
World Lion Day 2026 : ગુજરાતમાં સિંહ સંરક્ષણ સાથે હવે માનવ-સિંહ સંઘર્ષ ઘટાડવા માટે પણ મહત્વપૂર્ણ પગલું લેવામાં આવ્યું છે. માનવ પર હુમલા જેવી ઘટનાઓમાં સંડોવાયેલા સિંહોને અન્ય સિંહોથી અલગ રાખવા માટે અમરેલી જિલ્લાના ધારી નજીક આવેલા આંબરડી સફારી પાર્કમાં 100 હેક્ટર વિસ્તારમાં વિશેષ સીમિત ક્ષેત્ર વિકસાવવામાં આવશે.
વન વિભાગ દ્વારા આ વિસ્તારને ફેન્સિંગથી સુરક્ષિત કરીને સિંહોને તેમની જરૂરિયાત મુજબના કુદરતી વાતાવરણમાં રાખવાની યોજના તૈયાર કરવામાં આવી છે. આ કામગીરી માટે જરૂરી સૂચનાઓ આપી દેવામાં આવી છે અને પ્રાથમિક કામગીરી પણ શરૂ કરવામાં આવી હોવાનું વન વિભાગે જણાવ્યું છે.
અગ્રમુખ્ય વન સંરક્ષક અને હેડ ઓફ ધી ફોરેસ્ટ ફોર્સ ડૉ. જયપાલ સિંઘ, IFSના જણાવ્યા મુજબ, માનવ હુમલામાં સંડોવાયેલા સિંહોને સામાન્ય સિંહોના રહેઠાણથી અલગ રાખવા માટે આંબરડી સફારી પાર્કમાં ફેન્સિંગ સાથે વિશેષ વિસ્તાર તૈયાર કરવામાં આવશે.
આ વ્યવસ્થાનો મુખ્ય ઉદ્દેશ્ય આવા સિંહોને સુરક્ષિત અને નિયંત્રિત વાતાવરણ પૂરું પાડવાનો તેમજ ભવિષ્યમાં માનવ-સિંહ સંઘર્ષની સંભાવના ઘટાડવાનો છે.
વન વિભાગ દ્વારા સમયાંતરે વિવિધ કારણોસર વન્યજીવોનું વૈજ્ઞાનિક રીતે સ્થળાંતર કરવામાં આવે છે. માનવ વસાહતોમાં પ્રવેશેલા વન્યજીવોને સુરક્ષિત રીતે પકડીને યોગ્ય જંગલ કે રહેઠાણમાં છોડવા ઉપરાંત ઘાયલ અથવા બીમાર પ્રાણીઓની સારવાર, વસ્તી વ્યવસ્થાપન અને યોગ્ય હેબિટેટ ઉપલબ્ધ કરાવવા માટે પણ આવી કામગીરી કરવામાં આવે છે.
સિંહ અને દીપડા જેવા પ્રાણીઓ ખેતરો કે રહેણાંક વિસ્તારોમાં જોવા મળે ત્યારે તેમને પકડીને યોગ્ય સુરક્ષિત વિસ્તારમાં ખસેડવામાં આવે છે. જ્યારે માનવ વસાહતની નજીક આવેલા મગરોને પણ જરૂરી પ્રક્રિયા બાદ સુરક્ષિત જળાશયોમાં ખસેડવામાં આવે છે.
વન વિભાગના મતે, આવી કામગીરીનો હેતુ એક તરફ વન્યજીવોની સુરક્ષા જાળવવાનો અને બીજી તરફ માનવ-વન્યજીવ સંઘર્ષ ઘટાડવાનો છે.
અમરેલી જિલ્લાના ધારી નજીક આવેલું આંબરડી સફારી પાર્ક ગીરના વન્યજીવનનો અનુભવ કરાવતા મહત્વપૂર્ણ પ્રવાસન સ્થળોમાં સામેલ છે. આશરે 365 હેક્ટર વિસ્તારમાં ફેલાયેલા આ પાર્કમાં એશિયાટિક સિંહ ઉપરાંત દીપડા, ચિતલ, નીલગાય, ચિંકારા, મોર સહિત વિવિધ વન્યજીવો અને પક્ષીઓ જોવા મળે છે.
વર્ષ 2017માં શરૂ થયેલા આ પાર્કનો વિકાસ વન્યજીવ સંરક્ષણ અને પ્રકૃતિ પ્રત્યે લોકોમાં જાગૃતિ વધારવાના હેતુથી કરવામાં આવ્યો છે. ગીરના કુદરતી વાતાવરણ વચ્ચે સફારીનો અનુભવ મેળવવાની તકને કારણે આંબરડીમાં દર વર્ષે મોટી સંખ્યામાં પ્રવાસીઓ પહોંચે છે.
આ સફારી પાર્ક માત્ર વન્યજીવ પ્રવાસન પૂરતું મર્યાદિત નથી. સ્થાનિક સ્તરે રોજગારીની તકો ઊભી કરવામાં તેમજ અમરેલી જિલ્લામાં ઇકો-ટૂરિઝમને પ્રોત્સાહન આપવામાં પણ તેની મહત્વની ભૂમિકા છે.
દર વર્ષે 10 ઓગસ્ટે વિશ્વ સિંહ દિવસ (World Lion Day) મનાવવામાં આવે છે. સિંહોના સંરક્ષણ, તેમના કુદરતી રહેઠાણની જાળવણી અને સિંહો અંગે લોકોમાં જાગૃતિ વધારવાના હેતુથી આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ગુજરાત એશિયાટિક સિંહનું એકમાત્ર કુદરતી ઘર હોવાથી રાજ્યમાં સિંહ સંરક્ષણનું વિશેષ મહત્વ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર દ્વારા સિંહોના સંરક્ષણ અને સંવર્ધન માટે વિવિધ યોજનાઓ અને પ્રોજેક્ટ્સના અમલીકરણ પર ભાર મૂકવામાં આવી રહ્યો છે.
આંબરડી સફારી પાર્કમાં માનવ હુમલામાં સંડોવાયેલા સિંહો માટે 100 હેક્ટરનું વિશેષ સીમિત ક્ષેત્ર બનાવવાનો નિર્ણય પણ સિંહ સંરક્ષણ સાથે માનવ-વન્યજીવ સંઘર્ષ ઘટાડવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.