
મહારાષ્ટ્રના નાંદેડમાં એક અનોખી ઘટના સામે આવી છે. જ્યાં પોસ્ટરો લગાડવામાં આવ્યા છે. જેમાં વ્યાજખોરને પૈસા ચુકવવા માટે કિડની વેચવાની વાત લખવામાં આવી છે. સમગ્ર તપાસમાં જાણવા મળ્યું કે આ પોસ્ટર એક મહિલાએ લગાવ્યું હતું. મહિલાએ લોન ચૂકવવા માટે પોતાની કિડની (Kidney) વેચવાની વિનંતી કરી છે. હાલ આ મામલે પોલીસ તપાસ કરી રહી છે. ત્યારે એવા સવાલો ઉઠી રહ્યા છે કે શું ભારતમાં કિડની વેચવી અને ખરીદી શકાય છે ? આને લઈ શું કાયદો છે ? આ સમગ્ર મામલે અમે એક્સપર્ટ સાથે વાત કરી છે.
એડવોકેટ રજત ગૌતમ Tv9 સાથે વાતચીતમાં જણાવ્યું કે, માનવ અંગ ટ્રાન્સપ્લાન્ટેશન એક્ટ 1994 હેઠળ ભારતમાં કિડની કે પછી કોઈ અંગ ખરીદવું કે વેચવું તેના પર પ્રતિબંધ છે. જો કોઈ વ્યક્તિ આવું કરે છે તો તેને સજા આપવાની જોગવાઈ છે. અંગોનો કારોબાર કરનારને 5 થી 10 વર્ષ સુધીની સજા થઈ શકે છે. એક્ટ 1994 હેઠળ કોઈ પણ વ્યક્તિ પોતાના મૃત્યું પહેલા પોતાની કિડની કે કોઈ પણ પ્રકારનું અંગ દાન કરી શકે છે. ડોનરનું શારિરીક અને માનસિક તંદુરસ્તી ચકાસવાની રહેશે. આ પછી તેના અંગ જરૂરિયાતમંદ દર્દીને દાન કરી શકાય છે.
રજત કહે છે કે, અંગદાન દરમિયાન કોઈ પણ પ્રકારના પૈસાની લેવડદેવડ થવી જોઈએ નહિ. જો કોઈ ડોનરે પૈસા આપીને અંગદાન કર્યું છે કે પછી વ્યક્તિના મૃત્યું બાદ તેના પરિવારજનોએ અંગદાન માટે પૈસા લીધા છે તો આ વસ્તુ ગેરકાનુની છે. જેમાં સજા સિવાય 50 લાખ રુપિયા સુધીનો દંડ પણ લાગી શકે છે.સફદરજંગના ડો દિપક સુમને હેલ્થ રિસોર્સિસ એન્ડ સર્વિસ એડમિનિસ્ટ્રેશનના ડેટા અનુસાર, દેશમાં 2 લાખ દર્દીને કિડનીની જરુર છે પરંતુ માત્ર 7 હજાર ઉપલબ્ધ છે.
ડો સુમન જણાવે છે કે, ભારતમાં કિડની ખરીદવી કે પછી વેચી શકાય નહિ પરંતુ એક વ્યક્તિ ડોનરના રુપમાં પોતાની કિડની દાન કરી શકે છે. NOTTOના નિયમો હેઠળ કિડની દાન કરી શકાય છે. એક વ્યક્તિની કિડનીનું ટ્રાન્સપ્લાટ બીજા દર્દીમાં કરી શકાય છે. વ્યક્તિની બંન્ને કિડની સ્વસ્થ છે તો તે એક કિડની દાન કરી શકે છે. બ્રેન ડેડ વ્યક્તિની કિડની પણ દાન કરી શકાય છે. જેના માટે તેના પરિવારજનોની પરવાનગીની જરુર હોય છે. હોસ્પિટલ NOTTOના નિયમો હેઠળ જરુરિયાતમંદ દર્દીમાં મૃતકના અંગોનું ટ્રાન્સપ્લાંટ કરી શકે છે.