Valsad : વંદે ભારત ટ્રેન છઠ્ઠી વાર દુર્ઘટનાગ્રસ્ત, પ્લેન જેવી સુવિધા પરંતુ સુરક્ષા સામે સવાલ ?

|

Dec 02, 2022 | 10:17 AM

વંદે ભારત ટ્રેનની શરૂઆત 30  સપ્ટેમ્બરના રોજ કરવામાં આવી હતી, ત્યારથી માંડીને અત્યાર સુધીમાં વંદે ભારત એક્સપ્રેસ છઠ્ઠી વખત દુર્ઘટનાગ્રસ્ત થઈ છે અને મોટા ભાગે આ ટ્રેનની સામે પશુના અથડાવાને કારણે જ અકસ્માત થયા છે. 

Valsad : વંદે ભારત ટ્રેન છઠ્ઠી વાર દુર્ઘટનાગ્રસ્ત, પ્લેન જેવી સુવિધા પરંતુ સુરક્ષા સામે સવાલ ?
વંદે ભારત એક્સપ્રેસને છઠ્ઠી વાર નડ્યો અકસ્માત

Follow us on

ફરીથી એક વાર  વંદે ભારત ટ્રેન સાથે પશુ અથડાવાથી ઘટના બની હતી.  વલસાડ નજીક ગત સાંજના સમયે સંજાણ -ઉદવાડા રેલ્વે સ્ટેશન પાસે વંદે ભારત ટ્રેનની અડફેટે ગાય આવી ગઈ હતી. જેના લીધે  ટ્રેનને અટકાવવામાં આવી હતી ત્યાર બાદ  20 મિનિટ પછી  ટ્રેનનું જરૂરી સમારકામ કરીને તેને આગળના સ્ટેશન માટે રવાના  કરવામાં આવી હતી. ગાય અથડાવવાને કારણે વંદે ભારત ટ્રેનને વધારે નુકસાન નહોતું થયું તેથી સામાન્ય મરામત કરીને વંદે ભારત એક્સપ્રેસને રવાના કરવામાં આવી હતી. અકસ્માતને કારણે ફરીથી આ ટ્રેન ચર્ચામાં આવી હતી તેમજ મુસાફરીમાં વિલંબ થવાથી મુસાફરો પણ  પોતાના ગંતવ્ય સ્થાને પહોંચવામાં નિયત સ્થાને અટવાઈ ગયા હતા. ટ્રેન સાથે ગાય-ભેંસ અથડાવાની ઘટના અટકવાનું નામ નથી લઈ રહી અને તેને  કારણે આ સુવિધાસભર ટ્રેન ચર્ચામાં રહે છે.

વંદે ભારત ટ્રેન શરૂ થયા બાદ  સતત થઈ રહ્યા છે અકસ્માત

વંદે ભારત ટ્રેનની શરૂઆત   30  સપ્ટેમ્બરના રોજ કરવામાં આવી હતી ત્યારથી માંડીને અત્યાર સુધીમાં  વંદે ભારત એક્સપ્રેસ   છઠ્ઠી વખત દુર્ઘટનાગ્રસ્ત થઈ છે અને મોટા ભાગે આ ટ્રેનની સામે પશુના અથડાવાને કારણે જ અકસ્માત થયા છે.    મહત્વનું છે કે વંદે ભારત ટ્રેનની અવારનવાર દુર્ઘટનાનો ભોગ બનતા આ સ્વદેશી ટ્રેનની છબી ખરડાઈ છે. વંદે ભારત ટ્રેનની શરૂઆત 30 સપ્ટેમ્બરે થયા બાદ   પ્રારંભના માત્ર 9 દિવસમાં ત્રણ અકસ્માત સર્જાયા હતા. ત્યારબાદ અકસ્માતનો  સિલસિલો યથાવત જ રહ્યો છે.  આ  ટ્રેનનો અકસ્માત સૌથી વધુ પશુઓ સાથે થયો હતો. જેના પગલે   પશુ માલિકો સામે ફરિયાદ નોંધાઈ હતી. તેમજ રેલવે પ્રશાસને પણ ટ્રેનનો અકસ્માત રોકવા કાર્યવાહીની વાત પણ કરી હતી,  પરંતુ જમીની હકીકત પર કોઈ કાર્યવાહી ન થતા સ્વદેશી વંદે ભારત ટ્રેનની આબરૂનું વધુ એકવાર ધોવાણ થયું હતું.

અત્યાર સુધીમાં 6 વાર  વંદે ભારત ટ્રેનને નડ્યો અકસ્માત

 

  1. 6 ઓક્ટોબર- 6 ઓક્ટોબરના રોજ ગાંધીનગરથી રવાના થયેલી વંદે ભારત એક્સપ્રેસને અમદાવાદ નજીકના મણિનગરથી વટવા જતા રેલ્વે સ્ટેશન પાસે અકસ્માત  નડ્યો હતો.
  2. 7 ઓક્ટોબર-7 ઓક્ટોબરના  રોજ આણંદ સ્ટેશન ખાતે ગાય સાથે અથડાઇ હતી. સાવચેતીના ભાગ રૂપે એન્જિન ડ્રાઇવરે સ્પીડ કંટ્રોલમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. પણ ગાય ખૂબ નજીક હોવાથી ટ્રેન સાથે ટક્કર થઈ ગઈ હતી.
  3. 8 ઓક્ટોબર-આણંદ અને બોરીયાવી કણજરી વચ્ચે ટ્રેક પર ગાય આવી જતા અકસ્માત સર્જાયો.
  4. 29 ઓક્ટોબર- વલસાડ પાસે ટ્રેનને નડ્યો  હતો અકસ્માત
  5. 8 નવેમ્બર- આણંદમાં વંદે ભારત ટ્રેને એક મહિલાને અડફેટે લેતા મહિલાનું મોત નિપજ્યું હતું. આણંદના ભાલેજ ઓવરબ્રિજ પાસે આ ઘટના બની હતી.
  6. 1 ડિસેમ્બર- વલસાડના સંજાણ અને ઉદવાડા પાસે થયો અકસ્માત

વારંવાર થઈ રહેલા અકસ્માતને પગલે હવે વંદે ભારત ટ્રેન સામે  તેમજ સુરક્ષા સામે  લોકો સવાલ ઉઠાવી રહ્યા છે  તો સામે પક્ષે  રેલ્વે દ્વારા ટ્રેનના ટ્રેકની આસપાસ સુરક્ષાની વાડ બનાવાવમાં આવે તેવી પણ માંગણી થઈ રહી છે.

Published On - 8:14 am, Fri, 2 December 22

Next Article