સાહેબની ગાડીમાં પેટ્રોલ ખતમ થઈ ગયું..! વલસાડમાં તલાટી ‘પેટ્રોલ નથી’નું બહાનું બતાવી નોકરી પર હાજર રહ્યા નહીં, જુઓ Video

વલસાડના નાના પોંઢા તાલુકામાં તલાટી સંજય ભોયા પોતાની ગાડીમાં પેટ્રોલ ન હોવાનું બહાનું કાઢી ફરજ પર હાજર ન રહેતા ગ્રામજનો કાળઝાળ ગરમીમાં ત્રણ-ચાર કલાક રાહ જોતા રહ્યા.

સાહેબની ગાડીમાં પેટ્રોલ ખતમ થઈ ગયું..! વલસાડમાં તલાટી ‘પેટ્રોલ નથી’નું બહાનું બતાવી નોકરી પર હાજર રહ્યા નહીં, જુઓ Video
| Updated on: May 17, 2026 | 5:36 PM

વલસાડમાં સરકારી કર્મચારીઓની બહાનાબાજી અને બેદરકારીનો એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં અરજદારોને ભારે હાલાકી વેઠવી પડી છે. સામાન્ય રીતે સરકારી કર્મચારીઓ પ્રજાના સેવક ગણાય છે, પરંતુ જ્યારે તેઓ પોતાની જવાબદારીઓમાંથી હાથ અધ્ધર કરી લે ત્યારે અનેક સવાલો ઊભા થાય છે. આવો જ એક બનાવ વલસાડ જિલ્લાના નાના પોંઢા તાલુકામાંથી સામે આવ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, નાના પોંઢા તાલુકાના વાજવડ અને ધોધડ કુવા ગામના તલાટીકમ મંત્રી સંજય ભોયાનો એક ઓડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ ઓડિયોમાં તલાટી સંજય ભોયા દાવો કરી રહ્યા છે કે તેમની ગાડીમાં પેટ્રોલ ન હોવાને કારણે તેઓ ડ્યુટી પર હાજર રહી શકશે નહીં. બીજી તરફ, સ્થાનિક ગ્રામજનો કાળઝાળ ગરમીમાં ત્રણથી ચાર કલાકથી તલાટીની રાહ જોઈ રહ્યા હતા. તલાટીની આ બહાનાબાજીનો ઓડિયો વાયરલ થતા સરકારી કર્મચારીઓની કામગીરી અને જવાબદારી પર ગંભીર સવાલો ઊભા થયા છે.

ગ્રામજનોનો આરોપ છે કે તેઓ પોતાના દૈનિક કામકાજ પડતા મૂકીને પંચાયત કચેરીએ સરકારી કામ માટે લાઈનમાં ઊભા હતા. પરંતુ તલાટીની બેદરકારીને કારણે તેમને ખાલી હાથે પાછા ફરવું પડ્યું. એક ગ્રામજને જણાવ્યું કે, “અમે સવારે દસ વાગ્યાથી લઈને બાર વાગ્યા સુધી રાહ જોઈ. તડકામાં બેઠા રહ્યા, પરંતુ તલાટી આવ્યા નહીં.”

આ મામલે જ્યારે એક તાલુકા પંચાયત સભ્ય (જેમને વિપક્ષ નેતા પણ કહેવાયા છે) દ્વારા તલાટી સંજય ભોયાને ફોન કરવામાં આવ્યો, ત્યારે તલાટીએ ટ્રાન્સપોર્ટેશન ન મળતું હોવાનું જણાવી ફરજ પર ન આવવાનું નિવેદન આપ્યું. તલાટીએ કથિત રીતે અયોગ્ય વર્તન કરીને જણાવ્યું કે, “બેન, મારી પાસે પેટ્રોલ નથી તો શું હું ચાલતો આવીશ?” જો એક તાલુકા પંચાયત સભ્ય સાથે જ આ પ્રકારે ગેરવર્તન થતું હોય, તો સામાન્ય અરજદારોના પ્રશ્નોનું નિરાકરણ કેવી રીતે આવતું હશે તે એક મોટો પ્રશ્ન છે.

આ સમગ્ર ઘટના બાદ ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો હતો. ગ્રામજનોએ આ મામલે તાત્કાલિક ડીડીઓ (જિલ્લા વિકાસ અધિકારી) ને લેખિતમાં જાણ કરી હતી. ડીડીઓએ આ બાબતને ગંભીરતાથી લઈ તાત્કાલિક તપાસના આદેશ આપ્યા છે. ડીડીઓ કચેરીમાંથી મળતી માહિતી મુજબ, નાના પોંઢા તાલુકામાંથી જ દુધડ કુવા ગામના અન્ય એક તલાટી સામે પણ ફરજમાં બેદરકારીની ફરિયાદ મળી છે. આ સ્થિતિ સૂચવે છે કે આ માત્ર એકલદોકલ બનાવ નથી, પરંતુ વલસાડ જિલ્લામાં સરકારી કર્મચારીઓની બેદરકારી એક વ્યાપક સમસ્યા બની રહી છે. ડીડીઓએ ખાતરી આપી છે કે તપાસ બાદ જે કોઈ કસૂરવાર જણાશે તેની સામે નિયમાનુસાર કાર્યવાહી કરવામાં આવશે.

ઈંડા-ચિકન ખાનારા સાવધાન, બર્ડ ફ્લુને લઈને 1.40 લાખ મરઘાનો કરાશે નાશ

Follow Us