
બાળકોને ગંભીર બીમારીઓ અને ઇન્ફેક્શનથી સુરક્ષિત રાખવા માટે સમયસર રસીકરણ (Vaccination) કરાવવું અનિવાર્ય છે. જોકે, ઘણા વાલીઓ આ મૂંઝવણમાં હોય છે કે સરકારી વેક્સિન સારી કે પ્રાઈવેટ?
નિષ્ણાત ડોક્ટરોનું માનવું છે કે બંને વિકલ્પો સુરક્ષિત અને સમાન રીતે અસરકારક છે, અને તેમની અસરમાં કોઈ મોટો તફાવત હોતો નથી.
વેક્સિન એ એક મેડિકલ પ્રોડક્ટ છે જે શરીરની રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે જેથી તે વાયરસ અને બેક્ટેરિયા સામે લડી શકે. વેક્સિન બાળકોને પોલિયો, ઓરી, હેપેટાઇટિસ અને ડિપ્થેરિયા જેવા જીવલેણ રોગોથી બચાવે છે. નાનાં બાળકોની ઈમ્યુનિટી ઓછી હોવાથી તેમને ચેપ લાગવાનું જોખમ વધુ હોય છે, તેથી રસીકરણ સુરક્ષા કવચ તરીકે કામ કરે છે. સરકારી અને પ્રાઈવેટ રસી વચ્ચેનો મુખ્ય તફાવત તેમની ઉપલબ્ધતા, કિંમત અને કવરેજમાં છે
રાષ્ટ્રીય રસીકરણ કાર્યક્રમ હેઠળ આ રસીઓ સરકારી હોસ્પિટલોમાં મફત ઉપલબ્ધ છે. તેમાં બીસીજી, પોલિયો, હેપેટાઇટિસ બી, પેન્ટાવેલેન્ટ, રોટાવાયરસ અને ઓરી-રૂબેલા જેવી જરૂરી રસીઓનો સમાવેશ થાય છે.
આ રસીઓ ખાનગી ક્લિનિક કે હોસ્પિટલમાં પૈસા આપીને લેવી પડે છે. તેમાં કેટલીક એવી રસીઓનો પણ સમાવેશ થાય છે જે હાલમાં સરકારી યાદીમાં નથી, જે કેટલીક દુર્લભ બીમારીઓ સામે વધારાની સુરક્ષા આપે છે.
એવું માનવું ભૂલભરેલું છે કે પ્રાઈવેટ રસી વધુ સારી હોય છે. પ્રાઈવેટ રસીઓને પણ એ જ કડક પરીક્ષણો અને ધોરણોમાંથી પસાર થવું પડે છે જેમાંથી સરકારી રસીઓ પસાર થાય છે. તેથી, બંને રસીઓ સમાન રીતે સુરક્ષિત છે
રસી અપાવ્યા પછી બાળકને હળવો તાવ અથવા ઈન્જેક્શનની જગ્યાએ દુખાવો થઈ શકે છે. આવી સ્થિતિમાં તે જગ્યાએ બરફનો શેક કરી શકાય અને બાળકને પૂરતું પાણી પીવડાવવું જોઈએ. ડોક્ટરની સલાહ વગર બાળકને કોઈ પણ દવા આપવી નહીં. વાલીઓએ કોઈપણ ભ્રમમાં રહ્યા વગર સમયસર બાળકનું રસીકરણ કરાવવું જોઈએ. જો વધુ મૂંઝવણ હોય, તો બાળરોગ નિષ્ણાત ની સલાહ લેવી હિતાવહ છે.