વલસાડ (Valsad) જિલ્લાના વાપી માં રહેતા અને કારના શોરૂમ (car showroom) માં બ્રાન્ચ મેનેજર (manager) લેવલના એક શિક્ષિત વ્યક્તિએ ભગત ભુવા અને તાંત્રિક (Tantrik) ના ચક્કરમાં અંધવિશ્વાસથી પ્રેરાઇ અને તાંત્રિક પર વિશ્વાસ કરવો ભારે પડ્યો છે. કોરોના કાળમાં પરિવારમાં થયેલા માતા-પિતાના મોત કોઈ રોગને કારણે નહિ પરંતુ ઘરમાં પનોતી અને ભૂત પ્રેતના વાસના કારણે જ થયું હોય તેવું એક તાંત્રિકે સમજાવી દીધા બાદ તાંત્રિક વિધિના બહાને લાખો રૂપિયાની રોકડ રકમ અને સોનાના દાગીના મળી અંદાજે સાડા એકવીસ લાખથી વધારે ગુમાવવાનો વારો આવ્યો હતો.
જો કે ભોગ બનેલાએ વહેલી તકે પોલીસનો સંપર્ક કરતાં વલસાડ જિલ્લા એલસીબીએ લોકોને ઘરમાં ભૂત પ્રેત અને ડાકણના વાસવા નો દર બતાવીએ ને વિધિના બહાને લાખો રૃપિયા ઉસેટતી એક કથિત તાંત્રિકની ધરપકડ કરી સળિયા પાછળ ધકેલી દીધો છે.
વલસાડ જિલ્લાના વાપી પોલીસ સ્ટેશન બહાર પોતાની ફરિયાદ લઇને આવેલા નિલેશ પટેલ બલીઠાના આસ્થા આવાસ ત્રિવેણી સોસાયટીમાં રહે છે અને કારના શોરૂમમાં બ્રાન્ચ મેનેજર તરીકે ફરજ બજાવતા નિલેશ ના પરિવારમાં કોરોના સમયે પ્રથમ તેમના પિતાનું મોત થયું હતું. અને ત્યારબાદ તેમના માતાનું પણ મોત નીપજ્યું હતું. પરિવારમાં થોડાક સમયમાં જ એક સાથે બે મોત થતાં પરિવારજનો આઘાતમાં હતા.
એવા સમયે નિલેશ હજૂરનાથ દાડમનાથ નામના મહારાજના સંપર્કમાં આવ્યા હતા. આ મહારાજે નિલેશ ભાઈને તેમના માતા પિતાનું મોત કોઈ રોગને કારણે નહીં. પરંતુ તેમના ઘરમાં ભૂત પ્રેત અને અન્ય મેલી વિદ્યાનો વાસ હોવાનો ડર બતાવ્યો હતો. બાબાએ નીલેશને જણાવ્યું હતું કે તારા પિતા જીવિત હતા એ વખતે પણ તેઓએ તેમને ઘરમાં પ્રેતનો વાસ હોવાનું જણાવ્યું હતું અને વિધિ કરવા કહ્યું હતું,પરંતુ તેઓએ ન માનતા ભૂત પ્રેતે બંનેનો ભોગ લીધો હતો, તેવો ડર બતાવ્યો હતો. તેમના પિતાની જેમ હવે તેઓ પણ જો વિધિ નહીં કરાવે તો ઘરમાં વધુ એક સભ્યનું મોત થશે અને હવે પરિવારમાં પુત્રનું પણ ટૂંક સમયમાં મોત થશે તેવો ડર બતાવ્યો હતો. જો ઘરમાં આવનાર આફતને રોકવી હોય તો હવે તાંત્રિક વિધિ કરાવવી જ પડશે, આવો ઉપાય બતાવ્યો હતો. આથી થોડાક સમયમાં જ માતા પિતાને ગુમાવનાર નીલેશે હવે પરિવારના કોઈ અન્ય સભ્યનું મોત ન થાય તેવું ઇચ્છતા હતા. આથી આ ભગત ભુવા અને તાંત્રિકની વાતોમાં આવી અને વિધિ કરવા તૈયારી દર્શાવી હતી.
હજૂરનાથ ઉર્ફે કમલગીરી દાડમનાથ મદારી મહારાજ નિલેશના ઘરે આવ્યા હતા અને વિધિના બહાને નિલેશ પાસેથી રોકડ સાડા 14 લાખ અને 16 તોલા સોનાના દાગીના એક પેટીમાં મૂકી અને દીવા ધૂપ કર્યું હતું. ત્યાર બાદ પરિવારજનોને જણાવ્યું હતું કે. જો આ પેટી તેમને પૂછ્યા વિના ખોલશે તો. દાગીના રાખ થઈ જશે અને તમામ દોલત ગુમાવવી પડશે તેવો પણ ડર બતાવ્યો હતો. આથી પરિવારજનો થોડા દિવસ દાગીનાની પેટી ખોલી ન હતી, પરંતુ ત્યારબાદ પરિવારના સભ્યોને આ શંકા જતા. તેઓએ પેટી ખોલતા અંદરથી દાગીના અને રોકડ રકમ ગાયબ હતી. આથી પોતે છેતરાયા હોવાનો અહેસાસ થતાં તેઓએ તાત્કાલિક વાપી ટાઉન પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો.
વાપી ટાઉન પોલીસ અને વલસાડ જિલ્લા એલસીબી પોલીસ આ ઠગ તાંત્રિકને ઝડપવા તમામ દિશામાં તપાસ તેજ કરી હતી અને ગણતરીના દિવસોમાંજ વલસાડ જિલ્લા એલસીબી પોલીસને સફળતા મળી.લોકોના ઘરમાં ભૂત પ્રેત ની હાજરી હોવાનો ડર બતાવી અને તાંત્રિક વિધિના બહાને લાખો રૂપિયા પડાવતી કથિતતાંત્રિક ગેંગના હજૂરનાથ ઉર્ફે દાડમનાથ મદારી મહારાજ નામના આરોપીની ધરપકડ કરી સળિયા પાછળ ધકેલી દીધો હતો.
આજના આધુનિક યુગમાં પણ લોકોને ડર અને ભય બતાવી આવા ઠગ સાધુઓ લોકો ને છેતરવામાં સફળ થાય છે.આ કિસ્સા માં પણ કોરોના ની બીજી લહેરમાં પોતાના માતા પિતાને ખોઈ બેસનાર નિલેશના ડર અને પરિવાર પ્રત્યેયની ચિંતાનો ગેરલાભ ઉઠાવી આ ઠગબાઝ લાખો રૂપિયા વિધિના બહાને ચાઉં કરી ગયો છે. ત્યારે પકડાયેલ આરોપીની આગવી ઢબે પુછપરછ શરૂ કરાઈ છે. પોલીસને આગામી તપાસમાં આ તાંત્રિક ગેંગે બીજા કોઈ લોકોને છેતર્યા છે કે કેમ તેની પણ જાણકારી મળશે.