
ગુજરાત રાજ્યમાં આગામી 4 દિવસ દરમિયાન હવામાનમાં મોટો ફેરફાર જોવા મળશે. હવામાન વિભાગે 27 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર સુધી વરસાદની આગાહી જાહેર કરી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં 27 અને 28 ઓક્ટોબર દરમિયાન છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે.
અરબસાગરમાં ડિપ્રેશન બનતા હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. આજથી સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઓરેન્જ અલર્ટ સાથે ભારે વરસાદની આગાહી છે. તો રાજ્યના અન્ય ભાગોમાં આજે ઓરેન્જ અલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરી છે.આગામી પાંચ દિવસ સૌરાષ્ટ્ર કચ્છમાં જયારે અન્ય ભાગોમાં ચાર દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં LC3 સિગ્નલ જાહેર કરવામાં આવ્યું છે.
હવામાન વિભાગના અનુમાન મુજબ, 27 ઓક્ટોબરે બોટાદ, અમરેલી, ભાવનગર, પોરબંદર, જુનાગઢ, રાજકોટ, સુરેન્દ્રનગર, ગીર સોમનાથ, અમદાવાદ, ખેડા, આણંદ, અરવલ્લી, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દીવ, દમણ તથા દાદરા અને નગર હવેલીમાં ભારે વરસાદ પડી શકે છે. આ જિલ્લાઓમાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ પડવાની શક્યતા દર્શાવવામાં આવી છે. તેમજ આખા દિવસ દરમિયાન ભારે પવન સાથે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે.
28 ઓક્ટોબરે ખાસ કરીને પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દીવ, દમણ અને દાદરા-નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગે લોકોને સાવચેત રહેવા તથા નીચાણવાળા વિસ્તારોમાં પૂર જેવા સંજોગો માટે તૈયારી રાખવાની સલાહ આપી છે. તેમજ અમદાવાદ, ખેડા, આણંદ જેવા વિસ્તારોમાં ભારે પવન સાથે છૂટો છવાયો વરસાદ વરસી શકે છે.
29 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર સુધી સમગ્ર ગુજરાતમાં અમુક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે. આ સમય દરમિયાન તાપમાનમાં પણ થોડો ઘટાડો નોંધાઈ શકે છે અને ભેજમાં વધારો થવાની શક્યતા છે. હવામાન વિભાગે ખેડૂતોને પાકની કાપણી અને અનાજના સંગ્રહમાં સાવધાની રાખવા જણાવ્યું છે. સાથે જ સામાન્ય નાગરિકોને જરૂરી મુસાફરી દરમિયાન હવામાનની સ્થિતિને ધ્યાનમાં રાખી આયોજન કરવાની વિનંતી કરવામાં આવી છે.
Published On - 9:05 am, Mon, 27 October 25