
વડોદરાવાસીઓને આ વર્ષે પણ ખાડામાંથી મુક્તિ મળે તેવા કોઈ અણસાર લાગતા નથી. વિકાસના નામે શહેરમાં 80 જગ્યાએ થયેલા ખોદકામથી શહેરીજનો ત્રસ્ત છે. મકારેલીબાગ, માંજલપુર, ભાયલી, ગોત્રી, છાણી, મુક્તાનંદ સહિતનાં વિસ્તારોમાં હાલ મેઈન રોડ પર ખાડાઓ જ ખાડાઓ છે.
ક્યાંક બ્રિજ માટે તો ક્યાંક ડ્રેનેજલાઇન નાંખવા, તો ક્યાંક પાણીની લાઇન માટે મસમોટા ખાડા ખોદેલા છે. બીજી તરફ મનપા દ્વારા 31 મે પહેલા પ્રી-મોન્સૂન કામગીરીમાં આ કામો પૂર્ણ કરવાની વાત કરાઈ રહી છે. નાગરિકોનું માનવું છે કે, આ કામ 31 મે પહેલા પૂર્ણ કરવા અશક્ય છે. જો કામ ઝડપથી કરવામાં આવશે, તો કામમાં ગુણવત્તા નહીં જળવાય.
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અધિકારીઓની કમી છે. સિટી ઈજનેર અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર જેવા જવાબદાર પદ ખાલી પડ્યા છે, જેથી કામોની ગુણવત્તા તો દૂર પરંતુ પ્રોજેક્ટ્સ પુરા થવામાં પણ વિલંબ થઇ રહ્યો છે. એવામાં વિપક્ષનો આરોપ છે કે, મનપાના અણઘડ વહીવટનાં પાપે વડોદરાવાસીઓને વરસાદમાં વેદનાઓ ભોગવવા તૈયાર રહેવું પડશે.
દર વર્ષે 31 મે પહેલા વિકાસના તમામ કામો પુરા કરી લેવાનો રાજ્ય સરકારનો પરિપત્ર છે. ’31 મે’ ને એક અઠવાડિયા કરતાં પણ ઓછો સમય બચ્યો છે. તેવામાં ખાડાઓને લઇને VMCએ પણ પોતાનાં હાથ અધ્ધર કરી લીધા હોય તેવો ઘાટ છે. VMCના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે પણ સ્વીકારી લીધું છે કે, વરસાદ પહેલા કેટલાક પ્રોજેક્ટ પૂરા કરવા શક્ય નથી. આથી વરસાદમાં આ ખાડાઓની આસપાસ કોર્ડન કરી અકસ્માતોને ટાળવાનો પ્રયત્ન કરવામાં આવશે.
ચોમાસામાં ઠેર ઠેર ખોદેલા ખાડાઓ શહેરીજનો માટે મહા મુસીબત બનશે તેમાં કોઈ નવાઈ નથી. એવામાં જોવાનું એ રહ્યું કે, મનપાના દ્વારા 31 મે સુધી કામ પૂર્ણ કરવાના દાવા સાચા સાબિત થાય છે કે, પછી ફરી એકવાર વડોદરાવાસીઓને ખાડાઓની યાતના સહન કરવાનો વારો આવે છે.
Published On - 8:12 pm, Wed, 27 May 26