Valsad : વલસાડ જિલ્લાના વાપી GIDCમાં આવેલી અનુપ પેઇન્ટસ કંપનીમાં ભીષણ આગ (Fire) લાગી હોવાની માહિતી મળી રહી છે. GIDCના ત્રીજા ફેઝમાં આવેલી કંપનીમાં આગ લાગી છે. કંપનીમાં સોલ્વન્ટ કેમિકલ હોવાથી આગે વિકરાળ સ્વરુપ ધારણ કર્યુ છે. ત્યારે આ અંગેની જાણ થતા જ ફાયર વિભાગની ટીમ સ્થળ પર પહોંચી ગઇ છે.
આ પણ વાંચો- Dahod News: રોઝમ પાસે હિટ એન્ડ રનની ઘટનામાં ગંભીર રીતે ઘાયલ વધુ એક વ્યક્તિનું મોત, જુઓ Video
વલસાડ જિલ્લાના વાપીમાં આવેલી GIDCમાં અનેક કંપની આવેલી છે. ત્યારે GIDCના ત્રીજા ફેઝમાં આવેલી અનુપ પેઇન્ટસ કંપનીમાં અચાનક જ આગ ભભુકી ઉઠી હતી. આગ લાગતા જ કંપનીના કર્મચારીઓ અને આસપાસના લોકોમાં દોડધામ મચી ગઇ હતી. તેમના દ્વારા તાત્કાલિક ફાયર બ્રિગેડના જાણ કરવામાં આવી હતી. આગ લાગવાની જાણ થતા જ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. આગ એટલી વિકરાળ હતી કે થોડી જ ક્ષણોમાં આગના ગોટે ગોટા દૂર દૂર સુધી આકાશમાં જોવા મળી રહ્યા હતા.
ફાયર બ્રિગેડની લગભગ સાત જેટલી ટીમ દ્વારા આગ બુઝાવવાની કામગીરી શરુ કરવામાં આવી છે. આગ એટલી ભીષણ બની છે કે ફાયર બ્રિગેડ દ્વારા મેજર કોલ જાહેર કરવામાં આવ્યો છે. મળતી માહિતી પ્રમાણે કંપનીમાં સોલ્વન્ટ કેમિકલ હોવાથી આગ વધુને વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે. આગની ઘટનામાં એક કામદારને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે. જેને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.
આગ લાગવાનું કારણ હજુ પણ અકબંધ છે. આગ બુઝાયા બાદ આગ લાગવાના ચોક્કસ કારણ અંગે તપાસ કરવામાં આવશે. હાલ આગ બુઝાવવાની કામગીરી પૂરજોશમાં થઇ રહી છે.
(With Input-Akshay kadam)
વલસાડ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 2:49 pm, Tue, 17 October 23