
ભારતની મુખ્ય દવા નિયમનકારી સંસ્થા સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કન્ટ્રોલ ઓર્ગેનાઈઝેશન (CDSCO) દ્વારા દવાઓના સેવનને લઈને એક સર્ક્યુલર આપવામાં આવ્યું છે. તેમાં કોઈપણ સલામતી કે સાવચેતી વિના પેઇનકિલર (NSAIDs) અને એન્ટિબાયોટિક્સના ઉપયોગથી થતા નુકસાન અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. સંસ્થાનું કહેવું છે કે દવાઓનો ખોટો અથવા જરૂર કરતાં વધુ ઉપયોગ ક્રોનિક કિડની ડિસીઝનું જોખમ વધારી શકે છે.
ઘણા લોકો ડૉક્ટર અથવા નિષ્ણાતની સલાહ લીધા વિના મેડિકલ સ્ટોરમાંથી એન્ટિબાયોટિક્સ લઈ લે છે. પોતાની મરજી મુજબ તેને લેવી અને જ્યારે મન થાય ત્યારે બંધ કરી દેવી જેવી ભૂલોને કારણે નાની ઉંમરે પણ કિડનીને નુકસાન થઈ શકે છે. CDSCOએ દવાઓના ખોટા ઉપયોગને લઈને એડવાઈઝરી આપી છે.
આ સર્ક્યુલર મુજબ NSAIDs/પેઇનકિલર અને એન્ટિબાયોટિક્સનો ઉપયોગ ડૉક્ટરની સલાહ વિના સતત, વારંવાર અથવા લાંબા સમય સુધી ન કરવો જોઈએ. ડૉક્ટરે લખી આપેલી એન્ટિબાયોટિક્સ માત્ર સૂચવવામાં આવેલી રીત મુજબ જ લેવી જોઈએ. આ દવાઓ અન્ય વ્યક્તિ સાથે શેર ન કરવી અને અગાઉની બચેલી એન્ટિબાયોટિક્સનો ફરીથી ઉપયોગ કરવો નહીં. ડૉક્ટરની સલાહ વિના આ દવાઓ વારંવાર લેવાથી ગંભીર નુકસાન થઈ શકે છે.
સર્ક્યુલરમાં ડૉક્ટરો અને ક્લિનિક્સ માટે પણ માર્ગદર્શિકા આપવામાં આવી છે. ડૉક્ટરોએ દર્દીને પેઇનકિલર અને એન્ટિબાયોટિક્સ ત્યારે જ લખવી જોઈએ જ્યારે તેની ખરેખર જરૂરિયાત હોય. નવી દવા લખતી વખતે દર્દીની ઉંમર, અગાઉની બીમારીઓનો ઇતિહાસ અને હાલમાં ચાલી રહેલી અન્ય દવાઓને ધ્યાનમાં લેવી જોઈએ. દુખાવાની દવા આપતી વખતે શક્ય હોય ત્યાં સુધી જરૂરી અસર આપતી સૌથી ઓછી અસરકારક માત્રાનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરવો જોઈએ.
દવા વેચતા વેપારીઓ અને કેમિસ્ટ્સ માટે પણ કેટલીક માર્ગદર્શિકાઓ નક્કી કરવામાં આવી છે. તેમને સલાહ આપવામાં આવી છે કે પેઇનકિલર અને એન્ટિબાયોટિક્સ ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના દર્દીને આપવી નહીં. આ દવાઓનું વેચાણ પ્રિસ્ક્રિપ્શન વિના કરવું નિયમવિરુદ્ધ છે. મોટાભાગની પેઇનકિલર શેડ્યૂલ H અને મોટાભાગની એન્ટિબાયોટિક્સ શેડ્યૂલ H1 કેટેગરીમાં આવે છે. દવાના પેકેટ પર લખેલી ચેતવણી જેમ કે ડૉક્ટરની સલાહ વિના દવા લેવી જોખમી છે. તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.
The Central Drugs Standard Control Organisation (CDSCO) has issued an advisory circular addressed to healthcare professionals, pharmacies, retailers, distributors, and hospitals regarding the indiscriminate use of painkillers, specifically Non-Steroidal Anti-Inflammatory Drugs… pic.twitter.com/aXQIO1NTbW
— ANI (@ANI) September 22, 2026
ડૉક્ટરો અને નિષ્ણાતોનું કહેવું છે કે આજના સમયમાં ઘણા લોકો પોતાની રીતે જ સારવાર શરૂ કરી દે છે. આના કારણે કિડની પર વધારાનો બોજ પડી શકે છે અને સમય જતાં ક્રોનિક કિડની ડિસીઝનું જોખમ ઊભું થઈ શકે છે. જો સમયસર આ બાબતોમાં સુધારો કરવામાં ન આવે, તો આગળ જતાં કિડનીને નુકસાન થવાનું અથવા કિડની ફેલ્યોરનું જોખમ વધી શકે છે.
Published On - 8:09 am, Wed, 23 September 26