિયમ બ્લડ પ્રેશરને નિયંત્રિત રાખવામાં મદદ કરે છે, જેનાથી હૃદય પરનું દબાણ ઓછું થાય છે. આ ઉપરાંત, તેમાં રહેલું ફાઇબર કોલેસ્ટ્રોલના સ્તરને સંતુલિત રાખવામાં સહાયક છે, જે હૃદયની બીમારીઓનું જોખમ ઘટાડે છે.
અનાનસમાં રહેલા બ્રોમેલેઈન એન્ઝાઈમમાં એન્ટી-ઇન્ફ્લેમેટરી ગુણો હોય છે. તે શરીરની અંદરની સૂજન ઓછી કરવામાં મદદ કરે છે. આર્થરાઈટિસ કે સાંધાના દુખાવાથી પીડાતા લોકો માટે તેનું નિયમિત સેવન રાહત આપી શકે છે.
આમાં મેંગેનીઝ ભરપૂર માત્રામાં મળી આવે છે. મેંગેનીઝ હાડકાંને મજબૂત બનાવવા અને તેમની ઘનતા જાળવી રાખવા માટે અત્યંત જરૂરી ખનિજ છે.