વલસાડના ધરમપુર તાલુકાના તીસ્કરી ( ગામ- તલાટ) ખાતે સોમેશ્વર મહાદેવના મંદિર ખાતે 31 લાખ રુદ્રાક્ષમાંથી સવા 31 ફુટનું વિરાટ શિવલિંગ બનાવીને લોક દર્શાનાર્થે મુકવામાં આવ્યું છે. ઉપરાંત શિવરાત્રી નિમીતે શિવકથાનું આયોજન કરાયું છે. સવા 31 ફુટના વિરાટ રુદ્રાક્ષ-શિવલિંગને લિમ્કા બુક ઓફ રેકૉર્ડ્સથી સન્માનિત કરવામાં આવ્યું છે. શિવ-કથાકાર બટુક વ્યાસ દ્વારા શિવકથાનું આયોજન કરાયું છે. આ પ્રસંગે નાણાં અને ઊર્જા મંત્રી કનુ દેસાઈ અને ધારાસભ્ય અરવિંદ પટેલ સહિતના મહાનુભાવોની ઉપસ્થિત રહ્યાં હતા.
આ પણ વાંચો : વલસાડ : નંદાવલા નજીક ટેમ્પો અને રોડ પર ઉભેલા કન્ટેનર સાથે અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો, ઘટના સ્થળ પર 1નું મોત
શિવરાત્રી મહોત્સવ દિવ્ય અને ભવ્ય રીતે ઉજવવામાં આવે છે. તે દર વર્ષે જુદા જુદા જિલ્લા અને રાજ્યમાં રુદ્રાક્ષ શિવલિંગના સાનિધ્યમાં શિવરાત્રી મહોત્સવ ઉજવાય છે. આ વર્ષે આ શિવરાત્રી મહોત્સવ ધરમપુર તાલુકાના તીસ્કરી ખાતે સોમેશ્વર મહાદેવના સાનિધ્યમાં ઉજવવાનું નક્કી કરાયું છે. જેમાં ૩૧ લાખ રુદ્રાક્ષ દ્વારા બનાવવામાં આવેલ સવા 31 ફૂટ ઉંચા રુદ્રાક્ષ શિવલિંગના દર્શન કરવા માટે અને અભિષેક કરવા માટે ભક્તો દુર દુરથી આવે છે.
આ શિવરાત્રી મહોત્સવમાં 12 ફેબ્રુઆરીથી 18 ફેબ્રુઆરી સુધી શિવકથા, 11 કુંડી હોમાત્મક મહારુદ્ર યજ્ઞ, તેમજ 15 ગરીબ દિકરીઓનું કન્યાદાન, વિશાળ રક્તદાન કેમ્પ તથા દરરોજ રાત્રે ભોજનનો મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે.
આ અવસરે ભાગવતાચાર્ય પંકજ વ્યાસે જણાવ્યું કે પ્રત્યેક રુદ્રાક્ષ સ્વયં શિવ છે. 31 લાખ રુદ્રાક્ષ પર એક વાર અભિષેક કરવામાં આવે એટલે 31 લાખ શિવલિંગાર્ચન થાય. આમ લાખો શિવલિંગજીનો અભિષેક મહાશિવરાત્રીનાં પવિત્રકાળમાં કરવાનો પવિત્ર અવસર આપણાં વિસ્તારને પ્રાપ્ત થશે. આખા વર્ષની શ્રેષ્ઠ રાત્રિ એટલે મહાશિવરાત્રી છે એ અવસરે આ ભવ્ય અને દિવ્ય રુદ્રાક્ષ શિવલિંગના દર્શન અને અભિષેકનો અનેક ભાવિક ભક્તો લાભ લેશે.
Published On - 1:32 pm, Thu, 16 February 23