Cyclone Biparjoy : હવામાન વિભાગ (Meteorological Department) દ્વારા રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી ત્રણ કલાકને લઈને આ આગાહી કરવામાં આવી છે. નાવ કાસ્ટ જાહેર કરીને હવામાન વિભાગે 3 કલાક માટે ધોધમાર વરસાદ ખાબકવાની શક્યતા વ્યક્ત કરી છે. સાથે જ ઠંડર સ્ટ્રોમ એક્ટિવિટી (Thunderstorm activity) સાથે અને 60 કિમીની ઝડપે ભારે પવન ફુંકાવાની સંભાવના છે. સાથે જ કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, રાજકોટ અને પોરબંદરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
થન્ડરસ્ટોર્મ એક્ટિવિટી સાથે 40 કિલોમીટર પવનની ગતિ સાથે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને દીવમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે અરવલ્લી, દાહોદ, વડોદરા, ભરૂચ, સુરત, નર્મદા, મહીસાગર, પંચમહાલ, નવસારી, વલસાડ, તાપી, ડાંગ, દાદરા નગર હવેલીમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.
બિપરજોય વાવાઝોડું સૌરાષ્ટ્ર, કચ્છમાંથી પસાર થઈ ગયું છે. ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓમાં વાવાઝોડાની અસર હેઠળ કેટલાક સ્થળે વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્રના જામનગર, પોરબંદર, જૂનાગઢ અને ગીર-સોમનાથ જિલ્લામાં કેટલાક સ્થળે વરસાદ પડવાની શક્યતા છે. આ ઉપરાંત આણંદ, ખેડા, ગાંધીનગર, અરવલ્લી અને અમદાવાદમાં પણ કેટલાક સ્થળોએ ભારે વરસાદ પડવાની સંભાવના છે.રાજસ્થાનના દક્ષિણ ભાગમાં પણ અતિ ભારે વરસાદની હવામાન વિભાગે આશંકા વ્યક્ત કરી છે.
રાજકોટમાં આજે સવારે 7થી 8 વાગ્યામાં એક કલાકમાં જ 2 ઈંચ વરસાદ ખાબક્યો હતો. જેના પગલે નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા તો ઉપલેટામાં પણ ધોધમાર વરસાદ પડ્યો હતો. ઉપલેટામાં ગત રાતથી અત્યાર સુધીમાં 6 ઈંચ વરસાદ નોંધાયો છે.
રાજકોટમાં સવારથી જ ભારે પવન સાથે ભારે વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે શહેરના અલગ અલગ નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. શહેરના લુલુડી વોકળી, સિંદૂરીયા ખાણ પાસેની ઝૂપડપટ્ટી વિસ્તારમાં પાણી ભરાયા છે. લોકોના ઘરોમાં પાણી ભરાતા ભક્તિનગર પોલીસની ટીમે લોકોને સલામત સ્થળે ખસેડવા કામગીરી હાથ ધરી હતી. આ ઉપરાંત લોકોને રહેવા જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.
બિપરજોય વાવાઝોડાના તાજા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 3:17 pm, Fri, 16 June 23